Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

છોકરાવને રોડ પર રમવા ન મોકલાય... તેમ કહેતાં રિક્ષાચાલક રાજકૃષ્ણ યાદવની ધોલાઇ

ભીમનગર પાછળ બેઠા પુલ પાસે બનાવઃ દિલો દેવીપૂજક, તેનો ભાઇ અને બંનેની પત્નિઓ ધોકાથી તૂટી પડ્યાઃ માથા-હાથ-પગમાં ઇજા

રાજકોટ તા. ૧૯: કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૫૨/૧૫માં રહેતાં રિક્ષાચાલક રાજકૃષ્ણ મુરારીભાઇ યાદવ (ઉ.૨૭)ને ભીમનગર ચોક પાછળના બેઠા પુલ પાસે દેવીપૂજક ભાઇઓ અને બંનેની પત્નિઓએ ધોકાથી માર મારતાં સારવાર લેવી પડી છે. દેવીપૂજકનું એક નાનુ છોકરૂ દોડીને અચાનક રિક્ષા આડે આવતાં બ્રેક મારી દેતાં તે બચી ગયું હતું. છોકરાનું ધ્યાન રાખવાનું અને રોડ પર રમવા ન મોકલવા દેવીપૂજકોને કહેતાં તેનો ખાર રાખી હુમલો કરાયો હતો.

 

બનાવ અંગે તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એન. ડી. ડામોરે રાજકૃષ્ણ મુરારીની ફરિયાદ પરથી દિલો દેવીપૂજક, તેનો નાનો ભાઇ અને આ બંનેની પત્નિ સામે ગુનો નોંધ્યો હતો. રાજકૃષ્ણએ કહ્યું હતું કે હું રિક્ષામાં બે મુસાફરને બેસાડી ભીમનગરથી પાછળની સોસાયટીમાં ઉતારવા ગયો હતો. ત્યાંથી પાછો આવતો હતો ત્યારે ભીમનગર ઝૂપડપટ્ટીના પુલ પાસે એક નાનકડુ બાળક અચાનક દોડીને રિક્ષા આડે આવી ગયું હતું. આથી મેં તુરત જ બ્રેક મારી દીધી હતી અને બાળકને કંઇ થયું નહોતું.

આ વખતે અમારા કવાર્ટરમાં રહેતાં દરબારના એક ભાઇ દેવીપૂજક લોકોને છોકરાવનું ધ્યાન રાખવાનું કહેવા જતાં દિલો, તેનો ભાઇ અને બંનેની પત્નિઓએ આવી હતી. તેને મેં પણ છોકરાવને આ રીતે રોડ પર રમવા ન મોકલાય તેમ કહેતાં ચારેયે ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. જેમાં મને માથા, હાથ, પગ, શરીરે ઇજા થઇ હતી. ચારેયે ઢીકા-પાટુ પણ માર્યા હતાં. (૧૪.૭)

(12:28 pm IST)