Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

બે પોલીસમેનો વિરૂધ્ધ ચોરીની ફરિયાદમાં તપાસ કરવાનો પડધરીની કોર્ટનો આદેશ

રાજકોટ તા. ર૯: દિવાની દાવામાં પંચનામું થાય તે પહેલા જ પ્લોટ ઉપર લગાડેલ જાહેર ચેતવણીનું બોર્ડ ઉખેડી, ફેંકી દેવા તથા કલબ હાઉસમાં રહેલ કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરનાર જમીનના માલીકો અને તેના મળતીયા પોલીસવાળા ભગીરથસિંહ તથા અન્ય બે પોલીસવાળા સામે ચોરીની ફરિયાદ પડધરી કોર્ટમાં દાખલ થતાં કોર્ટે સી.આર.પી.સી.ની કલમઃ ૧પ૬(૩) હેઠળ એસ.પી. કક્ષાના અધિકારીને તપાસ કરવાનો હુકમ પડધરી કોર્ટના જજ શ્રી વી. વી. શુકલાએ હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટ શહેરમાં રહેતા કમલનયન જન્મશંકરભાઇ દવે એ રાજકોટ જિલ્લાના તાલુકા પડધરીના ગામઃ ખંભાળાના રે.સ.નં. ૧૪૮, નવા રે.સ.નં. ર૧૭ ઉપર ''બાલાજી રેસીડન્સી''ના નામે ઉતમ બિલ્ડર્સના ભાગીદાર-જીતેન્દ્રભાઇ કુવરજીભાઇ મારૂ, કલ્પેશભાઇ પ્રફુલભાઇ પરમાર તથા પ્રવિણભાઇ અરજણભાઇ વૈશ્નવ સામે સ્પેશીફીક પર્ફોમન્સ એકટ મુજબ વિજ્ઞાપન અને કાયમી મનાઇ હુકમ માટેનો દાવો રાજકોટ કોર્ટમાં દાખલ કરતા દાવામાં સ્થળસ્થિતિનું પંચનામું કરવાની અરજી વાદી કમલનયનભાઇ દવે એ દાખલ કરેલ જેમાં રાજકોટની સીવીલ કોર્ટે અરજી મંજુર કરી સ્થળસ્થિતિનું પંચનામું કરવા કોર્ટ કમિશ્નર તરીકે આર. એમ. ગોહેલની નિમણુંક કરવામાં આવેલ અને દાવાની અરજી સાથે સમન્સ/નોટીસ અને પંચનામાની નોટીસની બજવણી કોર્ટના બેલીફ મારફત પ્રતિવાદીઓને કરવામાં આવેલ.

કોર્ટના કમિશ્નરના પંચનામામાં વાદીનો ફાર્મ હાઉસ નં. પ ઉપર કોઇ કબજો હોવાનું રેકર્ડ ઉપર ન આવે તેવા બદ અને મલિન ઇરાદાથી સ્થળ ઉપર જઇને જાહેર ચેતવણીનું બોર્ડ દૂર કરેલ અને કલબ હાઉસમાં વાદીના પાંચ માણસો કે જેઓ ત્યાં ફાર્મ હાઉસ પ્લોટ નં. પ ની દેખરેન માટે વાદીએ રાખેલા માણસોની ધરપકડ કરાવવા આરોપી પ્રવિણ અરજણ વૈશ્નવ, જગદીશભાઇ પટેલ, જયસુખભાઇ અરજણભાઇ વૈશ્નવ વિગેરેના એ પડધરી પોલીસ સ્ટેશનના પોલીસમેન ભગીરથસિંહ સાથે સાંઠગાંઠ કરી, વાદીના પાંચ માણસોની પંચનામાની આગલી રાત્રે જ પોલીસ મારફત ધરપકડ કરાવેલ અને કલબ હાઉસની અંદર વાદીના માણસો માટે રાખેલ સાન્સુઇ કંપનીનું એલઇડી ટી.વી., ગાદલા-૬, ઓશિકા-૬, રજાઇ-૬ તથા પાંચ માણસોના ચાર-ચાર જોડી કપડા, મોબાઇલ ચાર્જર વિગેરે કિંમતી ચીજવસ્તુઓની મોટરની અંદર ભરી, ચોરી કરી લઇ ગયેલ. તેના પુરાવા સહિતની ફરિયાદ પડધરી કોર્ટમાં દાખલ કરતા ફરિયાદી-કમલનયન જન્મશંકર દવેના એડવોકેટશ્રી અશ્વિન એસ. ભટ્ટે ઓનલાઇન દલીલ કોર્ટના જજ સમક્ષ કરેલ. જેમાં કોર્ટે સી.આર.પી.સી.ની કલમઃ ૧પ૬(૩) મુજબ એસ.પી. કક્ષાના અધિકારીએ તપાસ કરવાનો હુકમ કરતા ચકચાર જાગેલ છે.

આ કામમાં ફરિયાદીના એડવોકેટ તરફે રાજકોટના સીનીયર એડવોકેટ અશ્વિન એસ. ભટ્ટ રોકાયેલ છે.

(2:43 pm IST)