Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

કલેકટર દ્વારા ૧૩ લાખની મગફળી-ટ્રક સીઝઃ રામોદ તથા જામવાડીમાંથી નમુના લેવાયાઃ ૬ ગાડી મગફળીની રીજેકટ કરાઇ

આજથી સતત વોચ રાખવા આદેશોઃ સરદાર ફળ અને શાકભાજી ઉત્પાદન સહકારી મંડળીની મગફળી હતીઃ કલેકટરની સુચના બાદ પુરવઠા ઇન્સ્પેકટરો પરસાણીયા-રાદડીયા તથા ગોંડલ મામલતદારની સફળ કાર્યવાહી

રાજકોટ, તા., ૧૭: રાજકોટ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ ચોક્કસ માહીતી બાદ ગઇકાલે સવારે ૮ વાગ્યાથી દરોડો પાડી ખેડુતો પાસેથી ખરીદ કરાયેલ મગફળીમાં ધૂળ-માટીની ભેળસેળનું આખુ કૌભાંડ ઝડપી લેતા સન્નાટો પ્રસરી ગયો છે.

જુનાગઢના બગડુ ગામની સરદાર ફળ અને શાકભાજી ઉત્પાદન અને પ્રોસેસ સહકારી મંડળીએ ખેડુતો પાસેથી ખરીદ કરેલ મગફળી અત્રે ગોંડલ ગુજકોના વેરહાઉસમાં મોકલી હતી. આ જથ્થો ઉતરે તે પહેલા જ કલેકટરની સુચનાથી ગોંડલ મામલતદાર ઉપરાંત રાજકોટની એડી. કલેકટર શ્રી હર્ષદ વોરાના માર્ગદર્શન હેઠળ પુરવઠાના હેડ કલાર્ક અને ચીફ સપ્લાય ઇન્સ્પેકટર શ્રી હસમુખ પરસાણીયા-વિજય રાદડીયાની ટીમો ત્રાટકી હતી અને મગફળીની ગુણીઓ ખોલી સેમ્પલો લેતા દરેકમાંથી પ થી ૧૦ કિલો માટી-ધૂળ નીકળી પડી હતી. પરીણામે કલેકટરનું ધ્યાન દોરાતા કલેકટરની સુચના બાદ ૭ લાખથી વધુની કિંમતની ૧પ૭પ૦ કિલો મગફળી અને ટ્રક મળી કુલ ૧ર લાખ પ૮ હજારની કિંમતનો મુદામાલ સીઝ કરી આગળની તપાસ હાથ ધરાઇ છે. જેની મગફળી સીઝ કરાઇ તે મંડળીવાળા ખરીદ કર્યા બાદ ધૂળ-માટી ભેળસેળ કરતા હોવાનું પુરવઠાની તપાસમાં બહાર આવ્યું છે.

આ ભેળસેળ ખુલ્યા બાદ અન્ય ૬ ટ્રક ગાડીની મગફળી ચેક કરતા, તે નબળી જણાતા આ ૬ ગાડી રીજેકટ કરી દઇ પરત મોકલી દેવાયાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

આ પછી પુરવઠાનું તંત્ર રામોદ અને જામવાડીના વેર હાઉસમાં પણ તપાસમાં દોડી ગયું હતું અને ત્યાંથી સેમ્પલ લેવાયા હતા. દરમિયાન આજે કલેકટર ડો.વિક્રાંત પાંડેએ પુરવઠાના ઇન્સ્પેકટરોને બોલાવી આજથી સતત વોચ રાખવા અને પોતાને ડાયરેકટ રીપોર્ટ કરવા પણ આદેશો કર્યા છે.

(11:47 am IST)