Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

રેસકોર્ષ રીંગ રોડ એનસીસી ચોકમાં બાઇક સ્‍લીપ થતાં ધોરાજીના કુશ વડાલીયાનું મોત

પટેલ દંપતિનો એકનો એક પુત્ર હતોઃ રાજકોટ રહી રેલીંગ-બોર્ડનું કામ કરતો હતોઃ પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૩૦: રેસકોર્ષ રીંગ રોડ પર એનસીસી ચોકમાં મોડી રાતે બાઇક સ્‍લીપ થઇ ઝાડમાં અથડાતાં બાઇક ચાલક મુળ ધોરાજીના વતની અને હાલ રાજકોટમાં રહેતાં પટેલ યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ મોડી રાતે દોઢેક વાગ્‍યે રેસકોર્ષ રીંગ રોડ પર એનસીસી ચોકમાં બાઇક સ્‍લીપ થઇ જતાં અજાણ્‍યા ચાલકને ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના અલ્‍પેશભાઇએ જાણ કરતાં પ્ર.નગરના પીએસઆઇ ખોખર અને રામજીભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસ થતાં મૃત્‍યુ પામનાર યુવાનની ઓળખ થઇ હતી.

આ યુવાન હાલ કાલાવડ રોડ પર આત્‍મીય કોલેજ સામે મિત્ર હેમદિપભાઇ સાથે રૂમ પાર્ટનર તરીકે રહી રેલીંગ અને બોર્ડ બનાવવાનું કામ કરતો મુળ ધોરાજી સ્‍ટેશન રોડનો કુશ અશોકભાઇ વડાલીયા (પટેલ) (ઉ.વ.૩૦) હોવાનું ખુલતાં પોલીસે તેના સ્‍વજનોને જાણ કરી હતી.  ગઇકાલે રૂમ પાર્ટનર પણ કામ સબબ બહારગામ હતો. રાત્રીના કુશ કોઇ કામ માટે બાઇક લઇને નીકળ્‍યો ત્‍યારે અકસ્‍માત નડયો હતો. મૃત્‍યુ પામનાર કુશ માતા પરિતાબેન અને પિતા અશોકભાઇનો એકનો એક આધારસ્‍તંભ પુત્ર હતો. તેના લગ્ન થયા નહોતાં. બનાવ કઇ રીતે બન્‍યો? તે અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.

(1:02 pm IST)