Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ‘ભાવ'ભર્યો ખનખનિયાનો ખેલ

યુનિવર્સિટીના ઇતિહાસમાં કદી ન થઇ હોય તે રીતે કુલપતિ ગીરીશ ભીમાણી દ્વારા સીન્‍ડીકેટ - એકેડેમીક કાઉન્‍સીલની બહાલીની અપેક્ષાએ રાતોરાત ૧૨૫થી વધુ કોલેજો - અભ્‍યાસક્રમને મંજુર કરાવવા એજન્‍ડા જાહેર કર્યા : નિતીનિયમોનો સરેઆમ ઉલાળીયો : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલને વિસ્‍તૃત રજૂઆત થશે : કાલે એકેડેમીક કાઉન્‍સીલ

રાજકોટ તા. ૨૯ : બી-ગ્રેડની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં હાલ કાર્યકારી કુલપતિ પ્રો. ગીરીશ ભીમાણી અનેક ચોકાવનારા શંકાસ્‍પદ નિર્ણયો કરી રહ્યા છે. સીન્‍ડીકેટની બહાલી વગર અનેક નિર્ણયો કરીને વિવાદ વકરાવનાર ભીમાણી આવતીકાલે ઓચિંતી એકેડેમીક કાઉન્‍સીલની બેઠક રાખી છે.
સામાન્‍ય રીતે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં મહિનાની ચોક્કસ તારીખે અગાઉથી એજન્‍ડા મોકલી સીન્‍ડીકેટ અને એકેડેમીક કાઉન્‍સીલની બેઠક મળતી હોય છે. કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણી પહેલા નિર્ણય કર્યા બાદ અપેક્ષાની બહાલીએ બેઠકના ચોવીસ કે છત્રીસ કલાકે એજન્‍ડા જાહેર કરે છે. દરેક બેઠકમાં સીન્‍ડીકેટ સભ્‍યોને એકેડેમીક કાઉન્‍સીલના સભ્‍યો કુલપતિ સામે ભારે રોષ વ્‍યકત કરે છે. આવી ઉતાવળ શા માટે ? ત્‍યારે કુલપતિ ભીમાણી હવે આવું નહિ થાય તેવી ખાત્રી આપે છે પરંતુ દર મહિને કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણી ધાર્યુ જ કરે છે.
કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણી દ્વારા આવતીકાલે એકેડેમીક કાઉન્‍સીલની બેઠક બોલાવી છે તેમાં ૧૬૧ એજન્‍ડા જાહેર કર્યો છે. એજન્‍ડા એકેડેમીક કાઉન્‍સીલ બેઠકની પુર્વે ૩૬ કલાકે જાહેર કરવામાં આવી છે. નીડ કમિટિની ભલામણ વગર બારોબાર એલઆઇસી નીમી અને રાતોરાત કાગળ ઉપર ઓકે કરી મંજુરીની ગોઠવણ કરી હોવાની ચર્ચા ચાલે છે.
સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં અને ભાજપ વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ આવતીકાલે ૧૬૧ આઇટમનો એજન્‍ડા છે જેમાં ૧૨૫થી વધુ કોલેજો અને અભ્‍યાસક્રમોને મંજુરી આપવામાં આવશે. હાલ તો જેવી સંસ્‍થાને ગરજ તેવો લાખોમાં ભાવ બોલાય રહ્યો છે.
ભાજપની ગુજરાત સરકાર તમામ ક્ષેત્રે પારદર્શકતા લાવવાને ભાજપ પ્રદેશ મોવડી મંડળ સૌને ન્‍યાય મળે તે માટે ખૂબ કાળજી લે છે ત્‍યારે કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણીએ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં કદી ન બની હોય તેવી રીતે ૧૨૫થી વધુ કોલેજો અને અભ્‍યાસક્રમ મંજુર કરવાનો તાગડો રચ્‍યો છે. આ પ્રકારના વલણથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના અનુસ્‍નાતક ભવનોની આગામી દિવસોમાં મોટા પડકારોનો સામનો કરવો પડશે.
નવી કોલેજો અને અભ્‍યાસક્રમોને મંજુરી આપવાના આવતીકાલની એકેડેમી કાઉન્‍સીલની બેઠક મળનાર છે તેમાં નિયમોનો ઉલાળિયો કરવામાં આવ્‍યો છે. ખનખનિયાના જોરે નિયમ વિરૂધ્‍ધની પ્રવૃત્તિ અંગે વિસ્‍તૃત રજૂઆત મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ મવડી મંડળને ભાજપના સીન્‍ડીકેટ સભ્‍યો અને આગેવાનો કરનાર હોવાનું જાણવા મળે છે.

 

(3:54 pm IST)