Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

અકસ્‍માતની ઘટનામાં કોર્પો.ના અધિકારીઓ પર ભારે કલમો ઝીંકી દેવાઇ : મ્‍યુનિ.કમિશ્‍નરને રજૂઆત

રૈયા ટેલીફોન એકસચેન્‍જ પાસે યુવકના મોતનો મામલો : મનપાના કર્મચારી યુનિયનોમાં ભારે કચવાટઃ મ્‍યુનિ. કમિશ્‍નર દ્વારા ઉચ્‍ચ અધિકારીઓની કમીટી બનાવાઇ

રાજકોટ, તા. ૩૦ :  શહેરના ૧પ૦ ફૂટ રીંગ ઉપર રૈયા એકસચેન્‍જ પાસે થયેલ અકસ્‍માતની ઘટનામાં મનપા તંત્ર ઉપર સીધી પોલીસ ફરીયાદ થતા યુનિયનોમાં ભારે કચવટાની લાગણી પ્રવર્તી છે. મનપાના  કર્મચારી યુનિયન દ્વારા આ અંગે  મ્‍યુ. કમિશ્‍નર અમિત અરોરાને રજુઆત કરવામાં આવી હતી. જયારે મ્‍યુનિ. કમિશ્‍નર દ્વારા આ અંગે મનપાના ઉચ્‍ચ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે.

ગત સપ્તાહે શુક્રવારે રૈયા ટેલીફોન એકસચેન્‍જ પાસે બાઇક સહિત ખાડામાં ખાબકતાં હર્ષ ઠકકરને ઓવરબ્રીજનું કામ ચાલુ હોય તેના પિલોરની ખાલીસરીનો સળીયો માથામાં ખુંપી જતા ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થતા અરેરાટી વ્‍યાપી ગયેલ. મૃતકના પિતા દ્વારા આ અંગે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

આ અંગે દાખલ ફરીયાદમાં મનપાના તંત્ર દ્વારા કોઇ પ્રકારની કામ ચાલુ હોય આડસ ન મરાયાના આક્ષેપો થયેલ હતા. જેથી પોલીસે પણ ધોરણસરની કાર્યવાહી કરી છે જેમાં સમગ્ર મામલે સીધી જ મનપા ઉપર ૩૦૪ ની કલમ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

ફરીયાદ દાખલ થતા મનપાના યુનિયનોમાં ગણગણાટ શરૂ થયા મુજબ આ ફરીયાદ ૩૦૪ (એ) મુજબ દાખલ થવી જોઇએ અને કોઇ એજન્‍સી કે વ્‍યકિતને દોષી ન ગણી સીધુ તંત્રને જ જવાબદાર ઠેરવાતા અનેકવિધ ચર્ચાઓએ પણ જોર પકડયુ છે.

મનપા લોબીમાં  ચર્ચા મુજબ મ્‍યુ. કમિશ્નર અમિત અરોરા દ્વારા આ દુઃખદ ઘટના અંગે કમિટી પણ રચી દેવામાં આવી છે અને ટુંક સમયમાં કમિટી રીપોર્ટ પણ સોંપી દેશે. ત્‍યારે સીધી તંત્ર ઉપર જ ફરીયાદ થતા કર્મચારી યુનિયનોમાં ભારે કચવાટ ફેલાયો છે.

(3:57 pm IST)