Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

'અમે તો આમ જ રહેશું ને આમ જ કરશું... કહી રાજ- અર્જૂન સહિતે વીમા એજન્ટને માર મારી કાતર ઝીંકી

આમ્રપાલી ફાટક પાસે ધ્રુવનગરમાં ધબધબાટીઃ રાજ સોલંકી, તેના પિતા દરજી રાજુભાઇ સોલંકી, તેમજ સગા મહેશભાઇ સોલંકી અને અર્જુન સોલંકી સામે ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કર્યોઃ નવરાત્રીમાં આરતી કરતી બાળાઓ પાસેથી રાજ-અર્જૂન ધૂમ સ્પીડથી બાઇક હંકારતાં ત્યારે આપેલો ઠપકો કારણભુત

રાજકોટ તા. ૨૮: આમ્રપાલી ફાટક પાછળ ધ્રુવનગરમાં નવરાત્રી વખતે આરતી કરતી બાળાઓની બાજુમાંથી ફુલ સ્પીડથી બાઇક હંકારી નીકળેલા બે છોકરાને અહિ રહેવા વીમા એજન્ટ બ્રાહ્મણ યુવાને સમજાવ્યા હોઇ એ છોકરાઓએ 'અમારા પપ્પાને કહેો તો પણ કોઇ ફરક નહિ પડે' કહી ઝઘડો કર્યો હોઇ આ બાબતે તેના પિતા સાથે ગત રાતે વાત કરવા જતાં આ છોકરાઓ, તેના પિતા સહિતે મારામારી કરી 'અમે તો આમ જ કરશું, આમ જ રહેશું' કહી ડખ્ખો કરતાં અને કાતરથી હુમલો કરી ઇજા કરતાં હોસ્પિટલમાં પહોંચવું પડ્યું હતું.

બનાવ અંગે પોલીસે આમ્રપાલી ફાટક નજીક ધ્રુવનગર બંધ શેરી મકાન નં. ૩માં રહેતાં અને વીમા એજન્ટ તરીકે કામ કરતાં સોૈરભભાઇ પ્રવિણચંદ્ર વ્યાસ (બ્રાહ્મણ) (ઉ.વ.૪૦) નામના યુવાનની ફરિયાદ પરથી તેના જ પડોશમાં રહેતાં રાજુ લવજીભાઇ સોલંકી, મહેશ લવજીભાઇ સોલંકી, રાજ રાજુભાઇ સોલંકી અને અર્જુન ઉમેશભાઇ સોલંકી સામે ગુનો નોંધ્યો છે.

સોૈરભભાઇ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પીએસઆઇ એ. વી. પીપરોતરે ત્યાં પહોંચી તેની ફરિયાદ નોંધી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પત્નિ, પુત્ર-પુત્રી સાથે રહુ છું અને ઇન્સ્યુરન્સ એજન્ટ છું. રાત્રીના સાડા નવેક વાગ્યે હું અમારા ઘર પાછળ સૂર્યમ ટેઇલર્સ નામે દૂકાન ધરાવતાં રાજૂભાઇ સાથે નવરાત્રી વખતે તેના દિકરા-ભત્રીજા સાથે થયેલા મનદુઃખની વાત કરવા ગયો ત્યારે રાજ રાજુભાઇ અને અર્જુન ઉમેશભાઇએ 'અમે તો આમ જ કરશું ને આમ જ રહેશું' તેમ કહી ઉશ્કેરાઇ જઇ ઝપાઝપી કરી મને પછાડી દીધો હતો અને ઢીકા-પાટુનો માર માર્યો હતો. ઉમેશે ઝપાઝપી કરી મારકુટ કરી હતી અને મહેશે હાથમાં વીખોડીયા ભરી લીધા હતાં. તેમજ દૂકાનમાંથી કાતર કાઢી રાજૂભાઇએ ઘા મારી દીધો હતો. અર્જુને ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી.

મેં બચવા માટે મારા સાળા જે વિરેનભાઇ જે નજીકમાં જ રહેતાં હોઇ તેને બોલાવી લેતાં તેની સાથે પણ આ ચારેયએ ઝઘડો કરી ગાળો દઇ ઝપાઝપી કરી હતી. દેકારો થતાં લોકો ભેગા થતાં કોઇએ પોલીસને જાણ કરતાં પોલીસ આવી ગઇ હતી.

ઝઘડાનું કારણ એ છે કે અમારી પાછળની શેરીમાં સૂર્યમ ટેઇલર્સ નામની દૂકાને રાજુ સોલંકીના દિકરા અને ભત્રીજાએ ગત ૨૩ના અમારી શેરીમાં નવરાત્રી નિમિતે બાળાઓ આરતી કરતી હોઇ ફુલ સ્પીડથી લીવર આપી આરતી ચાલુ હતી ત્યાંથી નીકળતાં  બાળાઓ ડરી ગઇ હતી. આથી એ દિવસે તેને અમે બીજી વાર આ રીતે ન કરવાનું કહી સમજાવી હવે આવું કરીશ તો તારા પપ્પાને વાત કરીશ તેમ કહેતાં તેણે અમારા પપ્પાને કહેશો તો પણ કંઇ ફરક નહિ પડે તેમ કહી દીધું હતું.

આ વાતના મનદુઃખ અંગે ગઇકાલે રાજના પિતા સાથે વાત કરવા જતાં હુમલો થયો હતો. પીએસઆઇ એ. વી. પીપરોતરે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(12:48 pm IST)