Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

લોહીના અભાવે કોઇનું મૃત્‍યુ ન થવા દેશો

‘‘રકતદાન કરો, કોઇનું જીવન બચાવો'' ના સંદેશા સાથે કિરણ વર્મા ભારતની પદયાત્રાએ : ૨૮ ડીસેમ્‍બરે કેરળના ત્રિવેન્‍દ્રમથી પ્રસ્‍થાન : છ મહીનામાં અનેક ગામ, શહેર અને રાજયો ઘુમી વળ્‍યા : લોકોનો સારો પ્રતિસાદ : હજુ બે વર્ષ પદયાત્રા ચાલશે : તેમણે શરૂ કરેલ ‘સિમ્‍પલી બ્‍લડ' એપને વ્‍યાપક પ્રતિસાદ : સોશ્‍યલ મીડિયાનો સદ્દઉપયોગ : મો.૯૮૧૦૬૭૦૩૪૭ ઉપર સંપર્ક કરી શકાશે

રાજકોટ તા. ૨૯ : ‘‘લોહીના અભાવે કોઇનું મૃત્‍યુ ન થાય તેનો પુરો ખ્‍યાલ રાખવો એ આપણા સૌની જવાબદારી છે, માટે અચુક રકતદાન કરો'' આવો સંદેશો લઇને દિલ્‍હીના કિરણ વર્મા પગપાળા ભારત ભ્રમણ કરવા નિકળી પડયા છે.

‘અકિલા' સાથેની મુલાકાતમાં કિરણ વર્માએ જણાવ્‍યુ હતુ કે કોરોનાકાળમાં લોહીની જે જરૂરીયાત ઉભી થઇ હતી તે જોતા મારૂ દીલ દ્રવી ઉઠયુ હતુ. ત્‍યારથી મને ભારત ભ્રમણનો વિચાર આવ્‍યો અને ગત ૨૮ ડીસેમ્‍બર ૨૦૨૧ થી મે કેરળના ત્રિવેન્‍દ્રમ ખાતેથી પદયાત્રા શરૂ કરી દીધી હતી.

છ મહીનાથી પગપાળા બધે ફરૂ છુ. સારા નરસા બધા જ અનુભવો થાય છે. ગુજરાતમાં ફર્યો તેમાં કચ્‍છ મને વધુ લાગણીપ્રધાન લાગ્‍યુ. આમ તો જયાં જાવ ત્‍યાં મને લોકોનો સારો આવકાર મળે છે. મારા પહોંચ્‍યા પહેલા જ સોશ્‍યલ મીડિયાના માધ્‍યમથી આગતા સ્‍વાગતાની તૈયારી ખાસ કરીને બ્‍લડ ડોનેશન માટે કામ કરતી સંસ્‍થાઓ દ્વારા થઇ ચુકી હોય છે. જયાં જાવ ત્‍યાં બ્‍લડ ડોનશન કેમ્‍પના આયોજનો પણ કરવામાં આવે છે.

તેઓ કહે છે કે અમે ‘સિમ્‍પલી બ્‍લડ' નામની એપ્‍લીકેશન બનાવી છે. જેના માધ્‍યમથી લોકો બ્‍લડની જરૂરીયાત પુરી કરી શકે છે. તેમજ આ એપની મદદથી રકતદાનને લગતી પ્રવૃત્તિ કરનારા લોકો અને સંસ્‍થાઓ એક મંચ ઉપર આવે તેવા અમારા સતત પ્રયાસો હોય છે.

મારૂ મુળ વતન દિલ્‍હી છે. ભારત ભ્રમણ માટે પગપાળા નિકળ્‍યો ત્‍યારથી કાળા કપડા પહેરવાનો ડ્રેસકોડ જાળવી રાખ્‍યો છે. સાથે રકતદાન કરવા માટેના મેસજનું બેનર પણ પ્રદર્શીત કરતો રહુ છુ.આમ તો બધે સારો અનુભવ રહ્યો, પરંતુ પોંડીચેરીમાં મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હોવાનું જણાવતા તેઓ કહે છે કે હું કાળા કપડા અને કાળી બેગ લઇને ફરૂ છુ એટલે પોંડીચેરીમાં હું રાત્રીના સમયે માર્ગ ઉપર જઇ રહ્યો હતો ત્‍યારે જંગલી પશુઓએ મને ઘેરી લીધો હતો. પરંતુ હીંમ્‍મતભેર મે એ મુશ્‍કેલીનો સામનો કર્યો અને આગળ વધી ગયો.

અત્‍યાર સુધીમાં ૨૧૦૦૦ કી.મી.નું અંતર કાપ્‍યુ છે. પદયાત્રાને છ મહીના પુરા થવા આવ્‍યા છે અને હજુ બે વર્ષ આ પદયાત્રા ચાલશે. ૩૧ ડીસેમ્‍બર ૨૦૨૫ પછી કોઇનું મૃત્‍યુ બ્‍લડના અભાવે ન થાય તેવો મારો મકસદ છે. આ વિચારને મુર્તિમંત કરવા સૌ વધુને વધુ રકતદાન કરતા થાય તેવી મારી マદયથી અપીલ છે. તેમ કિરણ વર્મા (મો.૯૮૧૦૬ ૭૦૩૪૭) એ મુલાકાતના અંતમાં જણાવ્‍યુ હતુ.

મુલાકાત સમયની તસ્‍વીરમાં કિરણ વર્મા સાથે રાજકોટના મીડિયા ક્ષેત્રના દિવ્‍યેશ ડાભી તેમજ યુવા આર્મસ ગ્રુપના ભાવેશ રાણપરા નજરે પડે છે.

(4:38 pm IST)