Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સહકારી ડેરીઓમાં દૂધ વધી પડયુ, રાજકોટ ડેરીએ ૧ લાખ લીટરની ખરીદી ઘટાડી !

દૂધ ઉત્પાદનમાં રર ટકા વધારો : દૂધ ઉત્પાદકોને 'સમજાવતા' ગોવિંદભાઇ રાણપરિયાઃ લોકોને 'અમૂલ' દૂધ જ વાપરવા આગ્રહ : પાવડર ર૦૦ રૂપિયે પડતર, ૧૧પ લેખે વેચાણ

રાજકોટ, તા. ૧૭ : કુદરતી રીતે ર થી ૩ વર્ષે સમગ્ર દેશમાં દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદન ક્ષમતા વધવાની સાયકલ આવતી હોય છે. આ પમાણે ર૦૧પ-૧૬માં દૂધ ઉત્પાદન વધવાની સાયકલ આવેલ હતી. આવી પરિસ્થિતિનું નિર્માણ ર૦૧૭-૧૮માં થયેલ છે. સમગ્ર દેશમાં દૂધના ઉત્પાદનમાં વધારો થતા દૂધ ઉત્પાદકો માટે ચિંતાનો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. દૂધ ઉત્પાદન સામે દૂધની માંગ મર્યાદીત અને સ્થિર હોવાથી વધારાના દૂધના નિકાલનો પ્રશ્ન સહકારી/ખાનગી ડેરીઓમાં થઇ રહ્યો છે. જેની સીધી અસર દૂધના ખરીદ ભાવ ઉપર થાય છે તેમ રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના અધ્યક્ષ ગોવિંદભાઇ રાણપરિયા જણાવે છે.

ગુજરાત કો.ઓપ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લી. સંયોજીત કુલ ર૧ સંઘો મારફત આ દિવસોમાં દૈનિક સરેરાશ ર૦૯.૩પ લાખ (બે કરોડ નવ લાખ કીલો) દૂધ સંપાદન થઇ રહ્યું છે જે આજ સમય દરમ્યાન ગત વર્ષે દૈનિક સરેરાશ ૧૭૦.૭૩ લાખ (એક કરોડ સીતેર લાખ કીલો) દૂધ સંપાદન દૈનિક થતું હતું. આમ ગતવર્ષની સરખામણી કરતા રર.૬ર% દૂધ સંપાદનમાં વધારો થઇ રહ્યો છે. આમ સરેરાશ દૈનિક ૩૦ લાખ કિલો દૂધ ફેડરેશન સંયોજીત ર૧ દૂધ સંઘોમાં વધારો થયેલ છે તેની સામે આપણા વેચાણમાં આટલો વધારો ન થતા દૂધનો સ્ટોક/બનાવટો બનાવવી પડે. હાલમાં આંતરરાષ્ટ્રીય દૂધના પાવડરનો ભાવ ઘટતો જાય છે. દૂધના પાવડરનો ભાવ પ્રતિ કિલોના રૂ. ૯૦થી માંડી રૂ. ૧૧પ સુધીનો છે. જયારે અત્યારના સરેરાશ દૂધના ખરીદ ભાવ મુજબ દૂધના પાવડરની પડતર અંદાજે રૂ. ર૦૦થી રૂ. ર૩૦ આસપાસ થાય છે અને તેનું પણ બજાર ઉતરોતર ઘટતું જાય છે.

રાજકોટ સંઘની વાત કરીએ તો ડીસેમ્બર મહિનામાં જ દૂધ ઉપર કંટ્રોલ કરી ખોટા ગ્રાહકોનું દૂધ મંડળી મારફત ન આવે તે માટેના જરૂરી કડાક પગલા લેવામાં આવેલ છે. જેના કારણે ૧ લાખ લીટર અંદાજે દૂધ બંધ કરવામાં આવેલ છે. દૂધની ગુણવત્તા નબળી તેમજ સંઘને ધ્યાનમાં આવતા જે દૂધ મંડળીઓ પ્રાઇવેટ વેપારી પાસેથી દૂધ ખરીદ કરતી હતી તેવી આશરે ૪૦ દૂધ મંડળીઓનું દૂધ સંપાદન બંધ કરવામાં આવેલ છે. છેલ્લા ૧ માસથી વધારેના સમય દરમ્યાનથી નવી દૂધ મંડળીઓ શરૂ કરવામાં આવેલ નથી. ઉપરાંત બીએમસી મંડળીઓમાં નક્કી કરેલ દૂધનો જથ્થો સ્વીકારવામાં આવે છે તે પ્રમાણે ટેન્કરની વ્યવસ્થા કરેલ છે તેમ ગોવિંદભાઇ જણાવે છે.

સંઘે વર્ષ ર૦૧૭-૧૮માં દૂધ ખરીદીના પ્રતિ કિલોફેટનો મહત્તમ ભાવ રૂ. ૬૭૦ ચૂકવેલ છે. જયારે એપ્રિલથી ડીસેમ્બર ર૦૧૭ સુધીનો સરેરાશ દૂધનો ખરીદભાવ પ્રતિ કીલોફેટે રૂ. ૬૪ર ચૂકવવામાં આવેલ છે. આ સામે એપ્રિલથી ડીસેમ્બર ર૦૧૬ સુધીનો સરેરાશ દૂધનો ખરીદભાવ પ્રતિ કીલોફેટે રૂ. ૬૦૭ ચૂકવવામાં આવેલ. આમ ગતવર્ષની સરખામણીએ પ્રતિ કીલોફેટે રૂ. ૩પ વધુ ચૂકવવામાં આવેલ છે.

ખાનગી ડેરીઓ તેના વ્યકિતગત લાભનો વિચાર કરી ખરે સમયે દૂર ભાગે છે અને ઉત્પાદકોમાં ખોટો ભ્રમ ઉત્પન્ન કરે છે, ત્યારે સહકારી ડેરી ઉદ્યોગ ઉપર વિશ્વાસ રાખી આપસૌ આવી વિષમ પરિસ્થિતિમાં સાથ સહકાર આપો તેવી વિનંતી કરૃં છું. દૂધની આ પરિસ્થિતિ આગામી ટુંક સમયમાં હળવી થશે તેવી આશા રાખીએ છીએ તેમ શ્રી રાણપરિયા જણાવે છે.

રાજકોટ દૂધ સંઘે ઉનાળાના ચાર માસ રાજકોટ શહેરના દૂધ વાપરનાર ગ્રાહકોને નિયમિત, સારી ગુણવતાવાળુ, ભેળસેળ રહિત દૂધ વ્યાજબી ભાવ અને સરળતાથી મળી રહે તે માટે દૂધની આવક કરતા માંગ વધતા ફેડરેશનમાંથી દૂધના વધુ ભાવ ચૂકવીને દૂધની અછત ઉભી થવા દીધી નથી, આવી વિષમ પરિસ્થિતિમાં સહકારી ડેરી દ્વારા પેક થયેલ  થયેલ 'અમૂલ' દૂધ જ ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે તેવી રાજકોટ શહેર તથા જીલ્લાના મુખ્ય મથકોમાં દૂધ વાપરનાર ગ્રાહકોને રાજકોટ દૂધ સઘના અધ્યક્ષ શ્રી ગોવિંદભાઇ રાણપરિયાએ અપીલ કરેલ છે.

(11:46 am IST)