Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

કાલાવડ રોડ બેંક ઓફ ઇન્ડિયામાંથી ૫ લાખ ગાયબ!

ગઇકાલે ચારેક શખ્સો કેશ કાઉન્ટર પરથી બંડલ ઉઠાવી ગયાના કથનથી પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યાઃ પણ કંઇ દેખાયું નહિ : લૂંટ અને ચોરી થયાની ચર્ચાઓ વચ્ચે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યાઃ કેશિયરની કેબીનમાં સીસીટીવી કેમેરો છે પણ તેમાં બહાર ઉભેલા ગ્રાહક દેખાય, કેશિયર પોતે ન દેખાયઃ પૈસા ગયા કયાં? કોયડા રૂપ ઘટનાનો તાગ મેળવવા યુનિવર્સિટી પોલીસે કેશિયરની પુછપરછથી જ તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૯: કાલાવડ રોડ પર પંજાબ હોન્ડાના શો રૂમની સામે આવેલી બેંક ઓફ ઇન્ડિયામાંથી રૂ. પાંચ લાખની રોકડ ભેદી રીતે ગાયબ થઇ જતાં ચકચાર મચી ગઇ છે. કેશીયરની કેબીનમાંથી આ રકમ (૫૦૦ની નોટોનું બંડલ) ગઇકાલે કોઇ લૂંટી ગયાની કે ચોરી ગયાની બેંકીંગ વર્તુળોમાં ભારે ચર્ચા થઇ હતી. દરમિયાન આ મામલે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં કોઇ આ રોકડ ચોરીને જતું હોય તેવા દ્રશ્યો દેખાતા નથી. જે કેબીનમાંથી રોકડ ગૂમ થયાની વાત આવે છે તે કેશિયરની કેબીનમાં સીસીટીવી કેમેરો છે, પરંતુ તેમાં કેશિયર પોતે દેખાતા નથી. સામે બહાર તરફ ઉભેલા ગ્રાહક જ દેખાય છે. બંધ કેબીનમાંથી રોકડ કયાં ગાયબ થઇ? આ કોયડો ઉકેલવા  પોલીસે હાલ કેશિયરની પુછપરછથી જ તપાસની શરૂઆત કરી છે.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ બેંક ઓફ ઇન્ડિયામાંથી ગઇકાલે બપોરે બે   થી ત્રણ વાગ્યાની વચ્ચેના ગાળામાં ચારેક શખ્સો પાછલા દરવાજેથી ઘુસી જઇ પાંચ લાખની રોકડ (૫૦૦ના દરની નોટોનું એક બંડલ) ઉઠાવીને ભાગી ગયાની પોલીસને જાણ થતાં પોલીસે તાબડતોબ તપાસ કરી હતી. પણ પ્રારંભે જ કોઇ આવી ઘટના બની નહિ હોવાનું જણાયું હતું. જો કે આજે ફરીથી પોલીસને જાણ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસ મથકના ડી. સ્ટાફના પી.એસ.આઇ. બી. જે. કડછા, હરેશભાઇ પરમાર, રવિરાજસિંહ જાડેજા,  ગિરીરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ, લક્ષમણભાઇ સહિતની ટૂકડીએ બેંક ખાતે પહોંચી તપાસ કરી હતી.

જો કે આધારભુત સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સીસીટીવી કેમેરા ચેક કરતાં પોલીસને ચોરી કે લૂંટ જેવી કોઇ ઘટના કેમેરામાં દેખાઇ નથી. બીજી તરફ જે કેશિયર દર્શનભાઇ રાઠોડની કેબીનમાંથી ૫૦૦ની નોટનું પાંચ લાખનું બંડલ ગાયબ થઇ ગયાનું કહેવાય છે એ કેશિયરની કેબીનમાં સીસીટીવી કેમેરો છે તે ચેક કરતાં તેમાં કેશિયર પોતે કે તેની પાછળનો ભાગ દેખાતો નથી. માત્ર સામેની વ્યકિત જ દેખાય છે. આ કેબીનની બાજુમાં પાર્ટીશનમાં બીજી કેબીન છે અને ત્યાંથી બહાર નીકળતાં વધુ એક દરવાજો આવે છે. આથી અંદર કોઇપણ વ્યકિત સરળતાથી પ્રવેશી શકે તેમ જણાતું નથી.

ત્યારે પાંચ લાખની રોકડ અંદરથી કઇ રીતે ગાયબ થઇ? ખરેખર શું ઘટના બની? તે અંગે તપાસ થઇ રહી છે. બેંકના અધિકારીઓએ પોતાની રીતે પણ તપાસ કરી છે. પોલીસ તમામ સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે.

(3:28 pm IST)