Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

રકતદાનનો સંદેશો પ્રસરાવવા સાયકલ પર દેશભ્રમણ

પં.બંગાળના જયદીપ રાઉત પોતે ૪૩ વખત રકતદાન કરી ચુકયા છે : 'હર ઘર રકતદાતા, ઘર ઘર રકતદાતા' નારો લઇને સાયકલ લઇને નિકળી પડયા છે : એક વર્ષમાં પુરો દેશ ઘુમી વળશે : વધુને વધુ સંખ્યામાં રકતદાન કરવા સૌને અપીલ

રાજકોટ તા. ૩૦ : 'યુવાઓ અને વડીલો સૌ કોઇ રકતદાન કરો, બસ રકતદાન કરો' તેવો સંદેશો પ્રસરાવવા પશ્ચિમ બંગાળના હુગલી જીલ્લાના ચાપધાનીના જયદીપ રાઉત દેશ આખો સાયકલ ઉપર ઘુમી વળવા નિકળી પડયા છે.

'અકિલા' સાથેની મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યુ હતુ કે ૧ ઓકટોબરે મેં આ સાયકલ યાત્રા શરૃ કરી છે. ઝારખંડ, બિહાર, યુ.પી., હરીયાણા, પંજાબ, જમ્મુ, રાજસ્થાન થઇને હું હાલ ગુજરાતમાં પ્રવેશ્યો છુ. જે રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ ' ઘર ઘર તિરંગા' નો નારો આપ્યો છે. તે રીતે હું 'હર ઘર રકતદાતા, ઘર ઘર રકતદાતા'નો નારો પ્રસરાવતો રહુ છુ.

ખાસ કરીને ૧૮ વર્ષથી લઇને ૬૫ વર્ષ સુધીના દરેક લોકો સમયાંતરે રકતદાન કરતા રહે તેવી મારી અપીલ છે. હું પોતે પણ અત્યાર સુધીમાં ૪૩ વખત રકતદાન કરી ચુકયો છુ. સાયકલ યાત્રા દરમિયાન પણ રાજસ્થાનના જયપુર ખાતે મેં રકતદાન કરેલ છે.

અહીં રાજકોટમાં લાઇફ બ્લડ સેન્ટરની પ્રવૃત્તિઓ જાણીને હું ખુબ પ્રભાવિત થયો છુ. રેડક્રોસ જેવી સંસ્થાઓનું કાર્ય પણ ખુબ સારૃ છે. મને માર્ગમાં રાત્રી રોકાણ સહીતની સુવિધાઓમાં રેડક્રોસ સોસાયટી કે અન્ય કોઇ સમાજ સેવી સંસ્થાઓનો સહયોગ મળી જાય છે.

દરરોજ ૫૦ થી ૬૦ કિ.મી. સાયકલ ચલાવી લઉ છુ. ૧ ઓકટોબર ૨૦૨૨ થી શરૃ કરેલ આ સાયકલ યાત્રામાં અત્યાર સુધીમાં કોઇ વિઘ્ન આવ્યુ નથી. આગામી ૧ ઓકટોબર ૨૦૨૩ સુધીમાં પુરો દેશ હું ફરી લઇશ. જો કે આ પહેલા ૨૦૧૭-૧૮ માં પણ મેં કોલકતાથી દિલ્હી-મુંબઇ અને ત્યાંથી પરત કોલકતા સુધીની સાયકલ યાત્રાનો અનુભવ લીધો છે. એટલે આ વખતે પુરી તૈયારી સાથે નિકળ્યો છે.બસ દેશના લોકો રકતદાન કરતા રહે અને બ્લડ બેંકોની ઝોળી છલકાવતા રહે તેવી અપીલ અંતમાં જયદીપ રાઉતજી (મો.૭૦૪૪૩ ૮૪૭૮૯) એ કરી હતી. તસ્વીરમાં સાયકલ પ્રવાસી જયદીપ રાઉતજી સાથે લાઇફ બ્લડ સેન્ટરના રાજીવકુમાર શર્મા અને સી.એસ.ભગતજી નજરે પડે છે.

(3:54 pm IST)