Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તાર ભાજપ અને ભાનુબેન બાબરીયાનો ગઢ

તેઓના માટે આ વિસ્‍તાર જાણીતો, સમસ્‍યાઓથી પરીચીત, પોતાની જનસેવા આગળ ધપાવશે

રાજકોટઃ રાજકોટ ગ્રામ્‍ય-૭૧ બેઠકના ભાજપ ઉમેદવાર ભાનુબેન બાબરિયા પોતાના મતવિસ્‍તારમાં ખૂબ જ લોકપ્રિય છે, તેમની સાથે સૌના સાથ, સહકાર અને સ્‍નેહ છે. રાજકોટ ગ્રામ્‍ય બેઠક પર ભાજપ ઉમેદવાર ભાનુબેન બાબરિયા વિક્રમજનક જીત નોંધાવશે એવા તેઓ ગ્રામ્‍યની જનતાથી લઈ રાજકીય પંડિતોને વિશ્વાસ છે આ પાછળનું કારણ છે, રાજકોટ ગ્રામ્‍ય વિસ્‍તાર ભાજપ પક્ષ અને ભાનુબેન બાબરિયાનો ગઢ છે. રાજકોટ ગ્રામ્‍યમાંથી એક સમયે ભાનુબેન બાબરિયાના સસરા માધુભાઈ બાબરિયા ધારાસભ્‍ય રહી જનતાની સેવા કરી ચૂકયા છે તો ખુદ ભાનુબેન  પણ આ બેઠક પરથી દસ વર્ષ ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈને જનસેવાના કાર્યો કરી ચૂકયા છે. એટલું જ નહીં, ભાનુબેન જ્‍યારે રાજકોટ ગ્રામ્‍યના ધારાસભ્‍ય ન હતા ત્‍યારે પણ તેમણે આ વિસ્‍તારની સમસ્‍યાઓને વાચા આપી નાનામાં નાના વ્‍યક્‍તિને પણ પ્રાથમિકથી લઈ આધુનિક સુખ-સુવિધાઓ મળી રહે તે માટેના તમામ પ્રયત્‍નો કર્યા  હોવાનું કમલેશ મીરાણી અને રાજુ ધ્રુવની યાદીમાં જણાવાયું છે.

તેઓએ જણાવેલ કે કેન્‍દ્રમાં નરેન્‍દ્રભાઈ મોદી અને રાજ્‍યમાં ભૂપેન્‍દ્રભાઈ પટેલની ડબલ એન્‍જીનવાળી ભાજપ સરકારમાં રાજકોટ નિરંતર વિકસી અને વિસ્‍તરી રહ્યું છે. રાજકોટમાં આસપાસના ગામ ભળી રહ્યા છે. રાજકોટની જનસંખ્‍યા સાથે આ શહેરમાં જોડાઈ રહેલા નાનાનાના ગામની સંખ્‍યા પણ વધારો થઈ રહ્યો છે. રાજકોટ વિધાનસભા-૭૧માં રાજકોટનો શહેરી અને ગ્રામ્‍ય બંને વિસ્‍તારનો સમાવેશ થાય છે. તેથી આ બંને વિસ્‍તારને સાથે રાખીને અહીના દરેક વ્‍યક્‍તિને માળખાકીય સુવિધાઓથી લઈ તમામ પ્રકારની સવલતો મળી રહે તે માટે ધારાસભ્‍યની જવાબદારી જરૂરી બની જાય છે. રાજકોટ ગ્રામ્‍યના ધારાસભ્‍ય પદ પર રહીને દસ વર્ષ સુધી અને ધારાસભ્‍યના પદ પર રહ્યા વિના છેલ્લા પાંચ વર્ષથી આમ કુલ મળીને આશરે પંદર-વીસ વર્ષથી રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભામાં આવતા શહેરી અને ગ્રામીણ વિસ્‍તારના સર્વાંગી વિકાસ માટે ભાનેબેન બાબરિયા જહેમત ઉઠાવી રહ્યા છે.

જ્‍યારે રાજકોટ ગ્રામ્‍યના ધારાસભ્‍ય ભાનુબેન બાબરિયા હતા ત્‍યારે તેમણે ૨૦૧૨-૧૮ સુધીમાં રાજકોટ, કોટડાસાંગાણી, અને લોધિકા તાલુકામાં ૩૬૯ કરોડના ખર્ચે ૩૦૧ કિ.મી.ના રોડ-રસ્‍તા બનાવ્‍યા હતા. તેમના કાર્યકાળમાં જ રાજકોટ, ભાવનગર, લોધિકા, મવડી, પાળ, માખાવડ, રાજકોટ-કાલાવડ રોડ ૪ લેનમાંથી ૬ લેન બન્‍યો હતો. કોઠારિયા, મોટામવા, મુંજકા, વાવડી, કણકોટ સહિતના ગામોમાં આશરે ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે ડામર-સી.સી.રોડ તૈયાર થયા હતા. તેમ જણાવાયું છે.

આ વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ ગ્રામ્‍ય બેઠક પરથી ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા બાદ ભાનુબેન બાબરિયા શહેરી વિસ્‍તારોમાં મહાનગરપાલિકા મારફત અને ગ્રામીણ વિસ્‍તારોમાં રાજ્‍ય સરકાર દ્વારા જે કંઈપણ વિકાસ કામગીરી હાથ ધરવામાં આવી છે તેને વેગ આપવા મારા પ્રયત્‍નશીલ રહેશે. રાજકોટ વિધાનસભા-૭૧ ગ્રામ્‍ય વિસ્‍તારમાં જનસેવાનો અઢળક અનુભવ ધરાવતા ભાનુબેન બાબરિયા માટે શહેરી અને ગ્રામીણનો સમન્‍વય ધરાવતો આ વિસ્‍તાર જાણીતો છે. તેઓ આ વિસ્‍તારમાં સૌથી અને સૌની સમસ્‍યાઓથી પરિચિત હોવાનું શ્રી મીરાણી અને શ્રી ધ્રુવે યાદીના અંતમાં જણાવાયું છે.

(4:26 pm IST)