Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

અક્ષય તૃતિયાના અવસરને વધાવવા ઝવેરીબજાર સજ્જ

પેલેસ રોડ પર અવનવી ડિઝાઇનના આભુષણનો ઝળહળાટ : ઘટયા ભાવે બજારમાં ખરીદીનો ધમધમાટ રહેવાની વેપારીઓને આશા:અવનવી જવેલરી સાથે શુકનવંતી ખરીદી વધશે

રાજકોટ તા;29 : અક્ષય તૃતિયાના અવસરને વધાવવા સોનીબજાર સજ્જ બની છે ઝવેરીબજારમાં અવનવી ડિઝાઇનના વિવિધ આભૂષણની વિશાળ રેન્જ સાથે વેપારીઓ દ્વારા તૈયારી કરાઈ છે અક્ષય તૃતીયાનો અવસર અને છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ દબાયા હોય ગ્રાહકોની ખરીદી વધવાની આશા છે સામાન્ય પણે અક્ષય તૃતીયા સ્વયં સિદ્ધ મુહૂર્ત મનાય છે આ દિવસે મુહૂર્ત જોવાની આવશ્યકતા નથી વણજોતું મુહૂર્ત મનાતા આ શુકનવંતા દિવસે કરેલી ખરીદી ક્ષય થતો નથી તેવું શાસ્ત્રોક્ત કથન છે

  ઝવેરી બજારમાં ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી, ટ્રેડીશનલ અને જડતરની જવેલરી તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે. આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફ્ટ આર્ટીકલ સાથે લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાળ શ્રેણી જોવા મળે છે
   ઝવેરીબજારમાં હેવી તેમજ લાઈટ વેઇટના આભૂષણો પણ ઝગમગી રહ્યાં છે હળવા વજનના બુટી ,બાલી ,વીટી પેન્ડલ,રંગ બેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની કાનની લટકણ બાલી ,સહિતની મનમોહન વેરાયટીઓ જોવા મળે છે.
   છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ઘટતા ભાવ અને અક્ષય તૃતીયાના અવસરથી ખરીદી બેવડાઈ શકે છે આ ઉપરાંત રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના સભ્ય જવેલર્સ દ્વારા સોનાના આભૂષણોની ખરીદીમાં 10 ગ્રામે મજૂરીમાં રૂપિયા 1250નું  વિશેષ વળતર અને ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં 50 ટકા સુધીનું જબરું ડિસ્કાઉન્ટ ઓફર કરાયું છે જેને બહોળો પ્રતિસાદ મળશે તેમ મનાય છે,

રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના ચેરમેન પ્રભુદાસભાઇ પારેખ જણાવે છે કે ઘરેણાની ઘડામણમાં વિશેષ વળતરની આકર્ષક ઓફર અને એકંદરે ઊંચી સપાટીએથી ઘટયા ભાવે ગ્રાહકીમાં વધારો થશે ઘટ્યા ભાવે સોનાની મનમોહક જવેલરી અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં પણ વધારો થવાની ધારણા છે

  એશિયાના ગોલ્ડ હબ તરીકે વિખ્યાત રાજકોટની સોનીબજારના કુશળ કારીગરો તૈયાર થતા દાગીનાની દેશ-વિદેશમાં વિશેષ માંગ રહેતી હોય છે ત્યારે આ વખતે સોનાના ભાવમાં એકંદરે ઘટાડો થતા ખરીદી વધવાની વેપારીઓને આશા છે
   અક્ષય તૃતીયાના અવસરે સોનાના ઘટયા ભાવ,શુકનવંતો અવસર અને વળતર સ્કીમને કારણે બજારમાં ધૂમ ખરીદીની ધારણા છે ઉપરાંત લગ્નસરાની સિઝનનું વેડિંગ કલેક્શન પણ જબરું ગોઠવાયું છે જેને પગલે પણ ખરીદીમાં વધારો થશે તેમ મનાય છે

(12:55 pm IST)