Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

શિયાળામાં બાળકોનું હુંફાળુ જતન કેમ કરવું ? સૂચનો

રાજકોટ :. નાનુ બાળક એ ફુલ જેવું હોય છે. જેમ ફુલને સંભાળીએ એવી રીતે બાળકનું જતન કરવુ જોઈએ. શિયાળામાં બાળકોનું કેવી રીતે જતન કરવું જોઈએ ? એ અંગે બાળકો તથા તેની માતા માટેના અગત્યના સૂચનો...

- કપડા કેવા પહેરાવવાઃ તમારા તાજા જન્મેલા બાળકને ડુંગળીની જેમ એટલે કે બે થી ત્રણ આછા કપડા પહેરાવવા. એક જાડુ કપડુ પહેરાવવા કરતા ત્રણ ચાર આછા કપડા પહેરાવવાથી ઠંડી ઓછી લાગે છે. હાથ-પગના મોજા, ટોપી પહેરાવવી ખૂબ જ જરૂરી છે. તેનાથી બાળક હુંફાળુ રહે છે.

- બાળકની ચામડી પર શું લગાવવું: શિયાળાના પવનમાં હોઠ અને ગાલનું ખૂબ જ ધ્યાન રાખવું. બાળકને કલર વગરનું ક્રીમ કે જેમાં સુગંધ પણ ન હોય તે વાપરવું, કારણ કે અત્યારે જાત જાતના ક્રીમ, લોશન  વધારે સુગંધીદાર અને કલરફુલ હોય છે તેનાથી ચામડીમાં એલર્જી થાય છે.

- શરદી-ઉધરસ ગળામાં ઇન્ફેકશનઃ આ તકલીફ બાળકોને ન થાય તે માટે તેણે ગોલા,ગુલ્ફી,ચોકલેટ, આઇસ્ક્રીમ, ઠંડા પીણા, બરફવાલી વસ્તુઓ, ખાંડવાળી વસ્તુઓ ન ખાવી જોઇએ તેમજ જ્યારે વધારે ઠંડો પવન હોય ત્યારે ટોપી પહેરવી અને નાક તથા મોઢુ ઢાંકેલા રાખવા જોઇએ. જેથી બીમારી થાય જ નહી. ગરમ ગરમ ખોરાક જ લેવો જોઇએ.

- ઝાડા-ઉલ્ટીનો ચેપઃ આ તકલીફ ન થાય તે માટે બાળકોને બહારનું જમવાનું ન આપવુ. વાસી ખોરાક ન લેવો જોઇએ. માખી વિગેરે જંતુઓ રોગનો ફેલાવો કરે છે માટે ખોરાક ઢાંકેલો રાખવો જોઇએ. બજારમાં મળતા પાણીપૂરી, રગડો, સરબત, બ્રેડની વાનગીઓ તથા શેરડીને રસ વિગેરે ન લેવા જોઇએ. પાણીજન્ય રોગો જેવા કે ટાઇફોઇડ કે કમળો થવાની શકયતાઓ રહે છે.

ખોરાકમાં શું લેવુઃ તાજા લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં લેવા જેમ કે ટમેટા, કોબી,બીટ,ગાજર,મેથી, પાલક વિગેરે. કારણ કે શિયાળામાં આ બધા શાકભાજી ખુબ જ સારા મળે છે. શિયાળામાં ગોળ, ખજુર,તલની ચીકી, જીંજરા, શેરડી, મગફળી પણ પુષ્કળ પ્રમાણમાં ખોરાકમાં લેવી જોઇએ. જેનાથી આપણા શરીરમાં ઠંડી સામે રક્ષણ મળે છે. ટમેટાનો સૂપ, બાજરીની રાબ, મીકસ વેજીટેબલ સૂપ ખુબ જ વધારે લેવા જોઇએ. આદુ પણ રોગપ્રતિકારક શકિત માટે ખુબ જ સારૂ છે. સુંઠ, તુલસી, આદુ, ફુદીનાવાળી ચા પીવી જોઇએ. લીલી-સુકી હળવદ ખાવાથી રોગપ્રતિકારક શકિત વધે છે તથા શરદી-ઉધરસ થાય તો પણ ઘણી રાહત મેળવી શકાય છે. સૂકો મેવો ગરમ દુધ સાથે સવારે લેવાથી ફાયદો થાય છે.

- કેવી કસરત કરવીઃ શિયાળા તથા દરેક સીઝનમાં સુર્યનમ્રસ્કાર ઉતમ ગણાય છે. જે તે ન કરી શકે એ માત્ર સવારે અથવા સાંજે અડધો થી પોણો કલાક ચાલે બાળક તડકામાં એક કલાક રમે તે ખુબ જ જરૂરી છે.તેનાથી વિટામીન ડી મળે છે જે બાળકના હાડકાના વિકાસ માટે ખુબ જ જરૂરી છે.

ડો. તૃપ્તિ વૈશ્નાની

બાળરોગ નિષ્ણાંત-વોકહાર્ટ હોસ્પીટલ

(3:38 pm IST)