Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

વી.ડી.બાલાઃ પ્રકૃતિની કૃતિને સજાવવાની નવરંગી પ્રવૃતિ

નવરંગ નેચર કલબના પ્રમુખ વી.ડી.બાલાનો ગુરૂવારે જન્મદિવસઃ પર્યાવરણ શિબિરો, કાર્યક્રમોનો સતત ધમધમાટઃ રોપા વિતરણ પાણી જાગૃતી, પદયાત્રા, દર રવિવારે ખેડુત હાટ, મધ વેચાણ સહીતની અનેકાનેક પ્રવૃતિ: 'વસુંધરાના વહાલા વી.ડી.બાલા' પુસ્તકનું ગુરૂવારે વિમોચન

રાજકોટ, તા., ૩૦: નિવૃત રેન્જ ફોરેસ્ટ ઓફીસર વી.ડી.બાલા વેગડાના માણસ છે. પ્રકૃતિની કૃતિને નયનરમ્ય બનાવવા તેઓ નવરંગી પ્રવૃતિમાં સતત વ્યસ્ત રહે છે. પ્રકૃતિ પ્રેમી શ્રી બાલાનો તા.૧ ના ગુરૂવારે જન્મ દિવસ છે. આ પ્રસંગે તેઓની પ્રવૃતિની ઝલક માણીએ.

શ્રી બાલાના જન્મદિને એક વિશેષ કાર્યક્રમ પણ આયોજીત થયો છે. શ્રી કૌશીકભાઇ મહેતા દ્વારા સંપાદીત પુસ્તક 'વસુંધરાના વહાલા વી.ડી.બાલા' નું તા.૧ ના ગુરૂવારે વિમોચન થનાર છે. ગુરૂવારે સાંજે પાંચ વાગ્યે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ, કોટેચા સ્કુલ પાસે, કાલાવડ રોડ ખાતે કાર્યક્રમ યોજાશે. પુસ્તકનું વિમોચન પૂ. અપુર્વ સ્વામીજીના હસ્તે થશે.

વી.ડી.બાલાના જન્મદિન નિમીતે તેમના દ્વારા ચાલતી પર્યાવરણીય પ્રવૃતિની ઝલક માણીએ.

વન્ય જીવ સપ્તાહની ઉજવણી

(માધ્યમિક શાળાઓ તથા કોલેજ કક્ષા) જે તે સ્કુલમાં વન્યજીવ પર્યાવરણને લગતા વાર્તાલાપ આપી તે સ્કુલમાં જ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવે છે. પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થી તથા એક શિક્ષકને ઇનામ વિતરણના સ્થળ સુધી આવવા જવાનું ભાડુુ, રાત્રી રોકાણની સગવડતા અને ઇનામ આપવામાં આવે છે. ટોકન ફી લેવામાં આવે છે. ર૦૦પ થી ર૦૧૭ સુધીમાં સ્કુલો ર૦૭૧ કુલ વિદ્યાર્થીઓ ૩,૮૧,૦૦૦ ભાગ લીધેલ છે.

પર્યાવરણ જાગૃતી

માત્ર પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓ આમા ભાગ લઇ શકે છે. જે તે સ્કુલમાં પર્યાવરણ લક્ષી વાર્તાલાપ આપી સ્કુલમાં જ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવે છે. પ્રથમ નંબરને ઇનામ આપવામાં આવે છે અને આ પ્રમાણપત્ર અને ઇનામ જે તે સ્કુલ સુધી પહોંચાડવામાં આવે છે. માત્ર ટોકન ફી લેવામાં આવે છે. ર૦૦પ થી ર૦૧૭ સુધીમાં સ્કુલો ૩૧૩ કુલ વિદ્યાર્થીઓ ૪ર,૦૦૦ ભાગ લીધેલ છે.

સાપ વિશેની જાગૃતી  (ફોટો દ્વારા)

ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં ઝેરી-બીનઝેરી સાપના ફોટા બતાવી સાપની ઓળખ તથા વૈજ્ઞાનીક માહીતી આપવામાં આવે છે. સાપથી બચવા શું કરવું તેની સમજણ આપવામાં આવે છે. સાપ વિશેની અંધ શ્રધ્ધાઓનું ખંડન તથા સર્પદંશની પ્રાથમીક સારવાર કેમ આપવી અને મુંજવતા પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે. કાર્યક્રમ વિનામુલ્યે કરવામાં આવે છે. ર૦૦પ થી ર૦૧૭ શાળાઓ ૮૦પ વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ૧,૯ર,૬૦૦ ભાગ લીધેલ છે.

સેમીનાર

સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં રહેતી વ્યકિતઓ કે જે સાપ પકડવાનું તથા સાપની સાચી માહીતી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે અને પર્યાવરણ જાગૃતી બાબતે કામ કરતા લોકોનો એક દિવસીય સેમીનાર બે વખત રાજકોટ મુકામે રાખેલ ભાગ લેનાર ૧૮૦ વ્યકિત.

મધમાખી પાલનના સેમીનાર-૪ (ચાર) સૌરાષ્ટ્રને લીલુછમ કરવા માટે સેમીનાર-ર (બે) ઘઉંના જવારા જાતે વાવો અને ઉપયોગ કરો સેમીનાર-૧ (એક)

પ્રકૃતિને સમર્પીત વિરલાઓનું સન્માન

પ્રકૃતિનું પાયાનું કામ કરતા લોકોનું સન્માન ર૦૦પ થી ર૦૧૭ સુધીમાં ૧૯૩ વ્યકિતઓનું સન્માન (પુજા) કરેલ.

વર્ષ-ર૦૦પ થી ર૦૧૭ સુધીમાં રાજકોટ આજીડેમ વન ચેતના કેન્દ્ર ર૧પ, સત્યપ્રકાશ ઉપવન (ઠોઠની વીડી ઇશ્વરીયા) ર૬૦, વાંકાનર મહાકાળીની ટેકરી ૧૩૦, ઓસમ પર્વત પાટણવાવ તા.ધોરાજી રપ૭, વડસરની વીડી (તા.વાંકાનેર) ૧પ૦, હીલમાતાના મંદિરે તા.વાંકાનેર પ૦, રાજેન્દ્ર હોલ લોક ભારતી સણોસરા તા.સિંહોર ૧૦, આંબલા લોકશાળા ૧ર, જીંજુડા બંદર તા.મોરબી ૧પ શિબિરો થઇ છે.

સેઢે સીતાફળી : વિદ્યાર્થીઓને પોતાની સ્કુલ સુધી ટોકન દરે ચોમાસામાં રોપાઓ પહોંચાડવામાં આવે છે. તે પોતાની વાડીએ સીતારફળ, જામફળ, દાડમ વિગેરે વાવે છે. ર૦૦૭ થી ર૦૧૭ સુધીમાં ૧,ર૦,૦૦૦ રોપાઓ વાવેલ છે.

વાડીએ વડ : ખેડુતોને વડ, ઉમરા, પીપળના રોપાઓ ટોકન દરે ગામે-ગામ ચોમાસામાં પહોંચાડવામાં આવે છે. ર૦૦૮ થી ર૦૧૭ સુધીમાં ૮૩પ૦ રોપા પહોંચાડેલ છે. એક વ્યકિતને એક રોપાના હિસાબે.

અશોકના વૃક્ષનું વિતરણ : ર૦૧૦માં વાપીથી તંદુરસ્ત ર૦૦૦ અશોક રોપાઓ (આસોપાલવ નહી) લાવી એક વ્યકિતને એક રોપાના હિસાબે માત્ર રૂ.૧૦ની કિંમતે રાજકોટ અને ભાવનગરથી જાહેર વિતરણ કરેલ.

મલેશીયન સાગ : આના રોપા બજારમાં રૂ.૧૦૦માં વેચાતા હોય છે પરંતુ અમો આ રોપા રૂ.૩૦માં ખેડુતોને વિવિધ ગામોમાં જઇ અને ખેતરના સેઢે વાવવા પ્રોત્સાહિત કરીએ છીએ. ર૦૧૪થી આ કામગીરી શરૂ કરેલ છે. અત્યાર સુધીમાં ૮૦૦૦ રોપાનું વિતરણ થયેલ છે.

સફેદ ચંદન : આના રોપા બજારમાં રૂ.૧૦૦માં વેચાતા હોય છે પરંતુ અમો આ રોપા રૂ.૩૦માં ખેડુતોને વિવિધ ગામોમાં જઇ અને ખેતરના સેઢે વાવવા પ્રોત્સાહિત કરીએ છીએ. ર૦૧૪થી આ કામગીરી શરૂ કરેલ છે અત્યાર સુધીમાં ર૦૦૦ રોપાનું વિતરણ થયેલ છે.

ગુગળના રોપાઓનું વિતરણ : દર વર્ષે નોરતાના નવ દિવસો દરમ્યાન ફુલછાબ રાજકોટ ખાતેથી તથા વિવિધ તાલુકા મથકેથી ગુગળના રોપાઓનું રાહતદરે વિતરણ ર૦૧૦ થી ર૦૧૭ સુધીમાં ૮૦૦૦ રોપાનું વિતરણ કરેલ છે.

ફળીયામાં લીંબુ : ગામડામાં લોકોને મોટા ફળીયા હોય છે. ફળીયામાં લીંબુ વાવવાથી તેની રોજની જરૂરીયાત પુરી થાય છે અને ગામ લીલુછમ બને છે વિદ્યાર્થીઓ અને લોકોને ટોકનદરે લીંબુડીના રોપનું ચોમાસામાં વિતરણ થાય છે. ર૦૦૭ થી ર૦૧૭ સુધીમાં પર,૪૦૦ રોપાનું વિતરણ થયેલ છે.

દેશીકુળના વૃક્ષો : વિદ્યાર્થીઓ દ્વારા પોતાની માલીકીમાં વૃક્ષોનું વાવેતર એક વિદ્યાર્થી એક રોપાના હિસાબે ટોકન દરે જે તે ગામ સુધી આ રોપાઓ ચોમાસામાં પહોંચાડવામાં આવે છે. વર્ષ-ર૦૦પ થી ર૦૧૭ સુધી કુલ રોપા ર,૮ર,૦૦૦ રોપાઓમાં લીમડો, ખાટી આંબલી, મીઠી આંબલી, આસોપાલવ, બહેડા, દેશીબાવળ, દેશી આંબા, કરંજ, પીપળ, ઉમરા, રાવણા, જાંબુ, વાસ, નીલગીરી વિગેરે.

આયુર્વેદીક છોડનું વિતરણ : ર૦૧૩ થી ર૦૧૭માં દર રવિવારે જુલાઇ-ઓગષ્ટ મહિનામાં રાજકોટ ખાતેથી નીચે મુજબના રોપાનું વિતરણ ટોકન દરે કરેલ. રોપામાં નગોડ, બ્રાહ્મી, તુલસી, જંગલી તુલસી, વિકસ તુલસી, ચણોઠી, અશ્વગંધા, વિકળો, સતાવરી, અરડુસી વિગેરે રોપાઓ ૪૮૦૦.

ટીસ્યુકલ્ચરના કેળના રોપા : ટીસ્યુકલ્ચરના તંદુરસ્ત રોપાઓ મેળવી લોકોને ટોકન દરે વિતરણ. આ રોપાઓ ખાસ કરીને સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારમાં ગ્રામ્ય લેવલે ફળીયામાં વાવેતર કરાવેલ છે. ર૦૧૦ થી ર૦૧૭ સુધી એક વિદ્યાર્થીને એક રોપાના હિસાબે આ રોપાઓ ટોકન દરે આપેલ છે. ૬,૦૦૦ રોપાનું વિતરણ થયેલ છે.

રૂખડાના રોપાનું વિતરણ : આ વૃક્ષનું આયુષ્ય પ,૦૦૦ વર્ષ છે અને તેની સંખ્યા સૌરાષ્ટ્રમાં બીલકુલ ઓછી હોય તેના ફેલાવા માટે ર૦૧૩ થી ર૦૧૭માં ૩૦૦૦ રૂખડાના રોપાઓનું સૌરાષ્ટ્રમાં એક ખેડુત એક રોપાના હિસાબે વિનામૂલ્યે વિતરણ કરેલ છે.

આંગણે વાવો શાકભાજી : લોકો પોતાના ફળીયામાં અને અગાસી ઉપર કુંડામાં શાકભાજીનું વાવેતર કરે તે માટે કુલ ૧૭ તાલુકા મથકે જઇ લોકો વિદ્યાર્થીઓને શાકભાજી વાવેતર માવજત વિશે માહિતી આપી ર૦૧૦ થી ર૦૧૭ સુધીમાં ટોકન દરે ર૧ જાતના બિયારણની નાની પડીકીઓ રૂ.પના હિસાબે ૧,૮પ,૮૦૦ નંગનું વિતરણ કરેલ. ગજબનો પ્રતિભાવ, હિંગોળગઢની બાજુના ખડકાણા ગામે દરેક વ્યકિતના ફળીયામાં શાકભાજીનું વાવેતર થયેલ છે અને ફળાવ રોપાઓ ફળીયામાં વાવી તેમાંથી આવક મેળવવામાં આવે છે.

ફીંડલા સરબત : જસદણ તાલુકાની અતિ ગરીબ બહેનોના મંડળો બનાવી તેને હાથલા થોરના પાકા ફળમાંથી સરબત બનાવી તથા વેચાણની વ્યવસ્થા સૌરાષ્ટ્રમાં ૧૦૦ ગામમાં કરાવી આપેલ. બજારમાં કેમીકલ નાખેલ આવી બોટલો રૂ.૧૮૦માં મળતી હોય છે તેની સામે તેનાથી સારી ગુણવતાવાળા સરબતની બોટલો રૂ.૧૦૦ના દરે વેચાણ કરાવી દર વર્ષે ૩ર,૦૦,૦૦૦ રૂપિયાની આવક હાથલા થોરમાંથી થાય છે. મંડળની બહેનો જે ખેડુતના ખેતરના સેઢે હાથલા થોરના પાકલ ફળ વિણવા જાય ત્યારે ખેતરના માલીકને વિનંતી કરે છે કે આ હાથલો થોર અમારો ભગવાન છે તેમાંથી અમોને રોજીરોટી મળે છે તો આ થોરને તમો સાચવી રાખજો (હાથલા થોરની વાડ કાઢશો નહી), સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં હાથલ થોરના પાકા ફળ રૂ.૪૦ કિલો વેચાય છે. ખુબ જ લોકોને રોજગારી મળે છે અને કુદરતી પીણુ પી લોકો આરોગ્યની જાળવણી કરતા થયા છે. ર૦૧૦ થી ર૦૧૭ સુધી.

આંબલવાણુ (ખાટી આંબલીનું સરબત) : પાકી ખાટી આંબલીને સાંજે પલાળી સવારે હાથથી મસળી કાપડના ગરણેથી ગાળી તેમાં દેશીગોળ ભેળવી શરબત બનાવવામાં આવે છે. ઉનાળામાં આ શરબત પીવાથી લુ નથી લાગતી. આંબલી રેચક અને પાચક હોય આરોગ્ય માટે ખુબ જ ગુણકારી છે. આ ભુલાતા જતા શરબતને ફરીથી લોકભોગ્ય બનાવવા માટે ર૦૦૯ થી ર૦૧૭ સુધીના સમયગાળામાં સૌરાષ્ટ્ર-કચ્છના ૪૧ સ્થળો ઉપર (દર અઠવાડિયે એક વખત) વિનામૂલ્યે ૧,૬પ,૦૦૦ લોકોને પાવવામાં આવ્યુ અને સરબત કેમ બનાવી શકાય તેની પત્રિકાઓનુ વિતરણ કરેલ. આદુ-મધનું શરબત, તકમરીયાનું શરબત, ફીંડલા શરબત વિનામૂલ્યે પાવામાં આવે છે.

બિલ્લાનું શરબત : પાકા બીલ્લા ભેગા કરી તેમાંથી માવો કાઢી સાંજે પલાળી સવારે હાથથી મસળી કાપડના ગરણેથી ગાળી તેમાં સાકર ભેળવી શરબત બનાવવામાં આવે છે. આ શરબત ઉનાળામાં પીવાથી ખુબ જ ઠંડક આપે છે. લુ નથી લાગતી અને આરોગ્ય માટે ખુબ જ ગુણકારી છે. ર૦૧ર થી ર૦૧૭ સુધીમાં કુલ ૧૪ સ્થળો ઉપર વિનામૂલ્યે ૧૪૦૦૦ લોકોને શરબત પીવડાવવામાં આવ્યુ.

રામ કી ચીડીયા રામ કા ખેત : આ યોજનામાં ખેડુતો પોતાના ખેતરને સેઢે પક્ષીઓ માટે જુવાર-બાજરાની એક લાઇનનું વાવેતર કરે છે અને તેની લણણી કર્યા વગર પક્ષીઓના ખોરાક માટે રહેવા દેશે. આવુ કરવાની જરૂર એટલે પડી કે ખેડુતો કપાસ, મગફળી જેવા રોકડીયા પાકો તરફ વળેલ છે. સીમના પક્ષીઓ ગામમાં આવતા નથી સીમમાં તેના ખોરાકની વ્યવસ્થા માટે સૌરાષ્ટ્રના ખેડુતોના અભ્યાસ કરતા સંતાનો દ્વારા તેના વાલીઓ પક્ષીઓ માટે જુવાર કે બાજરાની એક લાઇન વાવેતરની વાત પહોંચાડે અને આ કાર્યને ભગવાનનો ભાગ ગણાવેલ. પુર્વજો આવુ કરતા તેથી આ કોઇ નવી વાત નથી પણ ભુલાઇ ગયેલી વાતને ફરીથી યાદ કરી લોકોને આ એક લાઇન વાવેતરની વાત ર૦૦૯ થી ર૦૧૭ સુધીના સમયગાળામાં ૩,૦૦,૦૦૦ ખેડુતોએ આ પુણ્યનું કામ કરેલ.

ચકલી ઘર (પુંઠાના માળા) ચકલી ઘરની શરૂઆત સૌ પ્રથમ ભારતમાં કરી છે દુનિયામાં ચકલી એક જ એવુ પક્ષી છે કે જેને ઝાડ ઉપર કુદરતે માળો કરતા શીખવાડેલ નથી. પુર્વજોને આ વાતની ખબર હતી એટલે ચકલીના માળાની વ્યવસ્થા ઓસરીમાં પુષ્કળ ત્રાંસી છબીઓ ગોઠવી કરતા હતા. દેશી નળીયાવાળા મકાનો હોય ચકલીને માળાને જગ્યા મળી રહેતી હતી. મકાનમાં આગળના ભાગમાં ગોખલાઓ રાખતા. ઇલેકટ્રીક પંખો ન હતો. હવે ચકલીને માળા માટેની વ્યવસ્થા ખતમ થયેલ છે તેથી વૈજ્ઞાનિક ઢબના લેમીનેશનવાળા પુંઠાના ૬'-૬'ના માળા બનાવી તેને છાંયે (રવેશની નીચે) લગાવવા. બીલાડી ન પહોંચે તેટલી ઉંચાઇ હોવી જોઇએ. હલતા માળા તેને ઓછા માફક આવે છે. આવી બધી સમજણ વિદ્યાર્થીઓને, લોકોને આપી પડતર કિંમતે તેનુ વિતરણ કર્યુ અને પરિણામ ખુબ જ સરસ આવેલ છે. વર્ષ-ર૦૧૦ થી ર૦૧૭ સુધીમાં પ,૦૦,૦૦૦ માળાનું વિતરણ સમગ્ર રાજયમાં કરેલ.

માટીના પરબનું વિતરણ : દર ઉનાળે માટીના પરબ સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં લોકોને વિનામૂલ્યે આપેલ. લોકોને એવી સમજણ આપવામાં આવી કે આપણા રહેઠાણ પરથી પક્ષીઓ કયારેય તરસ્યા જવા જોઇએ નહી. આ ભાવના લોકોને સ્પર્શી ગઇ ર૦૧૦ થી ર૦૧૭ સુધીમાં કુલ ૧૪૦૦૦ નંગ પરબનું વિતરણ કરેલ. રાજકોટ દર રવિવારે, વાંકાનેર મહિનાનો પહેલો રવિવાર વર્ષ-ર૦૧૦ થી ર૦૧૭ સુધીમાં, મોરબી મહિનાનો બીજો રવિવાર કુલ ૧૪૦૦૦ નંગનું વિતરણ, જામનગર મહિનાનો ચોથો રવિવારે વર્ષ ર૦૧૦ થી ૨૦૧૭ સુધીમાં કુલ ૧૪૦૦૦ નંગરનું વિતરણ.

ઉત્તરાયણ : ઉત્તરાયણ વખતે પતંગ કયારે ચડાવવી જોઇએ તેની વાત ભારતમાં પહેલી વખત અમોએ કરેલ. ઘણા બધા અભ્યાસ પછી જાણવા મળ્યુ કે પક્ષીઓ સુર્ય ઉગ્યાથી ૧૦ વાગ્યા સુધી અને સાંજે પ વાગ્યાથી સુર્ય આથમ્યા સુધી વધુમાં વધુ આકાશમાં ઉડતા હોય છે. જો પક્ષીઓને પતંગથી બચાવવા હોય તો આ સમયગાળામાં પતંગ ન ચડાવવી જોઇએ અને સવારે ૧૦ વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધી પતંગ ચડાવવાનો ૭-૦૦ કલાકનો સમય મળે છે. જે પુરતો છે. વિદ્યાર્થીઓને અને લોકોને એવી સમજણ આપવામાં આવી કે ઉત્તરાયણનો દિવસ દાન-પુણ્યનો દિવસ છે. આ દિવસે જો દાન કરવામાં આવે તો ૧૦૦ ગણુ પુણ્ય મળે છે. જો આ દિવસે પતંગથી પક્ષીઓની પાંખો આપણાથી કપાય તો ૧૦૦ ગણુ પાપ થાય. લોકોને આ વાત ગમી. ગુજરાત સરકારને પણ આ વાત ગમી તેથી ર૦૧રમાં સરકારે એક જાહેરનામું બહાર પાડેલુ પક્ષીઓના ઉડવાના સમયને અનુરૂપ લોકો પોતાની રીતે પક્ષીઓ બચાવવા માટે આ સમયને અનુસર્યા.

આકાશ વાણી : અત્યાર સુધીમાં આકાશવાણીમાં ૧૬ કાર્યક્રમો પર્યાવરણ જાગૃતિ માટે આપેલ. મેગેજીનો તથા ન્યુઝ પેપરમાં પર્યવારણ જાગૃતિ માટે લેખો લખેલ.

પર્યાવરણ યાત્રા : ર૦૧રમાં રાજકોટથી હિંગોળગઢ અભ્યારણ્ય સુધી વચ્ચે આવતા તમામ ગામોમાં એક ગામમાં એક ટુકડી આખો દિવસ રોકાય. ગામ લોકોને તથા વિદ્યાર્થીઓને મળી પર્યાવરણ બાબતે જાગૃત કરે. લોકોને આ પ્રયોગ ગમી ગયેલ ખુબ  સારૂ પરિણામ મળેલ.

શિક્ષકોને મળવુ (પર્યાવરણ જાગૃતિ) : પર્યાવરણની જાગૃતિ માટે શિક્ષકોને મળી વિદ્યાર્થીઓ સુધી પર્યાવરણનો સંદેશો પહોંચતો કરવા માટે ર૦૦પ થી ર૦૧૦ સુધીમાં કોલેજો, હાઇસ્કુલ તથા પ્રાથમિક શાળાના શિક્ષકોને તેની શિક્ષક સજતા તાલીમ દરમ્યાન સૌરાષ્ટ્રના દરેક જીલ્લામાં મળવા ગયેલ. અત્યાર સુધીમાં ૧૪૮૦૦ શિક્ષકોને મળી લીધેલ.

ઘઉંના જવારા : લોકો પોતાને ત્યાં ઘઉંના જવારા વાવી અને ઘઉંના જવારા સીધા જ ચાવી ફાયબરનો ફાયદો મેળવે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. રાજકોટ મુકામે ફુલછાબ ખાતેથી ર૦૧૩ થી ર૦૧૭ સુધીમાં છાણ્યુ ખાતર અને માટી વિનામૂલ્યે આપી લોકોને આ કાર્યક્રમમાં પ્રોત્સાહન આપે છે. સ્થળ ઉપરથી જ માટીના કુંડીયા રાહતદરે વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૪૮૦૦ કુંડીયાનું વિતરણ થયેલ છે.

ઘઉંનો પોક : જસદણ તાલુકાના નાના ખેડુતોને સજીવ ખેતીના ઘઉં વવડાવી તેનો પોક બનાવી બજારમાં રૂ.૧૦૦ના કિલોના દરે વેચાણ વ્યવસ્થા ગોઠવી આપેલ અને પોકમાંથી જાદરીયા નામનો ખોરાક કેમ બને તેની સમજણની વ્યવસ્થા ગોઠવી કુલ ૧૦૦ વ્યકિતઓને આ જાદરીયુ બનાવવા પ્રોત્સાહિત કર્યા તેઓને એવી સમજણ આપેલી કે તમારે ૧૦ વ્યકિતને આ યોજનામાં જોડે તેવી વ્યવસ્થા કરેલ. પાંચ વર્ષમાં ભાગના ઘરે આ જાદરીયુ બનતુ થાય તેવા પ્રયત્નો કરવાના છે.

આંબળાનો પાવડર, પંચામૃત પાવડર (જેમાં આંબળા, આદુ, ફુદીનો, બીટ, ગાજરનો પાવડર), ટમેટા સુપર, કારેલા સુપ, મકાઇનું સુપના પેકેટો બનાવી દર રવિવારે ફુલછાબ ખાતે રાહતદરે વિતરણ થાય છે. આમ દેશી પીણાઓનો પ્રચાર વધારવાની મથામણ કરીએ છીએ.

પાણીની જાગૃતિ : ર૦૧૩ થી સૌરાષ્ટ્રના વિવિધ સ્કુલોમાં ફરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કેમ થાય તેની વિસ્તૃત સમજણ આપી અને વરસાદનું પાણી કેવી રીતે રોકી શકાય તે માટે આંગણાનું પાણી આંગણામાં જ રોકવા માટે જો બોર હોય તો અગાસીનું પાણી બોરમાં પાઇપ વાટે ઉતારવાની સગવડતા કરવાની સમજણ આપી. ખેતર વાડીમાં કુવા રીચાર્જ અને ખેતરના નીચાણવાળા વિસ્તારમાં પ ફુટ પ ફુટનો ખાડો કરી નકામા પથ્થરોથી ભરી વરસાદનું પાણી ઉતારવાની વ્યવસ્થા થઇ શકે તેવી સમજણ આપી. આ કામગીરીના ખુબ જ સારા પરિણામો સામા આવા લાગ્યા છે. લોકો પાણી પ્રત્યે વધુને વધુ જાગૃત થાય તે માટે શાળા સંચાલકો અને આચાર્ય તરફથી સહકાર ખુબ જ મળતો થયો છે. અત્યાર સુધીમાં ર૦૧૩ થી ર૦૧૭ સુધીમાં પર૦૦ ખાડાનું નિર્માણ થયેલ છે.

અંધ શ્રધ્ધા નિવારણ : રાજકોટની વિજ્ઞાન પરિષદ નામની સંસ્થા અંધશ્રધ્ધા નિવારણનું કામ કરે છે. તેની સાથે રહી તેને વાહનની વ્યવસ્થા પુરી પાડી જે તે ગામડે જઇ અંધશ્રધ્ધા નિવારણના કાર્યક્રમો ર૦૧૦ થી ર૦૧૭ સુધીમાં ૩૬ ગામોએ કાર્યક્રમો કરેલ છે.

ઓર્ગેનીક ચીકુ (ફળ) : વર્ષ ર૦૧૩થી આ કામગીરી શરૂ કરેલ છે. ફળનું રાહતદરે વિતરણ બજારમાં જે ચીકુ રૂ.૪૦ થી રૂ.પ૦ના વેચાતા હોય છે તે રૂ.ર૦માં વેચાણ થાય છે. તેનો ફાયદો એ થયેલ કે ફળ લેનાર વર્ગને રૂ.ર૦ કિલોએ સસ્તા પડે તેની સામે ચીકુની હરાજી થતીતી ત્યાં મણે રૂ.૪પના ચીકુનો ભાવ હરાજીમાં વધારી દીધેલ તેથી ખેડુતોને સીધો ફાયદો થયેલ.

તરબુચ

રૂ. ૧૦ ના કિલોના હિસાબે તરબુચ પકાવનાર ખેડૂતને બોલાવી રાહત દરે વિતરણ કરીએ છીએ. ર૦૧૩ થી ર૦૧૭ સુધીમાં આમ ખેડૂતને સીધો ફાયદો થાય અને ખાનાર વર્ગને પણ ફાયદો થાય.

પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરા

આ ચબુતરા હેતુ પૂર્વક બનાવેલા છે તેમાં એવું એક ઢાંકણું બનાવેલ છે કે કોઇપણ બોટલ ફીટ થઇ જાય અને બોટલના ઉપરના ભાગમાં કાણું પાડી દોરી અથવા વાયરથી ઉંધી ટાંગી દેવામાં આવે તો પક્ષીઓ સહેલાઇથી આ ડીશમાં ચણી શકે છે. તેથી દાણાનો બગાડ ઓછો થાય છે નાના પક્ષીઓની હરીફાઇ મોટા પક્ષીઓની સામે ઓછી થાય છે. અને બીલાડીથી રક્ષણ મળે છે તેની કિંમત રૂ. ૧૦ રાખેલ છે અત્યાર સુધીમાં ર૦૧૪ થી ર૦૧૭ સુધીમાં  ૧,પ૦,૦૦૦ ડીશોનું રાહત દરે વિતરણ કરેલ છે.

ખરખોડીના રોપાનું વિતરણ

ર૦૧૦ થી ર૦૧૭ સુધીમાં સૌરાષ્ટ્રમાં ૬પ૦૦ રોપાનું પડતર કિંમતે વિતરણ.

વિવિધ મેળા

પર્યાવરણ જાગૃતિ માટે વર્ષ દરમ્યાન  ભરાતા વિવિધ જગ્યા ઉપરના મેળાઓમાં કુલ પ (પાંચ) વખત સ્ટોલ કરેલ છે. ઓર્ગેનીક ચીજ વસ્તુઓ વેચાય તે માટે મેળાનું આયોજન ૩ દિવસ માટે કરેલ.

વિદ્યાર્થીઓ માટેના ચોપડા

ફુલ સ્કેપ પાનાના ચોપડા પેઇઝ ૧૬૦, ર૦૧ર થી ર૦૧૭ સુધીમાં ૧,૦૦,૦૦૦ ચોપડાનું રાહત દરે વિતરણ.

પદયાત્રા

દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે પદયાત્રાનું આયોજન કરીએ છીએ. ર૦૧૪ થી ર૦૧૭ સુધી રૂટ રાજકોટના ઇશ્વરીયા મહાદેવથી - રતનપર રામજી મંદિર સુધી આશરે ૭ કિ. મી. આ યાત્રામાં યુવાનો  મોટી સંખ્યામાં ભાગ લે છે.ગમે તેવા ચાલુ વરસાદમાં આ યાત્રા અચુક થાય છે.

વિશ્વ વન દિવસની ઉજવણી

પાટણવાવના ઓસમ ડુંગર ઉપર, ધોરાજી, જામકંડોરણ, ઉપલેટા, વંથલી અને માણાવદર તાલુકાના પ્રાથમિક શાળાના ૩પ૦૦ વિદ્યાર્થીઓ પોતાનું ટીફીન લઇને આવે આ ઉજવણીમાં પોલીસ અધિક્ષક શ્રી રાજકોટ ગ્રામ્ય રાજકોટ તરફથી ૬૦૦૦ ચકલી ઘર વિદ્યાર્થીઓને આપેલ.

હરિયાળુ ગુજરાત

આ કાર્યક્રમ અંતર્ગત મોરબી વન વિભાગ અને રાજકોટ વન વિભાગ સાથે રહીને દરેક જીલ્લામાં ૬૦ - ૬૦ ગામની પ્રાથમિક શાળાઓમાં જઇ  વિદ્યાર્થીઓને ફળીયામાં   વાડીએ વૃક્ષો વાવવા પ્રોત્સાહન આપેલ. વર્ષ ર૦૧૭ સુધીમાં કુલ ર૪૦ ગામમાં દરેક ગામમાં ર૦૦ રોપા લેખે ફળીયામાં વાવી શકાય તેવા નાના ફળાઉ રોપા વિના મુલ્યે આપેલ.

દર રવિવારે ખેડૂતહાટનું આયોજન વર્ષ ર૦૧૩ થી શરૂ

જે ખેડૂતો સજીવ ખેતી કરતા  હોય અને અમો તેને સારી રીતે ઓળખતા હોય તેને રાજકોટ મુકામે સીસ્ટર નિવેદીતા નિરંતર શિક્ષણ કેન્દ્ર (ખેલાઘર), ૩-બાલમુકુંદ, રાજકોટ ખાતે દર રવિવારે સવારે ૯ થી ૧ સુધી વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરીએ   છીએ. તેમંા અમો ખેડૂતોને જગ્યા અને માર્કેટીંગ વિના મુલ્યે કરી આપીએ છીએ તે પોતાની ચીજ વસ્તુઓ વેચીને જતા રહે બાકીના દિવસોમાં સોમ. થી શનિ. પોતાના વતનના ગામમાં હાઇવે પર સીધુ વેચાણ કરે છે. સૌરાષ્ટ્રમાં બીજા કેન્દ્રોમાં સમાંતર રીતે આ મુજબ વિતરણ થાય છે.

મહિનાનો પહેલો રવિવાર વાંકાનેર ખાતે, મહિનાનો બીજો  રવિવાર -મોરબી ખાતે,  મહિનનો ત્રીજો રવિવર વિવિધ શહેરોમાં  મહિનાનો ચોથો રવિવાર-જામનગર ખાતે  જેમાં વિવિધ જાતના ફળો, વિવિધ જાતના શાકભાજીઓ,  માટીના વાસણો, ગાય આધારિત અગરબતીઓ, ઓર્ગેનીક અનાજ અને કઠોળ, દેશી ગાયનું દૂધ, ઘી, છાશ, માખણ, ચકલી ઘર, માટીના પાણીના પરબ, પ્લાસ્ટીકના ચબુતરા, દેશી મુખવાસો, લોખંડના વાસણો, ફીંડલા સરબત, આર્યુવેદીક દવાઓ, દેશી સરબતો અને સુપ, વિગેરેનું ખેડૂતો જાતે વિતરણ કરવા આવે છે. આમ ખેડૂતોને મુલ્યવર્ધીત લાભ થાય છે. દર રવિવારે રાજકોટ ખાતે રૂ. ૪,૦૦,૦૦૦ નું વેચાણ ખેડૂતો કરે છે.

પુત્ર અર્જુનની સગાઇ

સગાઇ વખતે કોઇપણ જાતનાં ખર્ચા વિના ઘરના ચાર સભ્યો જઇ સાદુ ભોજન જમી સગાઇની વિધી પુરી કરી મારા વતનનું ગામ મોરબી તાલુકાના ફડસર ગામે ૩૦૦ ઘર આવેલા છે દરેક ઘરે યોગ્ય જગ્યાએ ખાડો કરાવી મોટી સાઇઝના કલમી કાલી પત્તી ચીકુના ૩૦૦ રોપા લાવી તેની પુજા કરાવી દરેક ઘરે એક એક વૃક્ષ વાવેલ.

પુત્ર અર્જુનના લગ્ન

અર્જુનની સગાઇ ત્રણ વર્ષ ચાલી સગાઇ વખતે વાવેલા વૃક્ષો જોયા પછી અર્જુનને એવું લાગ્યુ કે લગ્ન વખતે વધુમાં વધુ ફળાવ રોપા લોકોને જો ટોકન દરે આપવામાં આવે તો વૃક્ષો વધે તેવીશકયતાઓ ખૂબ છે. લોકોને સસ્તા રોપા જોઇએ છે તેથી લગ્ન વખતે કોઇપણ જાતનો ખર્ચ કર્યાવિના ફકત ત્રણ જણા જઇ લગ્ન વિધી સમ્પન કરેલ અને પંદર લાખ રૂપિયા કલમી ફળાવ રોપા પાછળ વાપરવાનું નકકી કરી વર્ષ ર૦૧૩  વર્ષ ર૦૧૭ માં નીચે મુજબના ગામોમાં કલમી ફળાવ રોપા જેવા કે કેશર કલમી આંબો, કાલીપતી કલમી ચીકુ, લોટણ, બોના, નાળીયે, વનકેજી જામફળ, લીંબુના રોપાઓ કુલ વિતરણ ૧,ર૦,૦૦૦ કલમી ફળાવ રોપાની કુલ કિંમતના ૩૦ ટકા રકમ લઇ વિવિધ ગામોમાં લોકો આ રોપા લેવા આવેલ.

મધનું વેચાણ

સૌરાષ્ટ્રની ખેતીવાડીના વિકાસ માટે અલગ-અલગ  વિસ્તારમાં અશોકભાઇ પટેલ સોલધારા(ચીખલી)ના સહયોગથી ઇટાલીયન હનીબી (પાલતુ મધમાખી)ની પેટીઓ મુકવામાં આવે છે.  મધમાખીઓથી ર૦ ટકા ખેતી ઉત્પાદન આવે છે. લોકો વધુ મધ ખાતા થાય તે માટે સ્કુલોમાં  વિદ્યાર્થીઓને મધના ફાયદા વિશે વિગતે સમજણ આપવામાં આવે છે તેથી સૌરાષ્ટ્રમાં અમો દર અઠવાડીયે ર૦૦ કિલો મધનું રાહત દરે વેચાણ કરીએ છીએ.

સ્વચ્છ હરિયાળુ રાજકોટ

વર્ષ ર૦૧૭ થી આ કામગીરી શરૂ કરવામાં આવી જેમાં રાજકોટની વિવિધ સ્કુલો, કોલેજોમાં જઇ વિદ્યાર્થીઓને સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવે છે. આપણા ઘરની આજુ-બાજુ સ્વચ્છતા રાખીએ અને ફુલછોડ અને વૃક્ષો વાવી રાજકોટને હરિયાળુ બનાવીએ. આપણા ઘરની આાજુ-બાજુ કોર્પોરેશને જો વૃક્ષો વાવેલ હોય તો તેનું રક્ષણ કરીએ અને નિયમિત પાણી પાવીએ. વિદ્યાર્થીઓમાં  આવી સમજણ કેળવાય તે માટે અમો સતત મથીએ છીએ.

મળેલ એવોર્ડ

૧. ફુલછાબ એવોર્ડ વર્ષ ર૦૧૩ (કૃષિ અને પર્યાવરણ) પૂ. શ્રી મોરારીબાપુના વરદ હસ્તે.

ર. રામકથા રાજકોટ (પર્યાવરણ જાગૃતિ અને જાળવણી) પૂ. શ્રી મોરારીબપુના વરદ હસ્તેેે.

૩. લોકભારતી-સણોસરા (ભુતપુર્વ વિદ્યાર્થીને પર્યાવરણની શ્રેષ્ઠ કામગીરી માટે) પૂ. શ્રી મોરારીબાપુના વરદ હસ્તેે.

૪. દિપચંદ ગાર્ડી એવોર્ડ (દિકરાનું ઘર -ઢોલરા).

પ. રાજકોટ રત્ન એવોર્ડ -વિવેકાનંદ યુથકલબ.

૬. વન પંડિત એવોર્ડ વર્ષ ર૦૧૬ (ગુજરાત સરકાર).

લોક જાગૃતિ માટે ૪ બુકો પ્રકાશીત કરેલ છે જાણો સાપને

આ બુકની અંદર સાપના સત્તર રંગીન ફોટોઓ મુકેલ છે અને સાપ વિશેની વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી છે. પડતર કિંમતે (રૂ. પ) બુકનું વિતરણ થાય છે. ર૦૦પ થી ર૦૧૭ સુધી કુલ ૮૦,૦૦૦ બુકનું વિતરણ.

ઘરગથ્થુ ઉપચાર

જેને આપણે ડોશીવૈદુ કહીએ છીએ તેને જીવંત રાખવાની પ્રક્રિયાના ભાગ તરીકે ર૬ જાતના દર્દો સહેલાઇથી દુર થાય તેવા નુસ્કાઓ આ બુકમાં આપેલ છે. ર૦૦૭ થી ર૦૧૭ સુધી કુલ રપ૦૦૦ બુકોનું ટોકન દરે (રૂ. ૧૦) વિતરણ.

અનુભવનો નિચોડ  (કહેવતોનો સંગ્રહ)

દિવસેને દિવસે ભુલાતી જાય છે કહેવતોને જીવંત રાખવાના પ્રયત્નોના ભાગ તરીકે આ બુકનું ટોકન દરે ર૦૧૧ થી ર૦૧૭ સુધી કુલ ર૦૦૦૦ બુકોનું (રૂ. ૧૦) વિતરણ.

પર્યાવરણ જાળવણી  માટે હું શું કરી શકું

આ બુક વિદ્યાર્થીઓને ખૂબ જ ગમી છે અને અત્યાર સુધીમાં પ૦૦૦ બુકોનુંવિતરણ થયેલ છે. (૪.૩)

પ્રકૃતિ અનુભુતી શિબિરો

ધમાલ્યા અને દોડધામ ભર્યા જીવનથી દુર વિદ્યાર્થીઓને કુદરતની વચ્ચે લઇ જઇ પ્રકૃતિની અનુભુતી કરાવવામાં આવે છે. જેમાં પક્ષી દર્શનમાં ઓળખ, ખાસ્યત તથા જંગલના ઉબળખાબડ રસ્તા ઉપર ભ્રમણ કરતા કરતા વનસ્પતી દર્શનમાં તેની ઓળખ ઉપયોગીતા ઉપકારની વાતો થાય છે. વિદ્યાર્થીઓ પોતાનું ટીફીન સાથે લાવે છે. બે દિવસ અને એક રાત્રી માત્ર રૂ. ૧૦ ના ટોકન ફીમાં કરવામાં આવે છે. જેમાં પ્રમાણપત્ર, પ્ર.શિક્ષકનો ખર્ચ, રાત્રી રોકાણની સગવડતાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓને વન્ય જીવો બતાવી તેના આરોગ્ય વિશેની જાણકારી આપવામાં આવે છે કે વન્ય જીવો ખુબ ઓછા બીમાર પડે છે. માનવ ખુબ જ બીમાર પડે છે આવુ કેમ? ર૦૦પ થી ર૦૧૭ સુધીમાં ૧૦૮ર શિબીરો અને ૬૬,૦૦પ વિદ્યાર્થી, શિક્ષકોએ લાભ લીધો.

પરીચય

નામઃ વિરજીભાઇ દેવજીભાઇ બાલા (વી.ડી.બાલા)

જન્મ તા. ૦૧-૦ર-૧૯પ૮

સરનામું: નિલકંઠપ પાર્ક જે-૩/૨, યદુનંદન,

નિલકંઠ ટોકીઝ પાછળ રાજકોટ.

કોન્ટેકઃ મો. ૯૪ર૭પ ૬૩૮૯૮

મૌલીક પ્રદાનઃ પર્યાવરણ જતન લોક જાગૃતી

મુ. વતનઃ ફડસર, તા.જી. મોરબી.

અભ્યાસ : એફવાય બીએસસી-મોરબી પીટીસી લોકભારતી સણોસરા,

હોદોઃ નિવૃત ફોરેસ્ટ ઓફીસર

પ્રમુખઃ નવરંગ નેચર કલબ, રાજકોટ

કાર્યક્ષેત્રઃ સૌરાષ્ટ્ર(ગુજરાત)

(2:41 pm IST)