Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

જંકશન પ્લોટ સોસાયટીના હોદેદારોની અટક કે કઠોર કાર્યવાહી કરવા સામે હાઇર્કોટનો સ્ટે

લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ નોંધાયેલા ગુન્હાના કામમાં

રાજકોટઃ જંકશન પ્લોટ કો. ઓપરેટીવ સોસાયટીના હોદ્દેદારો શ્રી રાજકુમાર ઉર્ફે રાજુભાઇ ઘનશ્યામદાસ દરીયાનાણી સામે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહીબીશન) એકટ, ૨૦૨૦ ની કલમ - ૩, ૪(૩) તથા પ (એ) (બી) (ઇ) નીચે ગુન્હો પ્ર. નગર પોલીસ સ્ટેશન, રાજકોટમાં શ્રીમતી અલ્પાબેન આર. જોષીની ફરીયાદ અન્વયે નોંધવામાં આવેલ અને જેમાં અન્ય હોદ્દેદારો શ્રી રાજુભાઇ દીપચંદ ઉદાણી, શ્રી શંકર ખાનચંદ વસીયાણી, શ્રી રામભાઇ દિનદયાળ મોટવાણી, શ્રી રમેશભાઇ લાલચંદ મામતાણી, શ્રી ખેમચંદભાઇ નાનજીમલ થાવરાણી તથા શ્રી સતીષભાઇ રૃપચંદભાઇ કરમચંદાણી નો પણ ઉલ્લેખ કરવામાં આવેલ. આ ફરીયાદ સામે ઉપરોકત તમામ હોદ્દેદારોએ નામ. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ફરીયાદ રદ કરવા કવોશીગ પીટીશન દાખલ કરેલ. આ પીટીશનમાં નામ. ગુજરાત હાઇકોર્ટએ તા. ૨૭/૦૧/૨૦૨૨ ના હુકમથી અટક / કઠોર પગલા સામે મનાઇ હુકમ આપેલ છે.

 આ કેસની વિગત એવી છે કે, સોસાયટીના પ્લોટ નં. ૧૬ અંગે કોઇને વેચાણ કે એલોટ થયેલ હોવાનું રેકર્ડ ઉપર ન હોવાથી સોસાયટી દ્વારા સને - ૧૯૬૬ માં પ્રથમ તે અંગે ફુલછાબ દેનીકમાં જાહેર નોટીસ આપી જો કોઇ પાસે એલોટ થયા અંગેના પુરાવા અમુક દિવસો ન આવે તો પ્લોટની હરરાજી કરી વેચવાનું સર્વાનુંમતે ઠરાવવામાં આવેલ અને કોઇનુ એલોટમેન્ટ થયા અંગેનો પુરાવો ન આવતા સોસાયટી દ્વારા જાહેર હરરાજી કરી પ્લોટ નં. ૧૬ નું વેચાણ કરવાનું ઠરાવવામાં આવેલ. આ જાહેર નોટીસ સબંધે કુલ - ૮ અરજીઓ કુલ - ૪ પ્લોટ અંગે આવેલ. જેમાં પ્લોટ નં. ૧૬ નો સમાવેશ થાય છે. આ પ્લોટ નં. ૧૬ અંગે આવેલ અરજીઓ અન્વયે શ્રીમતી પુષ્પાબેન ધીરજલાલ ખખ્ખરને એલોટ કરી વેચાણ આપવા તા. ૦૯/૦૪/૧૯૭૧ ના રોજ ઠરાવ સોસાયટી દ્વારા કરવામાં આવેલ અને તે સબંધે શ્રીમતી પુષ્પાબેન ખખ્ખર જોગ રજી. વેચાણ દસ્તાવેજ નં. ર૩૬૪ તા. ૧૮/૦૫/૧૯૭૧ સોસાયટી દ્વારા કરી આપવામાં આવેલ. પરંતુ, ત્યારબાદ સોસાયટીને એ બાબત ધ્યાનમાં આવેલ કે, ઉપરોકત વિગતે શ્રીમતી પુષ્પાબેનને સોસાયટીએ પ્લોટ એલોટમેન્ટથી આપ્યો તે પહેલા શ્રીમતી પુષ્પાબેનને આ જ સોસાયટીમાં અન્ય પ્લોટ હોવા છતાં તે માહીતી છુપાવી એલોટમેન્ટ મેળવેલ હોય અને સોસાયટીના નિયમો મુજબ સભ્ય એકથી વધારે પ્લોટ ધરાવી શકતા ન હોય, સને - ૧૯૯૮ ના ઠરાવથી સદર પ્લોટ નં.૧૬નું એલોટમેન્ટ રદ કરવામાં આવેલ. હકીકતે પ્લોટ નં. ૧૬ નો કબજો પ્રથમથી કોઇને આપેલ નથી કે કોઇએ સંભાળેલ નથી. પુષ્પાબેનએ પ્લોટ નં. ૧૬ નો કબજો સંભાળેલ ન હતો અને તેણીનું એલોટમેન્ટ રદ થયેલ અને જે સોસાયટીનો નિર્ણય પુષ્પાબેન દ્વારા કોઇ કોર્ટમાં પડકારવામાં આવેલ નથી અને તે નિર્ણય ફાઇનલ થયેલ છે. આમ, પ્રથમથી સદર પ્લોટ નં. ૧૬ સોસાયટીના કબ્જા અને માલીકોનું આવેલ છે. અને આ હકીકતો બનતા સોસાયટીએ સને - ૧૯૯૮ના ઠરાવથી નિર્ણય લીધેલ કે સદર પ્લોટ નં. ૧૬ કે જે સોસાયટીના કબ્જામાં છે અને માલીકીનું છે તે ખાલસા કરી ત્યાં સોસાયટીની વાડી બનાવવા ના ઉપયોગમાં લેવું. આ રીતે પ્લોટ નં. ૧૬ સોસાયટીના કબ્જા, ભોગવટા અને માલીકોનો છે અને તેમાં સોસાયટીના તમામ સભ્યોનું હીત સમાયેલ છે.

 ઉપરોકત વિગતે નિર્ણયો થયા બાદ આશરે સને - ર૦૧૧ ના અરસામાં એટલે કે સોસાયટીની સ્થાપના અને પ્લોટ એલોટમેન્ટના આશરે - ૫૦ વર્ષથી વધુ સમય બાદ અલ્પાબેન આર. જોષી નામની વ્યકિતએ જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ સમક્ષ રજુઆત કરેલ કે, આ પ્લોટ નં. ૧૬ તા. ૧૮/૧૧/૧૯૬૩ ના રોજ રજી. દસ્તાવેજ નં. ર૭૩૧થી શ્રી શાંતીલાલ નારણપ્રસાદ શાસ્ત્રી પાસેથી ખરીદ કરેલ અને આ શ્રી શાંતીલાલ નારણપ્રસાદ શાસ્ત્રીને સોસાયટી દ્વારા પ્લોટ આપવામાં આવેલ.

 ઉપરોકત રજુઆત આવતા સોસાયટી દ્વારા રેકડ ચકાસવામાં આવેલ જેમાં ઉપર જણાવેલી હકીકતો માલુમ પડેલ. વધુમાં એવું રેકડ ઉપરથી માલુમ પડેલ કે, શ્રી શાંતીલાલ નારણપ્રસાદ શાસ્ત્રી જે - તે વખતે અન્ય હાઉસીંગ સોસાયટીમાં પ્લોટ ધરાવતા હોવાથી અને આ સોસાયટીને ગેરમાર્ગે દોરી પ્લોટ નં. ૧૬ મેળવેલ હોવાથી તેમનું સભાસદ રદ કરવાનું ઠરાવવામાં આવેલ અને સભ્ય ફી વિગેરે પરત આપવાનું ઠરાવવામાં આવેલ અને પ્લોટ ખાલસા કરી સોસાયટીની સામાજીક કામગીરી / વાડી તરીકે ઉપયોગમાં લેવાનું જે - તે વખતે સને - ૧૯૯૮ ની સાધારણ સભામાં ઠરાવવામાં આવેલ. આમ, સોસાયટીના રેકડ મુજબ ઉપરોકત પ્લોટ નં. ૧૬ નો કબજો ક્યારેય સોસાયટીએ કોઇને સોંપેલ નથી કે કોઇએ સંભાળેલ નથી અને વધુમાં ઉપરોકત સોસાયટીના શ્રી શાંતીલાલ નારણપ્રસાદ શાસ્ત્રી જોગનું એલોટમેન્ટ પ્રથમથી જ વ્યર્થ છે તેવું ઉપરોકત ઠરાવ મુજબ રેકર્ડ ઉપર છે કેમ કે, શ્રી શાંતીલાલ નારણ પ્રસાદ શાસ્ત્રીએ સત્ય મહત્વની હકીકતો છુપાવી એલોટમેન્ટ મેળવેલ. વધુમાં, શ્રી શાંતીલાલ નારણપ્રસાદ શાસ્ત્રીએ સદર પ્લોટ નં. ૧૬ શ્રી શશીચંદ્ર છગનલાલ જોષી સાથે ભળીને સોસાયટીને જાણ કર્યા વગર કે સોસાયટીની સહમતી વગર નિતી નિયમોથી વિરૃધ્ધ જઇ વારંવાર રજી. દસ્તાવેજથી શ્રી શશીચંદ્ર છગનલાલ જોષીને વેચાણ આપેલ. સદર દસ્તાવેજથી મિલ્કત વેચાણ લેનારએ ક્યારેય પ્લોટનો કબજો સંભાળેલ નથી. સદર પ્લોટ નં. ૧૬ નો શશીચંદ્ર છગનલાલ જોષી જોગનો દસ્તાવેજ કાયદા મુજબ વ્યર્થ છે કેમ કે, શ્રી શાસ્ત્રી કે જેને પ્લોટ આપવામાં આવેલ તે પોતે સભ્ય તરીકે લાયકાત ધરાવતા ન હતા અને ગેરલાયક હતા, અને તેઓ પ્લોટ નં. ૧૬ માં કોઇ હિત ધરાવતા ન હોય, સોસાયટીની રજામંદો વગર શ્રી શશીચંદ્ર છગનલાલ જોષી સાથે કરેલ દસ્તાવેજ પ્રથમથી જ વ્યર્થ અને સોસાયટીને બંધ કર્તા નથી. વધુમાં, સદર તા. ૧૮/૧૧/૧૯૬૩નો દસ્તાવેજ સને - ૨૦૧૧ માં પ્રથમ વખત સોસાયટીને ધ્યાનમાં આવેલ. અને પ્રથમ  વખત શશીચંદ્ર છગનલાલ જોષીના વારસદાર દરજ્જે આ દસ્તાવેજની રૃએ સોસાયટીના કોમન પ્લોટનો કબજો મેળવવા માંગણી કરેલ. એટલે કે, સદર કહેવાતા દસ્તાવેજ પછી ૫૦ વર્ષ પછી શ્રીમતી અલ્પાબેન આર. જોષી પ્રથમ વખત સોસાયટીમાં પ્લોટની માંગણી કરવા આવેલ.

 આ પ્લોટ અંગે સોસાયટી સામે ઉપરોકત શશીચંદ્ર છગનલાલ જોષીના વારસદાર શ્રી રાજેન્દ્રભાઇ શશીચંદ્ર જોષીએ કરેલ દિવાની કેસ નં. ૧૭ર/ર૦૧૩ ચાલે છે. તેમજ સોસાયટીના સભ્ય શ્રી રમેશભાઇ લાલચંદભાઇ મામતાણી અને શ્રી શાંતીલાલ નારાયણપ્રસાદ શાસ્ત્રી વિગેરે વચ્ચે નામ. ગુજરાત સ્ટેટ કો. ઓપ. ટ્રીબ્યુનલમાં અપીલ નં. ૪૬/ર૦૧૯ ચાલે છે. તેમજ સદર દિવાની કેસ નં. ૧૭ર/ર૦૧૩ ના પ્રોસીડીગ્ઝ નામદાર હાઇકોર્ટએ સ્પે. સી. એ. નં. ૪પપ/ર૦ર૧ તથા સ્પે. સી. એ. નં ૪૫૬/૨૦૨૧માં સ્ટે કરેલ છે. સદર દિવાની દાવામાં મિલ્કત સબંધે નામ. કોર્ટએ યથાવત પરીસ્થિતી જાળવી રાખવા હુકમ કરેલ છે. તેમજ આ પ્લોટ અંગે જીલ્લા રજીસ્ટ્રાર શ્રી, કો. ઓપ. સોસાયટી (હાઉસીંગ) સમક્ષ પણ પ્રશ્ર પડતર છે.

 આ હકીકતો મુજબ સોસાયટીના ઉપરોકત હોદ્દેદારો કે જે સને - ૨૦૦૨ - ૦૩ થી સને - ર૦૧૮ ના અરસામાં હોદ્દેદારો થયેલ તેઓ ઉપરોકત રેકડના આધારે સોસાયટીના કોમન પ્લોટનું રક્ષણ કરવા કાયદાકીય લડત લડે છે. તેઓને કોઇ અંગત હીત કે સ્વાર્થ નથી તે સોસાયટીના તમામ સભ્યના હીત ખાતર લડે છે. આ હોદ્દેદારો જે - તે વખતે પ્લોટ ખાલસા થયેલ એટલે કે સને - ૧૯૬૬ થી ૧૯૯૮ ના અરસામાં સોસાયટીના હોદ્દેદારો પણ ન હતાં. તેમાથી અમુક તો જે - તે વખતે એટલે કે પ્લોટ ખાલસા થયો ત્યારે સગીર ઉંમરના હતા. આવી હકીકતો હોવા છતાં હોદ્દેદારોને જેલમાં બેસાડવાની ધમકી મળતા સોસાયટીના સભ્યોએ ખાસ સાધારણ સભાના સર્ક્યુલેટીંગ ઠરાવથી જાન્યુઆરી - ર૦રર માં હોદ્દેદારોને તેમની સોસાયટીના કોમન પ્લોટના હીત માટેની કાયદાકીય લડત માટે બીરદાવેલ. આજરોજ નામ. ગુજરાત હાઇકોટ દ્વારા સ્ટે મળતા સમગ્ર સોસાયટીના સભ્યોમાં અને સીન્ધી સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે અને આ અંગે સોસાયટીના હોદ્દેદારો કાયદાકીય લડત ચાલુ રાખે તે અંગે સમગ્ર સમાજ તેમની સાથે છે તેવું વાતાવરણ થયેલ છે.

 આ કામમાં જંકશન પ્લોટ સોસાયટી વતી એડવોકેટ શ્રી બી. બી. ગોગીયા, એડવોકેટ શ્રી રવી બી. ગોગીયા, એડવોકેટ શ્રી આનંદ બી. ગોગીયા, એડવોકેટ શ્રી મુસકાન એ. ગોગીયા, એડવોકેટ શ્રી હીરેન કે. રૈયાણી, એડવોકેટ શ્રી ચાર્મી પી. રાવલ, એડવોકેટ શ્રી નીખીલ એસ. ગોગીયા તથા એડવોકેટ શ્રી કેવલ શેઠ રોકાયેલ હતા.

(2:30 pm IST)