Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

કોર્પોરેશનમાં વારસદારોની નોકરી ૩ વર્ષમાં કાયમી થશે

મ્યુનિ. કમિશ્નરનો આભાર માનતા કર્મચારીઓ

રાજકોટ, તા. ૧૯ : કોર્પોરેશનમાં વારસદાર દરજ્જે વર્ગ (૩) અને (૪)માં ૧૧૬ જેટલા કર્મચારીઓને પાંચ વર્ષ માટે ફિકસ પગારથી રહેમરાહે નોકરી પ્રાપ્ત થઇ હતી. ત્યારબાદ મહાનગરપાલિકામાં ભરતી પામેલા અન્ય કર્મચારીનો ફિકસ પગારનો સમયગાળો ત્રણ વર્ષનો રાખવામાં આવતા ઉપરોકત ૧૧૬ જેટલા કર્મચરીઓને સિનીયોરીટીમાં અન્યાય અને આર્થિક નુકસાન થતા તેઓએ આ પ્રશ્ને મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીને રજૂઆત કરતા કમિશ્નરશ્રીએ રજુઆતને ચકાસી તેઓને થયેલ અન્યાય દૂર કરતા આ કર્મચારીઓમાં ખૂબ જ આનંદની લાગણી પ્રસરી છે.

આ અંગે સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ૧૧૬ કર્મચારીઓ દ્વારા કમિશ્નરને એવી રજૂઆવી હતી કે, સેવા અને પગાર સબંધે ગુજરાત સરકારશ્રીના ધારા ધોરણ અનુસાર આ ૧૧૬ કર્મચારીઓને વર્ગ (૩) અને (૪)ના કર્મચારીઓને રહેમરાહે વારસદાર તરીકે શરૂનો ફિકસ પગાર વર્ગ (૩) રૂ. રપ૦૦ વર્ગ (૪) રૂ. ૧પ૦૦થી પાંચ વર્ષ માટે ફિકસ પગારથી કામે રાખેલ હતા. જોકે ત્યારબાદ મહાનગર પાલિકા દ્વારા અન્ય જે ભરતી કરવામાં આવી તેમાં સમયગાળો અને પગાર ધોરણ સુધારી ૩ (ત્રણ) વર્ષ કરવામાં આવેલ.

વારસદાર દરજ્જે નોકરી મેળવનાર સર્વે કર્મચારીઓએ કમિશ્નર બંછાનિધિ પાનીને એક પત્ર પાઠવી આભાર માન્યો હતો. (૮.૧૩)

(3:17 pm IST)