Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

હીરાસરમાં રાજુભાઇ પટેલના પ્‍લાન્‍ટમાંથી જોખમી તેજાબ જેવું પાણી ખુલ્લામાં ઠાલવવામાં આવતું હતુઃ ગુનો નોંધાયો

પ્‍લાન્‍ટ પર હાજર મહેશકુમાર અને તપાસમાં ખુલે તેની સામે પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમો હેઠળ એરપોર્ટ પોલીસે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નાયબ ઇજનેરની ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૩૦: બામણબોર નજીક એરપોર્ટ પોલીસ મથક હેઠળના હીરાસર ગામમાં રાજુભાઇ પટેલ નામની વ્‍યક્‍તિએ ચાલુ કરેલા પ્‍લાન્‍ટમાંથી માનવ તેમજ પશુ પક્ષી સહિતની જીવ સૃષ્‍ટી માટે અત્‍યંત જોખમી તેમજ ખેતીના પાકો મઅને પર્યાવરણ માટે પણ નુકસાનદાયક એવા તેજાબ  જેવા એસિડીક પાણીને ખુલ્લામાં છોડવામાં આવતું હોઇ તેમજ ખેતરની જમીન, નદીના પાણીને નુકસાન થાય એવું કારસ્‍તાન આચરવામાં આવતું હોઇ આ મામલે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બનાવમાં એરપોર્ટ પોલીસે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશીક કચેરી રાજકોટના નાયબ પર્યાવરણ ઇજનેર રાજેશ વી. ચોૈહાણની ફરિયાદ પરથી હીરાસર ગામે રાજુભાઇ પટેલના પ્‍લાન્‍ટમાં રહેતાં મહેશકુમાર નામના વ્‍યક્‍તિ અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૨૮૪, ૨૭૭, ૨૭૮, ૩૩૬, ૧૧૪, પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમ ૭-૧૫ (૧) મુજબ ગુનો નોંધ્‍યો છે.
નયાબ ઇજનેરે ફરિયાદમાં જણાવ્‍યું છે કે ૨૮/૪ના રોજ અમારા પ્રાદેશિક અધિકારીને ટેલિફોનીક ફરિયાદ એરપોર્ટ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ રાકેશ સાકળીયાએ કરી હતી અને જણાવ્‍યું હતું કે હીરાસર ગામે ખેતરમાં અનઅધિકૃત પ્‍લાન્‍ટ ચાલે છે અને તેમાંથી એસિડને ખુલ્લામાં છોડવામાં આવે છે. આથી તુરંત મુલાકાત લેવા હું તથા અન્‍ય અધિકારી સી. એલ. ડોડીયા જાતે ગયા હતાં. અમે સાથે જરૂરી સાધન સામગ્રી પણ  લઇ ગયા હતાં.
સ્‍થળ પર તપાસ કરતાં એક પ્‍લાન્‍ટ કાર્યરત જણાયો હતો અને તેમાં તેમાં કારીગરો કામ કરતાં હતાં. પ્‍લાન્‍ટ ખેતરના છેડા પર હતો. કારીગરના કહેવા મુજબ જોખમી સ્‍લજ લાવી તેને હાઇડ્રોલિક એસિડમાં નાખીને એક ટેન્‍કમાં વલોવે છે અને થોડીવાર તેમાં સેટલ થવા રાખે છે. એ પછી સ્‍લજ નીચે બેસી જાય છે અને એસિડ ઉપર રહે છે. જેને જુદી જુદી જગ્‍યાએ માટીના કાચા ક્‍યારા (ખાડા) બનાવીને તેમાં સંગ્રહ કરે છે અને માટીને તડકામાં સુકવી નાખે છે. અમારી મુલાકાત વખતે ત્રણ જગ્‍યાએ આવા એસીડ વેસ્‍ટ વોટરનો સંગ્રહ કરેલો જોવા મળ્‍યો હતો. જે આશરે ૧૦ હજાર લિટર જેટલો જથ્‍થો હતો. આ માટીનો જથ્‍થો ૧ થી ૧ાા જેટલો સુકાતો હતો. જે બ્રાઉન રંગનો હતો.
લોખંડની બે ટાંકી પણ હતી. જેમાં એક અન્‍ડરગ્રાઉન્‍ડ હતી. જેમાં ૧૦૦૦ લિટર જેટલુ પ્રોસેસ સ્‍લજ જોવા મળ્‍યું હતું. આશરે ૫ ટન જેટલો જોખમી કચરો ખુલ્લામાં પડયો હતો. ત્રણ એસિડની ટાંકી પણ હતી. એક કારીગરે પોતાનું નામ મહેશકુમાર કહ્યું હતું. આ જોખમી કચરો ક્‍યાંથી લાવે છે? કચરામાંથી શું રિકવર કરે છે? આ માટી કોને આપે છે? આ સવાલોના જવાબો માટે કારીગરે પ્‍લાન્‍ટ માલિક રાજુભાઇને ફોન કર્યો હતો. પરંતુ તે ટ્રાવેલિંગમાં હોઇ રાજુભાઇએ પોતે રૂબરૂ આવીને માહિતી રજૂ કરશે તેમ કહ્યું હતું. આ પછી અમે ગંદા પાણીનો નમુનો લઇ પૃથ્‍થકરણ માટે લીધો હતો. પ્રાથમિક પૃથ્‍થકરણમાં આ ગંદુ પાણી એસિડીક માલુમ પડયું હતું. જે જનજીવન સૃષ્‍ટી તેમજ પર્યાવરણ માટે હાનીકારક માલુમ પડયું હતું.
આમ ખુલ્લી જગ્‍યાનો ઉપયોગ વ્‍યવસ્‍થિત કોૈભાંડ આચરીને જોખમી પ્રદુષિત ઓદ્યોગિક એસિડીક પાણી, જોખમી એસિડ (તેજાબ)ને ખુલ્લા ખેતરની જમીનમાં મહેશ નામના શખ્‍સ દ્વારા ઠાલવાતું હોઇ જે માનવ, પશુ પંખી સહિતના જીવની સલામતી માટે જોખમી હોઇ ગંભીર કૃત્‍ય જણાતું હોઇ ગુનો દાખલ કરાવ્‍યો છે. વિશેષ તપાસ પીઆઇ વી. આર. રાઠોડની રાહબરીમાં હેડકોન્‍સ. અચ. એસ. તળાવીયાએ હાથ ધરી છે.

 

(11:45 am IST)