Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

કલ્પના ભટ્ટની કમાલઃ કાગળમાંથી કલાત્મક કૃતિઓનું સર્જન

પેપર કિવલિંગ આર્ટઃ વાજબી કિંમતની કલરફુલ જ્વેલરીએ મન મોહ્યાઃ દાગીનાની દુનિયામાં નવો ચીલો : રૂ. ૫૦ થી ૧૦૦ સુધીની કિંમતના દાગીનાઃ વિવિધ પ્રકારના ગિફટ આર્ટિકલ્સ, કલાત્મક કવર વગેરેનું નિર્માણઃ ૧૦ વર્ષથી ઉપરની કોઈપણ વ્યકિત પેપર કિવલિંગ આર્ટ શીખી શકેઃ કલ્પના ભટ્ટ

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે કિવલિંગ આર્ટિસ્ટ કલ્પના ભટ્ટ અને તેમના ભાઈ પ્રખર વાસ્તુશાસ્ત્રી રાજુભાઈ ભટ્ટ નજરે પડે છે

રાજકોટ, તા. ૧૭ :. ફેશનની દુનિયામાં કલરફુલ, કલાત્મક અને ખૂબ સસ્તો વિકલ્પ રજુ થયો છે. પેપર કિવલિંગ આર્ટના માધ્યમથી રાજકોટના કલ્પના ભટ્ટે કમાલ કરી છે. કાગળના કલરફુલ, હળવાફુલ, નયનરમ્ય દાગીનાથી માંડીને વૈવિધ્યપૂર્ણ કવર, ગિફટ આર્ટિકલ્સનું નિર્માણ કર્યુ છે.

કલ્પના ભટ્ટ 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ વિવિધ કલાકૃતિઓ રજુ કરી હતી. કલ્પના કહે છે કે, નાનામવા - અલયપાર્ક ખાતેના નિવાસે વિવિધ કલાકૃતિઓનું નિર્માણ કરે છે અને ત્યાંથી જ વેચાણ કરે છે. ભટ્ટ પરિવારના ભાઈ-બહેન પોતપોતાના ક્ષેત્રમાં અનન્ય સિદ્ધિ મેળવી રહ્યા છે. કલ્પનાબેનના ભાઈ રાજુભાઈ ભટ્ટ વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત છે અને વૈવિશ્વક સ્તરે નામના ધરાવે છે.

કલ્પના ભટ્ટ કહે છે કે, પેપર કિવલિંગમાં કાગળનો જ ઉપયોગ થાય છે. છેલ્લા ત્રણ વર્ષથી હું આ પ્રકારની કલાકૃતિઓ બનાવું છું, જે ખૂબ લોકપ્રિય બની છે. જ્વેલરી ખરી પણ દામ વાજબી, દાગીના ખરા પણ લોકરમાં મુકવાની જરૂર નહીં. ઘરેણા તો કહેવાય જ પરંતુ એકદમ કલરફુલ. દરેક ડ્રેસ કે આઉટફીટ માટે એક એક પીસ ખરીદો તો પણ પરવડે. ઈયરીંગ પહેર્યા હોય તો દસ ફ્રેન્ડસ કુતુહલવશ પૂછે કે, 'કયાંથી લીધુ અને આ મટીરિયલ કયું છે?' રાજકોટના કલ્પના ભટ્ટ પેપર કિવલિંગમાંથી એવી જ્વેલરી બનાવે છે કે, જોનારાઓ દંગ રહી જાય.

પેપર કિવલિંગ. આ કળાનું નામ જ કહે છે કે, તેમા કાગળનો ઉપયોગ જ થાય છે. અત્યંત કલરફુલ પેપરની એકદમ પાતળી પટ્ટી હોય, તેને વાળવા માટેના થોડા સાધનો હોય, એકદમ ક્રિએટિવ દિમાગ હોય, જ્વેલરી ડિઝાઈનિંગની સૂઝ હોય તો આ કળા આસાન છે ! પેપર કિવલિંગ આજકાલ ટ્રેન્ડમાં છે, બાળકો માટે તેના સેટસ આવે છે અને મોટાઓ પણ એમાંથી જાતજાતની કૃતિઓ સર્જી આનંદ મેળવી શકે છે. જો કે, આ કળા યુરોપમાં તો સદીઓથી અસ્તિત્વમાં છે. દાયકાઓ અગાઉ ખ્રિસ્તી ધર્મગુરૂઓ પોતાના ધર્મગ્રંથોનું ટાઈટલ સજાવવા માટે જૂની કિતાબોના રદ્દી પાનાઓમાંથી ફુલ, વેલ ઈત્યાદિની ડિઝાઈન બનાવતા. પછી એ આર્ટ અમેરિકા પહોંચી. સર્જનાત્મક દિમાગ ધરાવતા અનેક કલાકારોએ તેમા અનેકાએક પ્રયોગો કર્યા. કોઈએ સરસ સર્વિંગ ટ્રે બનાવી તો કોઈ આર્ટિસ્ટે સુંદર ફ્રેમ પણ બનાવી તો કોઈએ બ્યુટીફુલ બોકસનું સર્જન કર્યુ. લેડીઝ પર્સ, જ્વેલરી બોકસ અને કવર પણ બનાવ્યા. રાજકોટના કિવલિંગ આર્ટિસ્ટ કલ્પના ભટ્ટ પણ આવી અગણિત કલાકૃતિઓ બનાવી જાણે છે. તેમણે કિવલિંગ દ્વારા બનાવેલી ગણપતિની તથા પક્ષીની ફ્રેમ્સ જોઈએ તો આપણે સ્તબ્ધ બની જઈએ.

જમાનો ગમ્મે તેટલો બદલાય, ગિફટસની આપ-લે કયારેય બંધ થવાની નથી. હા ! ગિફટની આઈટમ્સ બદલાતી રહે. એક સમયે સ્ટીલના વાસણો જ ભેટમાં અપાતાં, પછી મિલ્ટન કે ઈગલના પ્લાસ્ટિક કેસેરોલ અને વોટર જગ આવ્યાં. પેઈન્ટીંગ, પેન સેટ અને ગોલ્ડ વગેરેનો જમાનો પણ આવ્યો અને ગયો. હવે સાવ ડિફરન્સ ગિફટસનો યુગ છે. આવી જ એક નવતર ભેટ એટલે કિવલિંગની કલાકૃતિઓ.

કિવલિંગ જ્વેલરીની એક મજા એ છે કે, તેમાં અપાર રંગવૈવિધ્ય મળે છે. તેના પેપર્સમાં લગભગ ૨૫૦ જેટલા કલરશેડસ મળે છે ! એ કારણે જ તેમાથી બનતી વસ્તુઓ એકદમ રંગબેરંગી લાગે છે. પેપર કિવલિંગમાં ઝરીવાળા કાગળ, બેઉ તરફે અલગ અલગ કલરવાળા પેપર્સ તથા બીજા અનેક પ્રકારના કાગળનો ઉપયોગ થાય છે. કલ્પના ભટ્ટ આ બધા જ પ્રકારના પેપર્સમાંથી અત્યંત આકર્ષક કલાકૃતિઓનું સર્જન કરે છે. લેટીઝ જ્વેલરીઓ એમની પાસે ખજાનો છે. નવરાત્રી સમયે તેઓ આવી જ્વેલરીનું અઢીસોથી ત્રણસો પીસનું વેંચાણ કરે છે. ૫૦-૪૦૦ રૂપિયા જેવી મામુલી કિંમત ધરાવતી આ જ્વેલરી યુવતીઓમાં હોટ ફેવરીટ છે. આ ઉપરાંત ૩૦-૪૦ રૂપિયાની કિંમતના કવર-એન્વેલપની તેમની સિરીઝ પણ કોઈ ઉમદા કલાકૃતિથી કમ નથી. કવર બનાવવાની આ કળાને 'પંચ આર્ટ' કહેવાય છે.  મૂળ તો તેમણે પંચ આર્ટની જ તાલિમ લીધી હતી પરંતુ પછી ભીતર રહેલી સર્જનશકિત વધુને વધુ ખીલતી ગઈ. તેમણે કિવલિંગ પર હાથ અજમાવ્યો અને આજે ગુજરાતના ટોચના કિવલિંગ આર્ટિસ્ટ બની ગયા. કિવલિંગની આઈટમ્સ, કવર વગેરેમાં તમને રસ પડયો હોય તેમના મોબાઈલ નંબર ૯૪૦૯૪ ૯૫૦૫૧ ઉપર તેમનો સંપર્ક કરી શકો છો.(૨-૧૭)

કલ્પનાબેન ભટ્ટનો સંપર્કઃ અલય પાર્ક, ૮૮-૨૬, નાનામવા મેઈન રોડ, મહાત્મા ગાંધી સ્કૂલ સામે, રાજકોટ મો. ૯૪૦૯૪ ૯૫૦૫૧

(4:26 pm IST)