Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

સદ્ગુરૂ આશ્રમમાં મંગળવારે પતિત પાવન ભગવાનની જન્મ જયંતિનું ઉત્સવી આયોજન

સવારે ષોડષોપચાર પૂજનઃ બપોર સાધુ સંતોનો ભંડારોઃ સાંજે સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠઃ ભષ્મ અને ડ્રાયફ્રુટ દૂધની પ્રસાદી વિતરીત થશેઃ ત્રાસી આંખ માટે સુપર મેગા નેત્રયજ્ઞ અને દંતચિકિત્સા-હોમિયોપેથી કેમ્પ પણ થશે

રાજકોટ તા. ૧૯ :.. અહીંના આશ્રમ રોડ પર આવેલા અને નેત્રયજ્ઞો તથા વિવિધ માનવ સેવાની પ્રવૃતિઓથી ધમધમતા અનોખા તિર્થધામ શ્રી સદ્ગુરૂ સદન પૂ. શ્રી રણછોડદાસજી મહારાજશ્રીના આશ્રમમાં તા. ર૩ ના મંગળવારે તપસ્વી ગુરૂજી પતીતપાવન ભગવાનના જન્મ જયંતિ મહોત્સવનું આયોજન થયું છે.

પૂ. શ્રી રણછોડદાસજી મહારાજની સાથે ઓતપ્રોત રહેલા સંતેશ્વર પૂ. શ્રી પતીત પાવનજીએ તેમની તપભીની જીવન યાત્રા દરમ્યાન દૂધ (પય)ના જ આહાર અને દિવસ-રાત અખંડ ધૂણી વચ્ચે તપસ્યા કરી હતી અને પૂ. શ્રી રણછોડદાસજી મહારાજશ્રીને શિષ્યત્વ આપતી વખતે એવી દિવ્યવાણી ઉચ્ચારી હતી કે 'મેરા રણછોડ સ્વયં રામ હૈ', ઐસી ભાવનાકે સાથ મેં ઉન કે સાથ આત્મોન્નર્તિકા આદાન પ્રદાન કરતા હું.

આવા મહાનગુરૂની જન્મ જયંતિના ઉતસવના અવસરે મહાન ગુરૂ-શિષ્યનું દિવ્યોતમ મિલન થશે.

સવારે ૮ થી ૧૦ વાગ્યે શ્રી પતીત પાવન ભગવાનનું ષોડષોપચાર પૂજન અર્જન થશે. આ સમુહ પૂજનમાં ધર્મપ્રેમી ભાઇ-બહેનો અગાઉથી નામ નોંધાવીને ભાગ લઇ શકશે. સવારે ૧૦.૩૦ થી ૧ર શ્રીરામ અર્ચના મંગલ કર્તા પાઠ શાસ્ત્રોકત વિધિ વિધાનપૂર્વક પૂજન-પઠન થશે.

મહામંડલેશ્વર ૧૦૦૮ પરમ પૂજય શ્રી હરિચરણદાસજી મહારાજ ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે.

આ પ્રસંગે સાધુ-સંતોના ભંડારાનું આયોજન થયું છે. આ મહોત્સવને અનુલક્ષીને નિજ મંદિરમાં સંગીતમય શૈલીમાં સુંદર કાંડના પાઠ સાંજના ૪ થી ૬ વાગ્યે યોજાયેલ છે. પતિતાજી-જયપુરમાં અખંડ પ્રજવલિત રહેલી તપભીની ધૂણીની ભસ્મ આ પુણ્ય ભીના અવસરે ખાસઆ તપોવન સ્થળે  લાવવામાં આવેલ છે. આ ભસ્મની પ્રસાદીનો લ્હાવો લેવાનું સુખ સૌને પ્રાપ્ત થશે.

સમગ્ર જીવનયાત્રા માત્ર દૂધના આહાર અને તપના આધારે કરનાર પૂ. શ્રી પતીતપાવન-પ્રયહારી બાબાની પ્રસાદી રૂપે ડ્રાયફ્રુટવાળા દૂધની પ્રસાદી આ અવસરે દર્શનાર્થીઓને આખો દિવસ આપવામાં આવશે.

આ અવસરે ખાસ ત્રાંસી આંખને સિધી કરવાનો કેમ્પ સુપર મેગા નેત્રયજ્ઞનું આયોજન થયું છે, જેનું ઉદઘાટન પૂ. શ્રી હરિચારણદાસજી બાપુ કરશે નિષ્ણાંત આંખના ડોકટર બકુલ વ્યાસ સેવા આપશે.

ઉપરાંત દંત ચિકિત્સા અને હોમિયોપથી સારવારના કેમ્પ પણ યોજાયા છે, જેમાં દાંતના ડોકટર તરીકે વૈભવ સવજીયાણી અને હોમિયોપથીના ડોકટર કિંજલબેન ભાયાણી સેવા આપશે.

આ આયોજનનો લાભ લેવા સહુ રાજકોટવાસીઓને ટ્રસ્ટી પ્રવિણભાઇ વસાણીએ જાહેર નિમંત્રણ આપ્યું છે. (પ-૧૯)

(3:18 pm IST)