Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

કોઈપણ સંજોગોમાં ફિલ્મ રિલીઝ થવા દેવાશે જ નહીં

'પદ્માવત' વિવાદ વધુ જલદ બનશેઃ સિનેમાઘરના સંચાલકો મુશ્કેલીમા મુકાયા :થિયેટરના સંચાલકો સાથે વાતચીત ચાલુ, જો ન માને તો જોયા જેવીઃ બે-ત્રણ દિવસમાં પ્રેસ કોન્ફરન્સ કરવાની પણ શકયતાઃ ૨૫મીએ બંધના એલાન સંદર્ભે આજે સાંજે ૭ વાગે રાજપુત આગેવાનો- કાર્યકરોની મીટીંગઃ રાજભા ઝાલા

રાજકોટ, તા.૧૯: સુપ્રિમ કોર્ટે ફિલ્મ ''પદ્માવત'' ઉપર ગુજરાત સહિત ચાર રાજયોમાં ફિલ્મ રિલીઝ કરવાની મંજુરી આપી છે. પરંતુ કરણીસેનાએ ખુલ્લી ચિમકી આપી છે કે સુપ્રીમનું કામ આદેશ આપવાનું છે. જયારે અમારે અમારૂ કામ કરી બતાવવાનું છે. દરમિયાન કોઈપણ સંજોગોમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે નહીં તેમ રાજકોટ સ્થિત કરણી સેનાના શ્રી રાજભા ઝાલાએ જણાવ્યું હતુ.

તેઓએ જણાવેલ કે મોટાભાગના સિનેમાઘરોના સંચાલકો સાથે વાત થઈ ગઈ છે. તેઓએ આ ફિલ્મ રિલીઝ નહી કરવાની ખાતરી આપી છે. હાલમાં પણ સિનેમાઘરોના સંચાલકો સાથે વાતચીત ચાલુ છે. થિયેટર માલીકોને વિનંતી કરવામાં આવી રહી છે, આમ છતાં પણ જો આ ફિલ્મ રિલીઝ થશે તો જોયા જેવી થશે.

રાજકોટ સહિત ગુજરાતના સિનેમાઘરોના સંચાલકો સાથે વાતચીત ચાલુ જ છે અને તેઓની સાથે જ આગામી બે- ત્રણ દિવસમાં આ મામલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી જાહેરાત કરવામાં આવશે.

રાજભા ઝાલાએ જણાવેલ કે આગામી ૨૫મીના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે આજે શુક્રવારે સાંજે ૭ વાગ્યે પુષકરધામ મેઈન રોડ ઉપર આવેલ તિર્થ પાર્ટી પ્લોટ ખાતે મીટીંગ રાખવામાં આવેલી છે. આ મીટીંગમાં કરણી સેના તેમજ રાજપુત આગેવાનો હાજર રહેશે. તેમ અંતમાં જણાવાયું છે.

(3:20 pm IST)