Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ઉદ્યોગમાં તાલીમબધ્‍ધ માનવબળની અછત : પારૂલ મહાજન

નેશનલ સ્‍કીલ ડેવલપમેન્‍ટની ટીમ રાજકોટમાં: શૈક્ષણિક સંસ્‍થાઓમાં ઉદ્યોગ અંગે તાલીમ અપાતી નથી: આ ગેપને પુરવા ઉદ્યોગો નિગમને જરૂરિયાતો મોકલે : રાજકોટના ઉદ્યોગો ૫ લાખ લોકોને રોજગારી આપે છે

રાજકોટ,તા. ૨૯ : રાષ્ટ્રીય કૌશલ્‍ય વિકાસ નિગમ (એન.એસ.ડી.સી.)ના પ્રતિનિધિઓએ આજે રાજકોટના વિવિધ ઉદ્યોગ એસોસિએશન સાથે બેઠક યોજી હતી. જિલ્લા કલેક્‍ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકનો હેતુ સ્‍પષ્ટ કરતા નિગમના પ્રતિનિધિશ્રી પારૂલ મહાજને જણાવ્‍યું હતું કે, એકતરફ ઉદ્યોગોમાં તાલીમબદ્ધ માનવબળની અછત છે, બીજીતરફ શૈક્ષિણક સંસ્‍થાઓમાં ઉદ્યોગોની વર્તમાન અને બદલાતી જરૂરિયાત મુજબની તાલીમ મળતી નથી.

તેમણે કહ્યું કે, આ ગેપને કેમ પૂર્ણ કરવા ઉદ્યોગો પોતાની જરૂરિયાતો નિગમને જણાવે, અને એ મુજબ શૈક્ષણિક સંસ્‍થાઓ તાલીમ આપે તેવી વ્‍યવસ્‍થા ઊભી કરવા કવાયત ચાલી રહી છે.

જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ રાજકોટના ઉદ્યોગો દ્વારા દેશના સકલ ઘરેલુ ઉત્‍પાદન (જી. ડી.પી.)માં આપતા યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, જિલ્લાના ઉદ્યોગો ચારથી પાંચ લાખ લોકોને રોજગારી આપે છે. સમગ્ર દેશમાં રાજકોટને નેશનલ સ્‍કીલ એવોર્ડ મળ્‍યો છે, જે ઉદ્યોગોને આભારી છે.

ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવાના સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, બધા ઉદ્યોગ એસોસિએશનને એક મંચ પર લાવીને સ્‍ટાર્ટ અપ ઇન્‍ડિયા સાથે જોડવામાં આવશે.

આ બેઠકમાં અધિક કલેક્‍ટરશ્રી એસ. જે. ખાચર, એન.એસ.ડી.સી.ના પ્રતિનિધિશ્રી ઉદય શ્રોફ, શ્રી રાકેશ કુમાર, જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના મેનેજરશ્રી કિશોર મોરી તથા અન્‍ય અધિકારીઓ, જિલ્લા ઉદ્યોગ સલમતી અને સ્‍વાસ્‍થ્‍ય ખાતાના અધિકારીઓની ટીમ, ચેમ્‍બર ઓફ કોમર્સ, વિવિધ જી.આઈ.ડી.સી.ના ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ, યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:04 pm IST)