Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

રઘુવંશીઓએ જાગવાનો સમય આવી ગયો છે

વસ્તીના ૬પ ટકા ગરીબ રઘુવંશીઓ માટે માનભેર આર્થિક અનામત માંગવાનો સમય આવી ગયો છે

પ્રમુખ શ્રી,રાજકોટ લોહાણા મહાજન,સાંગણવા ચોક, રાજકોટ

રઘુવંશીઓ માટે  અનામત માંગવાનો ટાઇમ આવી ગયો છે. જુની માન્યતામાંથી નીકળી અત્યંત  ગરીબ રઘુવંશીઓને અનામતનો લાભ અપાવો.

માનનીય પ્રમુખ સાહેબ, આજે જૈન સમાજને લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો છે તે સારી વાત છે. તેને હું આવકારૂ છું. આપણે આમાંથી બોધપાઠ લેવાની જરૂર નથી લાગતી ? બીજી જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિને અનામતનો લાભ અપાવવા મેદાને પડી છે. ત્યારે આપણી જ્ઞાતિનું મૌન, અને આપણી જ્ઞાતિની નિષ્ક્રિયતા ખુંચે છે. રઘુવંશીઓમાં ૬પ% થી વધુ અત્યંત ગરીબ છે. પ% લોકો અતિ ઘનાઢય છે. જયારે ૧૦% ઘનાઢય છ.ે અને બાકીના ૧૦% મધ્યમ વર્ગના છે. લોહાણા જ્ઞાતિ દેવાવાળી છે, લેવાવાળી નથી, એ જુની ૧૮ મી સદીની ઘરેડમાંથી બહાર આવવાની જરૂર છે. તાજેતરમાંજ રાજકોટમાં રઘુવંશી યુવાને બેકારીના કારણે આત્મહત્યા કરવી પડી છે. ત્યારે આપણામાંથી કોણે તેના પરિવારને મદદ કરી ? આ અગાઉ એસ્ટ્રોન ટોકિઝ પાસે ગરીબ ફ્રુટવાળા રઘુવંશી યુવાન મૃત્યુ પામ્યા, કોણે મદદ કરી, આવા અનેક દાખલાઓ છે. આપણે રઘુવંશી ઉપર આપતિ આવે ત્યારે આપણે સંપૂર્ણ મૌન અને નિષ્ક્રિયતા દેખાડી અને મહાજન હોવાનું ગૌરવ અનુભવતા હોઇએ છીએ ? મને યાદ છે ત્યાં સુધી એકપણ રઘુવંશીઓને આપણે મદદ કરવા આગળ આવતા નથી. અને ભાગ્યે જ કોઇ મદદ થઇ હોય તો મદદ લેનાર અપમાનીત થાય તે રીતે તેના ફોટા અને વિગતો વર્તમાનપત્રોમાં મદદ કરી, મદદ કરી એવા છપાતા હોય છે. બીજી જ્ઞાતિઓ એક થઇ પણ આપણે એકતા કરી નથી શકયા.

આપણા કાર્યક્રમોમાં આવતા રઘુવંશી ર વાગ્યે કાર્યક્રમ પુરો થાય તો પણ જમ્યા વગર જતા હોય છે. આપણે તેને જમાડતા નથી. અને લોકોને જમાડવા અન્નપૂર્ણા રથ ફેરવીએ છીએ. આપણા કાર્યક્રમોમાં આવનાર તમામને આ રથ ફેરવવાને બદલે સારૂ ભોજન, શું ઉપલ્બધ ન કરાવી શકીએ. ઘરના ઘંટી ચાટે, અને બહારનાને આટો? આ તે કેવો ન્યાય. આપણે હવે પાટીદાર અને અન્ય જ્ઞાતિ પાસેથી પ્રેરણા મેળવી એક થવાની જરૂર છે. જ્ઞાતિ હીતમાં કાર્યો કરવાની જરૂર છે. જ્ઞાતિના ગરીબ લોકોને મદદ કરવી તો તે બીજાને ખબર પણ ન પડે તે રીતની મદદ થવી જોઇએ. જ્ઞાતિઓને ટોકન દરે મેડીકલેઇમ ઉપલબ્ધ કરાવવંુ જોઇએ અને જ્ઞાતિના યુવાનોને આઇ.એ.એસ.અને આઇ.પી.એસ.જેવી પરિક્ષા માટે મફત તાલિમ આપવી જોઇએ. જ્ઞાતિના લોકોને નિઃસ્વાર્થ ભાવે મદદ થવી જોઇએ. ખોટું અને ખરાબ લાગ્યું હોય તો માફ કરશો. મારો હેતું કોઇને દુભવવાનો નથી પણ આપણામાં રહેલી જે કાંઇ ખામી છે તે દૂર થાય, જ્ઞાતિ આગળ આવે, વિકાસ પામે, આપણે એક થાય તે જ છે.

જય જલારામ

-રઘુવંશીભાઇ

(11:15 am IST)