Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

નવા ૧૫૦ રીંગ રોડ એસઆરપી કેમ્પ પાસે કૂવામાંથી પુરૃષની કોહવાયેલી લાશ મળી

આશરે ૪૮ થી ૫૦ વર્ષના પુરૃષના વાલીવારસ હોય તો યુનિવર્સિટી પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૯: નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઘંટેશ્વર એસઆરપી કેમ્પ નજીક હોટેલ રોયલ રિટ્રીકની સામેના ભાગે આવેલા રમેશભાઇ ઘુસાભાઇ સિતાપરા (કોળી)ના ખેતરના કૂવામાંથી અજાણ્યા આશરે ૪૮ થી ૫૦ વર્ષના પુરૃષની ફુલાઇ ગયેલી, કોહવાઇ ગયેલી લાશ મળી આવતાં ચકચાર જાગી છે. પોલીસે મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે અને વાલીવારસની શોધખોળ શરૃ કરી છે.

જાણવા મળ્યા મુજબ ઘંટેશ્વરનો એક ભરવાડ યુવાન ગત સાંજે નવા દોઢસો રીંગ રોડ પર રમેશભાઇના ખેતર પાસે ઢોર ચરાવવા ગયો હતો ત્યારે તેણે આ વાડીના પાળી વગરના કૂવામાંથી ગંધ આવી રહી હોઇ અંદર નજર કરતાં એક પુરૃષની લાશ જોવા મળતાં વાડી માલિકને જાણ કરી હતી. એ પછી પોલીસને જાણ થતાં ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહ બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો.

મૃતક પુરૃષની ઉમર આશરે ૪૮ થી ૫૦ વર્ષ આસપાસ છે. તે ત્રણેક દિવસથી કૂવામાં પડેલા હોવાનું લાશને જોતાં તારણ નીકળ્યું છે. તેણે પેન્ટ શર્ટ પહેર્યા છે. ચહેરો ઓળખી શકાય તેવો નથી. મૃત્યુ ડુબી જવાથી થયાનું પ્રાથમિક તારણ છે.  મૃતકે કાળુ પેન્ટ અને પાંદડાની ડિઝાઇન વાળો કાળો શર્ટ પહેર્યો છે. મૃતક વિશે કોઇને માહિતી હોય કે તેના કોઇ સગા સંબંધી હોય તો  પોલીસનો મો. ૯૮૨૪૫ ૯૮૮૭૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:53 pm IST)