Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

રાજકોટ-મુંબઇના રેલ્‍વે પ્રશ્નો અંગે મુંબઇ જી.એમ.ને રજુઆત : સૌરાષ્‍ટ્ર મેલનો સમય મોડો કરવા માંગ

રાજકોટ, ર૯:  રાજકોટ મુંબઇ વચ્‍ચે દરરોજ સેંકડો મુસાફરો જુદા જુદા કામ અર્થે રેલ દ્વારા પ્રવાસ કરે છે.આ સંદર્ભે મુસાફરો વધુ અનુકૂળતાથી પ્રવાસ કરી શકે તે માટે ઉડીને આંખે વળગે તેવી તેમજ મુસાફરો પણ આવકારે તેવી મુશ્‍કેલીઓ દૂર કરવા મુંબઈના ચર્ચગેટ ખાતે બેસતા વેસ્‍ટર્ન રેલવેના જનરલ મેનેજરને પત્ર દ્વારા  ભાવેશ આચાર્યએ તર્ક સહિત ધારદાર રજુઆત કરી છે.

આ પત્રમાં રાજકોટ-મુંબઇ દૂરન્‍તો ટ્રેનને આવતા અને જતા બંને સમયે બોરીવલી સ્‍ટેશને સ્‍ટોપ આપવા રજુઆત કરાઈ છે.રાજકોટથી મુંબઈ જતા મોટાભાગના યાત્રીઓને વસઇ થી બાંદ્રા વચ્‍ચે જવું હોય છે કે ત્‍યાંથી રાજકોટ આવવાનું હોય છે આ યાત્રીઓને વિના કારણે જતી વખતે મુંબઇ સેન્‍ટ્રલ સુધી જવું પડે છે તો રાજકોટ આવવા દહીંસર,બોરીવલીના લોકોને છેક  મુંબઇ સેન્‍ટ્રલ બેસવા જવું પડે છે.

આવી જ રીતે રાજકોટથી સૌ,જનતા અને સૌ,મેલ ૨૦ મિનિટના અંતરે બપોરે ઉપડે છે ને વહેલી સવારે ૪ વાગ્‍યા આસપાસ બોરીવલી આવે છે આમાં મુશ્‍કેલી એ થાય છે કે તમે જેના ઘરે મહેમાન થવાના હો તેને કચવાટ થાય અથવા સ્‍ટેશને બે ત્રણ કલાક બેસી  રહેવું પડે તેમજ હોટલનો ચેક ઇન ટાઈમ પણ સવારે ૧૦ આસપાસ હોય તો તેમાં પણ મુશ્‍કેલી થાય તેથી જો સૌરાષ્‍ટ્ર મેલનો સમય અગાઉ હતો તે ૫.૫૦ નો કરાય તો પહેલાની માફક તે ટ્રેન સવારે ૭ આસપાસ બોરીવલી પહોંચે.

આમ રાજકોટથી મુંબઇ જતા લોકોની મુશ્‍કેલી ઓછી કરવા  રેલવેના જનરલ મેનેજરને ભાવેશ આચાર્ય દ્વારા રજુઆત કરાઇ છે.

(4:48 pm IST)