Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

રોજના ૨૦ થી ૩૦ હજારની કમાણી કરો...એવા મેસેજ મોકલી ફોરેકસ ટ્રેડિંગના નામે ૧૯ લોકો સાથે ૬૭ લાખની છેતરપીંડી

સાયબર ક્રાઇમ પોલીસે જુનાગઢના ત્રણ શખ્સોને પકડ્યાઃ જેલહવાલે થયા બાદ વિશેષ તપાસમાં વિગતો ખુલીઃ સુત્રધાર સુરતના જયેશ વાઘેલાની શોધખોળઃ જુનાગઢના જયસુખ સરવૈયા, આશિષ દવે અને જીતેન્દ્ર જાગાણી જેલહવાલે થયાઃ રાજકોટ, સુરત, મોરબી, ભરૃચ, વાપી, વલસાડના રોકાણકારો ૧ લાખથી ૧૧ લાખના રોકાણ કરી છેતરાયાઃ કાલાવડ રોડ રૃરલ હાઉસીંગના ખોડિયાર ડેરીવાળા ઉમેશભાઇ ગોંડલીયાએ ૧ લાખ રોકયાઃ થોડા દિવસ પછી આઇડીમાં ૩૫ લાખનો નફો દેખાયોઃ પૈસા ઉપાડવાની વાત કરતાં વધુ રોકાણ કરવા કહેવાયું અને કુલ ૮ લાખ ગુમાવ્યા

રાજકોટ તા. ૨૯: મોબાઇલ ફોનમાં ફોરેકસ ટ્રેડિંગ'માં રોકાણ કરી રોજના રૂ ૨૦ હજારથી ૩૦ હજાર કમાવવાની તક'...એવા મેસેજ મોકલી લોકોને લલચાવી તેની આઇડી ખોલાવી તેમાં રોકાણ કરેલા નાણા પર મોટો નફો મળ્યો છે એ પ્રકારની ખોટી માહિતી મુકી વધુ રોકાણ કરવા લલચાવી બાદમાં રૃપિયા ખાઇ જઇ પોતાના ફોન બંધ કરી દઇ છેતરપીંડી કરતાં જુનાગઢના ત્રણ શખ્સોને રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે અગાઉ નોંધાયેલા ગુનાને આધારે પકડી લઇ રિમાન્ડ મેળવી પુછતાછ બાદ કોર્ટમાં રજૂ કરતાં ત્રણેય જેલહવાલે થયા છે. વિશેષ તપાસમાં આ ત્રણ શખ્સોની ટોળકીનો સુત્રધાર સુરતનો જયેશ હિમતલાલ વાઘેલા હોવાનું અને આ ટોળકીએ રાજકોટ,  સુરત, મોરબી, ભરૃચ, વાપી, વલસાડના ૧૯ લોકોને છેતરી રૂ ૬૭ લાખની ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું છે. સુત્રધારની શોધખોળ થઇ રહી છે જે હાથમાં આવ્યે ઠગાઇનું મોટુ કારસ્તાન ખુલવાની આશા છે.

સાયબર ક્રાઇમ પોલીસે કાલાવડ રોડ પર રૃરલ હાઉસીંગ બોર્ડ બ્લોક નં. ઇ-૧, શેરી નં. ૭માં રહેતાં અને ખોડિયાર ડેરી ફાર્મ નામે વેપાર કરતાં ઉમેશભાઇ વશરામભાઇ ગોંડલીયા (પટેલ) (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી મેટા ટ્રેડર-ફાઇવ કંપનીનના વિક્રાંત પટેલ અને જયેશ તથા બેંક એકાઉન્ટ નંબર આપનાર શખ્સ વિરૃધ્ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી), આઇટીએકટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ બાદ જુનાગઢના ચોકલી ગામના જયસુખ ચીનુભાઇ સરવૈયા (ઉ.વ.૩૦), જુનાગઢ તળાવ દરવાજા વૃજ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦ના આશિષ ઉપેન્દ્રભાઇ દવે (ઉ.વ.૩૫) તથા જુનાગઢ દાસારામ કોમ્પલેક્ષ નવા નાગરવાડાના જીતેન્દ્ર હસમુખભાઇ જાગાણી (ઉ.વ.૩૮)ની ધરપકડ કરી હતી.

ઉમેશભાઇના મોબાઇલ ફોન માં ૧૨/૫/૨૦ના રોજ એક ટેકસ મેસેજ આવ્યો હતો. જેમાં અર્ન ડેઇલી રૂ ૨૦૦૦૦ ટુ ૩૦૦૦૦ વીથ ધ હેલ્પ ઓફ ફોરેકસ ઓટો સોફટવેર. કોલ અસ નઉ ફોર લાઇવ ડેમો...એવા લખાણ સાથે મોબાઇલ નંબર હતો. આથી ઉમેશભાઇએ નંબર પર ફોન કરતાં રિસિવ કરનારે પોતાની ઓળખ વિક્રાંત પટેલ તરીકે આપી હતી. તેણે કહેલું કે ફોરેકસ ટ્રેડિંગમાં રૂ ૧ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી રોજના રૂ ૨૦ થી ૩૦ હજારનો નફો મળે છે. એ પછી તેણે પોતાની કંપનીના સોફટવેરનું નામ મેટા ટ્રેડર-ફાઇવ આપ્યું હતું. તેમાં એકાઉન્ટ ખોલાવવા રૂ ૧ લાખ આપવા પડશે તેમ કહેતાં ઉમેશભાઇ તૈયાર થયા હતાં.

એ પછી આ એક લાખ જમા કરાવવા વિક્રાંતે આઇસીઆઇસીઆઇ બેંકનો એકાઉન્ટ નંબર આપ્યો હતો. જેમાં ઝુલુ ટ્રેડ નામે એકાઉન્ટ હતું. જેમાં ૧૯/૫ના રોજ ઉમેશભાઇએ એક લાખ જમા કરાવ્યા હતાં. એ પછી વિક્રાંતને પૈસા ભર્યાની પહોંચ વ્હોટ્સએપ પર મોકલી હતી. ત્યારબાદ વિક્રાંતે તેની એપ્લિેકશનમાં ઉમેશભાઇના નામનું એકાઉન્ટ ખોલી આપી આઇડી નંબર આપ્યા હતાં. થોડા સમય પછી ઉમેશભાઇએ પોતાની આઇડીમાં તપાસ કરતાં તેમના ખાતામાં રૂ ૩૫ લાખ જમા થઇ ગયેલા દેખાયા હતાં. જે નફો હોવાનું બતાવાયું હતું.

ત્યારબાદ ઉમેશભાઇએ વિક્રાંત પટેલને ફોન કરી પૈસા ઉપાડવા છે એવી વાત કરતાં તેણે કહેલ કે બીજા ૧૦ લાખ જમા કરાવો તો જ આ રૃપિયા વિડ્રોલ થઇ શકશે. ઉમેશભાઇએ આટલી રકમ પોતાની પાસે ન હોઇ અને ૭ લાખ પડ્યા હોઇતેવી વાત કરતાં વિક્રાંતે સુરત અડાજણ ખાતે આંગડીયા મારફત આ રકમ મોકલી આપવા કહ્યું હતું. ૨૯/૫ના રોજ ઉમેશભાઇએ આ રકમ મોકલી આપી હતી. જે વિક્રાંતે મેળી ગયાની ખાત્રી કરી આપી હતી. એ પછી ઉમેશભાઇએ પોતાના ખાતામાં જમા થયેલા નફાના ૩૫ લાખ વિડ્રોલ કરવા કહેતાં વિક્રાંતે તમારે હજુ થોડા પૈસા જમા કરવા પડશે તેમ કહી દીધુ હતું. પરંતુ બાદમાં તેનો ફોન બંધ થઇ જતાં છેતરપીંડી થયાની ખબર પડતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેમણે અરજી કરી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી સાયબર ક્રાઇમ જી. ડી. પલાસણાએ તપાસ કરવા સુચના આપતાં પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ સી.એસ. પટેલ, એેએસઆઇ જે. કે. જાડેજા, પી.એન. ત્રિવેદી, હેડકોન્સ. સંજયભાઇ ઠાકર, જયદેવભાઇ બોસીયા સહિતે તપાસ શરૃ કરતાં અને કોલ ડિટેઇલ કઢાવતાં જુનાગઢના ત્રણ શખ્સો સામે આવ્યા હતાં અને તેને પકડી લઇ રિમાન્ડ મેળવાયા હતાં.

આ ત્રણેયની પુછતાછમાં મુખ્ય સુત્રધાર સુરતનો જયેશ હિમતલાલ વાઘેલા હોવાનું ખુલ્યું હતું. રિમાન્ડ પુરા થતાં ત્રણેય આરોપી જેલહવાલે થયા હતાં. તપાસ યથાવત રાખી બેંકના વ્યવહારો તપાસાતાં ૧૯ લોકો સાથે ૬૭ લાખની ઠગાઇ થયાનું સામે આવ્યું હતું. જે લોકો છેતરાયા છે તેમાં રાજકોટના ત્રણ અને બાકીના સુરત, વલસાડ, વાપી, ભરૃચ, મોરબીના રોકાણકારો છે. આ લોકોએ એક લાખથી અગિયાર લાખ સુધીની રકમ રોકી હતી અને છેતરાયા હતાં. જયેશ વાઘેલા ઝડપાયા બાદ વધુ વિગતો ખુલશે.

(12:07 pm IST)