Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

સરકારી કચેરીઓમાં દિલ્‍હી જેવી સિસ્‍ટમ્‍સ લાવીશું: ડો. શિવલાલ બારસીયા

નાના-મધ્‍યમવર્ગના વેપારીઓની હાલત ખરાબઃ દિનેશ જોશી : લાયસન્‍સ રાજ ખતમ કરવું જરૂરી, લોકોને સ્‍પર્શતા પ્રશ્‍ને લડત આપીશું: મેડીકલ સેવા, સરકારી સ્‍કુલોની હાલત ભંગાર

રાજકોટઃ આમ આદમી પાર્ટીના વિધાનસભા ૬૯ના દિનેશભાઇ જોશી અને વિધાનસભા ૭૦ બેઠકના ઉમેદવાર ડો. શિવલાલ બારસીયા અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા.

ડો. શિવલાલ બારસીયાએ જણાવેલ કે સિવિલ હોસ્‍પિટલો, સરકારી શાળાઓની હાલત દયનિય છે. સિસ્‍ટમ્‍સ બદલવી ખૂબ જરૂરી બની છે. તો  સરકારી કચેરીઓમાં હાલ દિલ્‍હી જેવી જે સિસ્‍ટમ્‍સ લાગુ છે એવી જ સિસ્‍ટમ્‍સ ગુજરાતમાં પણ લાવીશું. લાયસન્‍સરાજ ખતમ કરવુ ખૂબ જરૂરી છે. લોકોના સ્‍પર્શતા પ્રશ્‍નો સામે લડત આપીશું. કેન્‍દ્ર અને રાજયની ગ્રાન્‍ટનો જનતાને યોગ્‍ય રીતે લાભ મળે એ બાબતે ધ્‍યાન આપવામાં આવશે.

આ તકે દિનેશભાઇ જોશીએ જણાવેલ કે લોકો પરીવર્તન ઇચ્‍છે છે. ‘આપ' લોકોને ભય, ભુખ, ભ્રષ્‍ટાચાર અને મોંધવારી માંથી મુકત કરશે. સત્તાધારી પક્ષથી જનતા ડરે છે. તંત્ર પણ સત્તાધારી પક્ષની જોહુકમી કરી રહ્યું છે.

ડો. શિવલાલ બારસીયા અને  દિનેશભાઇ જોશીએ જણાવેલ કે ગુજરાતએ એક  આભાસી વિકાસ મોડેલ છે. છેલ્લા ૨૭ વર્ષમાં ગુજરાત સરકારનું જાહેર દેવું આસમાને પહોચ્‍યુ છે. જો વિકાસ વાસ્‍તવિક હોય તો આવું કેમ બને? છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્‍ટ્રમાં કોઇ લાંબાગાળાનો હિત ધરાવતો પ્રોજેક્‍ટ આવેલ નથી. છેલ્લા બે દાયકામાં જીવનની પાયાની જરૂરીયાત જેમ કે સારૂ અને નિઃશૂલ્‍ક શિક્ષણ તથા ઉત્તમ અને સુવિધા સભર આરોગ્‍ય વ્‍યવસ્‍થા જેવી પાયાની જરૂરીયાતો પણ પૂર્ણ કરવામાં આવેલ નથી. જેમાં ખાસ કરીને શિક્ષણનું એટલી હદે વ્‍યાપારીકરણ થયેલ છે હાલમાં લોકોની સ્‍થીતી કફોળી થયેલ છે. શૈક્ષણિક સંસ્‍થાઓ રાજકારણના અડાઓ બની ગયેલ છે. શા માટે ફકત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં પેપરો ફુટવાના કિસ્‍સાઓ બને છે? ભ્રષ્‍ટ સત્તાધીશો અભ્‍યાસના ઉચ્‍ચતર માપદંડો સ્‍થાપિ ન શકે. સરકારી સ્‍કુલોની હાલત બિસ્‍માર છે. અતી અગત્‍યની બાળકલક્ષી સેવાઓ આપતાં કર્મચારીને ચણા મમરા જેવુ વેતન આપવામાં આવે છે. મેડીકલ સેવાનું માળખુ અપુરતુ છે. તાત્‍કાલીક ધોરણે તેમાં સુધારો કરવો જરૂરી છે. ગુજરાત રાજ્‍ય વર્ષોથી વીજળી ઉત્‍પન્ન કરવા માટે ‘‘સર પ્‍લસ'' રાજ્‍ય છે, તો તેના નાગરીકોને શા માટે આટલી મોંઘી વીજળી? મોરબી ઝુલતા પુલની બેદરકારી-ભ્રષ્‍ટાચારની ચરમસીમાં જ ગણાય. ‘‘હેરીટેજ શ્રેણી''ની ઇમારતને કઇ રીતે ‘‘પીપીપી'' મોડેલથી કાર્યરત રહેવા દઇ શકાય. રાજય સરકાર શું ઇન્‍ડીયન હેરીટેજ એકટની જોગવાઇઓથી પર છે? કલ્‍પસર જેવી અત્‍યંત  મહત્‍વકાંક્ષી અને સૌરાષ્‍ટ્રના હિત માટે જરૂરી તેવી યોજના શા માટે અભેરાઇ પર જ હોય છે?  ગુજરાતમાં શ્રેષ્‍ઠ સંચાલન થતુ હોય તો હાલમાં શા માટે મુખ્‍યમંત્રી તથા કેબીનેટમાં ફેરફાર કરવા પડયા? કારણો શું? નાના વેપારીઓ, મધ્‍યમ વર્ગીય તથા ગરીબોની હાલત અત્‍યંત નાજુક છે તો વિકાસ શું થયેલ છે? સૌરાષ્‍ટ્રમાં લાંબા સમયથી હાઇકોર્ટ બેંચની જરૂરીયાત હોવા છતા સત્તાધારી પક્ષના સ્‍થાનિક નેતાઓમાં રાજકીય કુનેહના અભાવે સૌરાષ્‍ટ્ર હાઇકોર્ટ બેંચથી વંચિત રાખેલ છે. તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ‘આપ' ના ઉમેદવારો ડો. શિવલાલ બારસીયા અને દીનેશભાઇ જોશી સાથે પ્રદેશ  જોઇન્‍ટ સેક્રેટરી ઇન્‍દુભા રાઓલ, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, ઉપપ્રમુખ રાકેશ સોરઠીયા, મહામંત્રી કેશવજી પરમાર અને રાકેશભાઇ વલેરા નજરે પડે છે.

(4:29 pm IST)