Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

મ્‍યુ. કોર્પોરેશનના ઇજનેર પરેશ જોષીના આપઘાતની તપાસ સીઆઇડીને સોંપો, સિટની રચના કરોઃ સમસ્‍ત બ્રહ્મસમાજ

સાંસદ રામભાઇ મોકરીયાની ગૃહમંત્રીને રજૂઆતઃ બ્રહ્મસમાજની પોલીસ કમિશનરને રજૂઆત : વાય. કે. ગોસ્‍વામી, જતીન પંડયા સહિતના જે કોઇ સામેલ હોય તેની સામે તુરત કાર્યવાહી કરવા માંગણી : ઘટનાના ૨૯ દિવસ પછી પણ મૃતકના પરિવારજનોને ન્‍યાય નહિ મળ્‍યાનો આક્રોશ

સમસ્‍ત બ્રહ્મસમાજના આગેવાનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી ન્‍યાયની માંગણી કરી હતી (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૨૯: મ્‍યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્‍ટન્‍ટ એન્‍જિનીયર સાધુ વાસવાણી રોડ પરના ગંગોત્રી પાર્કમાં આવેલા પામ યુનિવર્સ એપાર્ટમેન્‍ટ-૧૪૦૪માં રહેતાં પરેશભાઇ ચંદ્રકાંતભાઇ (પી.સી.) જોષી (ઉ.વ.૫૦)એ ન્‍યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધાના બનાવમાં સમસ્‍ત બ્રહ્મસમાજે પોલીસ કમિશનરને રજૂઆત કરી બનાવની તપાસ તાલુકા પોલીસ પાસેથી લઇ અન્‍ય અધિકારીને સોંપવા અને સીઆઇડી ક્રાઇમને સોંપવા માંગણી કરી છે. તેમજ વાય. કે. ગોસ્‍વામીનું નાામ આરોપી તરીકે શા માટે ન લખાયું? આ મામલે તટસ્‍થ તપાસ કરી જે કોઇને છાવરવામાં આવ્‍યા હોઇ તે તમાને પકડી કાયદાનું ભાન કરાવવા અને જોષી પરિવારને ન્‍યાય અપાવવા માંગણી કરી છે. સાંસદ રામભાઇ મોકરીયાએ પણ આ મામલે આજે ગૃહમંત્રીને રજૂઆત કરી હોવાનું જણાવાયું છે.
પરેશભાઇ જોષીના આપઘાત પાછળ મધુરમ્‌ કન્‍ટ્રક્‍શન એજન્‍સીના એન્‍જિનીયર અને સુપરવાઇઝરનો ત્રાસ કારણભુત હોવાની વિગતો સામે આવતાં તાલુકા પોલીસે જે તે વખતે આપઘાત કરનાર ઇજનેરના ધર્મપત્‍નિ મિલીબેન પરેશભાઇ જોષી (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી મધુરમ કન્‍ટ્રક્‍શનવાળા હાર્દિક કાંતિભાઇ ચંદારાણા અને સુપરવાઇઝર મયુર જગદીશભાઇ ઘોડાસરા સામે ઇજનેર પી. સી. જોષીને મરી જવું પડે તે હદ સુધી ત્રાસ આપી મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ બનાવમાં પોલીસે કેટલાક આરોપીને છાવરી એફઆઇઆરમાં પણ તેના નામ નહિ લખ્‍યાના આક્ષેપ સાથે આજે સાંસદ રામભાઇ મોકરીયાની આગેવાનીમાં સમસ્‍ત બ્રહ્મ સમાજે પોલીસ કમિશનરને રજૂઆત કરી બનાવની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવા અને સિટની રચના કરવા માંગણી કરી છે.
લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે   રાજકોટ મહાનગર પાલિકાના પ્રમાણિક, નિષ્‍ઠાવાન, મુલ્‍યનિષ્‍ઠ કર્મચારી સમસ્‍ત બ્રહ્મસમાજના ગોૈરવ સમા અધિકારી પરેશભાઇ જોષીએ ૨૯ દિવસ પહેલા આપઘાત કરી લીધો હતો. આ પ્રકરણમાં અમુક આરોપીઓને છાવરવામાં આવ્‍યા હોઇ તે આજે પણ મુછે તાવ દઇ રહ્યા છે અને ખુલ્લી છાતીએ ફરી રહ્યા છે. પરેશભાઇ જોષી ૨૪ વર્ષથી મહાનગર પાલિકામાં ઇજનેર તરીકે ફરજ બજાવતાં હતાં. તેઓ અમારા સમાજના પ્રતિષ્‍ઠીત વ્‍યક્‍તિ પણ હતાં. પરેશભાઇ જોષીએ દબાણને કારણે આપઘાત કર્યો હતો. આ ગુનામાં પોલીસે જે કોઇપણ સંકળાયેલા હોય તેની સામે સખત કાર્યવાહી કરવા અને જવાબદારો સામે પગલા લઇ કાયદાનું અસ્‍તિત્‍વ સમજાવવા અમારી માંગણી છે.
સમગ્ર સમાજ પાસે પરેશભાઇ જોષીના આપઘાતને લઇને ખુબ જ ચોંકાવનારી માહિતી આવી છે. આ પ્રકરણમાં જેની પણ સીધી સંડોવણી છે એવા મહાપાલિકાના એન્‍જિનીયર વાય. કે. ગોસ્‍વામી, જતીન પંડયા સહિતની સામે મ્‍યુ. કમિશનરને પણ રજૂઆત થઇ છે. લાખો રૂપિયાનો તોડ કરીને કાયદાની છટકબારીનો લાભ લઇ લેનારા તમામ સામે શિક્ષાત્‍મક પગલા લેવામાં આવે તે અમારી રજૂઆત છે.
રજૂઆતમાં આગળ જણાવાયું છે કે આ આપઘાત પ્રકરણમાં પોલીસ ૨૯ દિવસ પછી પણ આરોપીઓને છાવરી રહી છે. ગંભીર પ્રકારનો ગુનો હોવા છતાં તેઓ બેખોફ બની બજારમાં ફરી રહ્યા છે. સ્‍વ. પરેશભાઇ જોષીએ આત્‍મહત્‍યા નથી કરી તેમની સુનિયોજીત હત્‍યા કરવામાં આવી છે. ડિપાર્ટમેન્‍ટના અમુક લોકો આરોપીને છાવરી રહ્યા છે. તેની સામે પણ કાર્યવાહી કરવા સમસ્‍ત બ્રહ્મસમાજની માંગણી છે. પોલીસ વાય. કે. ગોસ્‍વામીનું નામ ન લખાવવાનો આગ્રહ રાખે છે તેનું શું કારણ છે? જતીન પંડયાનું નામ આપવાનું જણાવી રહ્યા છે તો શું કામ અધિકારીઓ આવી વર્તુણુક કરી રહ્યા છે. અમારી માંગણી છે કે તપાસ હાલ જેમની પાસે છે તેમની પાસેથી લઇને બીજા તટસ્‍થ બાહોશ નિડર પ્રમાણિક અધિકારીને સોંપવી જોઇએ. જે કોઇ રાજકારણીની કે બીજા કોઇની શરમમાં ન આવે. આ તપાસ સીઆઇડી ક્રાઇમને સોપવા અને સિટની રચના કરવા પણ અમારી માંગણી છે. તેમ રજૂઆતના અંતે જણાવાયું છે.
 રજૂઆતમાં સમસ્‍ત બ્રહ્મસમાજના પ્રમુખ દર્શિત જાની, મહામંત્રી દિપક પંડયા, ઉપપ્રમુખ પ્રશાંત જોષી, શિક્ષણ સમિતીના ચેરમેન અતુલ પંડિત, એડવોકેટ પરેશ ઠાકર, કિરીટ પાઠક સહિતના પણ જોડાયા હતાં. સાંસદ રામભાઇમોકરીયાએ ગૃહમંત્રીને આ મામલે તટસ્‍થ તપાસ થાય અને પરિવારને ન્‍યાય મળે તેવી રજૂઆત કરી હતી.

તપાસ ચાલુ જ છે, ન્‍યાયી કાર્યવાહીની સીપી-ડીસીપીની ખાત્રી
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ડીસીપી મનોહરસિંહ જાડેજાએ આ રજૂઆત સંદર્ભે આગેવાનોને કહ્યું હતું કે આ ગુનામાં તપાસ હજુ ચાલુ જ છે અને આગળ વધી રહી છે. પુરાવા મળ્‍યે યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવશે અને સિટની રચના બાબતે પણ અમે વિચારણા કરીશું. ન્‍યાયી કાર્યવાહીની આ અધિકારીઓએ ખાત્રી આપી હતી.

 

(2:55 pm IST)