Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

૬૦થી વધુ સ્કૂલ-કોલેજોના ૨૫ હજાર વિદ્યાર્થીઓ મેરેથોનમાં દોડશે

મ્યુનિ. કોર્પોરેશન અને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ અને કોલેજ એસો. સાથે મીટીંગ યોજાઈ

શહેરમાં છેલ્લા બે વર્ષથી રાજકોટ પોલીસ કમિશ્નર ઓફિસ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે ૧૮ ફેબ્રુઆરીના રોજ મેરેથોન આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને વધુમાં વધુ લોકો આ મેરેથોનમાં ભાગ લે તેવા પ્રયત્નો કરવામાં આવી છે. આ સંદર્ભે રાજકોટની તમામ સ્કૂલ-કોલેજો મેરેથોનમાં ઉત્સાહપૂર્વક ભાગ લે, તે માટે રાજકોટ સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલ અને કોલેજ એસોસીએશનના સભ્યો સાથે એક મીટીંગનું આયોજન મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાનીની અધ્યક્ષતામાં કરાયુ હતું.

આ મેરેથોન ઈવેન્ટ માટે રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપની ઓફીશીયલ રજીસ્ટ્રેશન પાર્ટનર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને સંસ્થાના ચેરમેન ડી.વી. મહેતાની રજીસ્ટ્રેશન કમિટિના અધ્યક્ષ સ્થાને નિમણૂક કરવામાં આવી છે. તા. ૧૭ના મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે મ્યુનિસિપલ કમિશ્નર બી.એન. પાની, આસિ. કમિશ્નર નંદાણી, જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશનના ચેરમેન ડી.વી. મહેતા, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસીએશનના પ્રમુખ અજય પટેલની હાજરીમાં ૬૦થી વધુ સ્કૂલો અને કોલેજોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કમિશ્નર શ્રી દ્વારા ઈવેન્ટની સફળતા માટે બધી સંસ્થાઓના સહયોગની અપીલ કરાઈ હતી અને તમામ લોકોએ એક સ્વરમાં ૨૫૦૦૦થી વધુ પ્રતિયોગીઓના રજીસ્ટ્રેશન કરાવવા ખાતરી આપી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ૬૫૦૦૦થી વધુ લોકો મેરેથોનમાં ભાગ લઈ જોડાયા હતા અને આ વર્ષે આયોજકોએ વિક્રમી આંક સર કરવા કમરકસી છે. જે પણ લોકો આ મેરેથોનમાં જોડાવા માંગે છે તેમને વિશેષ માહિતી માટે સંસ્થાના સીઈઓ ડીમ્પલબેન મહેતાને (મો. ૯૮૭૯૫ ૫૭૧૧૧) ઉપર સંપર્ક કરવા અથવા વેબસાઈટ www.rajkotmarathon. com ઉપર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

(3:56 pm IST)