Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

કોલેજમાં બીએસસીના છાત્ર યાજ્ઞિકને બીજા છાત્ર પાર્થએ ઢીકાપાટુનો માર મારતાં સારવારમાં

મુળ જુનાગઢનો યાજ્ઞિક દર્શન કોલેજમાં બીએસસીનો અભ્‍યાસ કરે છેઃ પંદરેક દિવસથી પાર્થ સતત હેરાન કરતો હોવાનો અને ધમકી આપતો હોવાનો આક્ષેપઃ આજે ફરીથી ધોલધપાટ થતાં સારવાર લેવી પડી

રાજકોટ તા. ૨૮: મોરબી રોડ પર બેડી હડાળા પાસે આવેલી દર્શન કોલેજમાં અભ્‍યાસ કરતાં અને હાલ સરધાર હોસ્‍ટેલમાં રહેતાં મુળ જુનાગઢના બીએસસીના છાત્રને અન્‍ય છાત્ર દ્વારા પંદરેક દિવસથી હેરાન કરવામાં આવતો હોઇ અને મારકુટ થતી હોઇ તેમજ આજે પણ ઢીકાપાટુનો માર મારવામાં આવતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો.

હાલ સરધાર સ્‍વામિનારાયણ મંદિરની હોસ્‍ટેલમાં રહેતો મુળ જુનાગઢના વંથલીના થાણાપીપળી ગામનો યાજ્ઞિક હસમુખભાઇ કાચા (ઉ.૨૩) હડાળાની દર્શન કોલેજમાં બીએસસીના ત્રીજા વર્ષમાં સેમેસ્‍ટર ૭માં અભ્‍યાસ કરે છે. તે સવારે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો અને પોલીસ ચોકીના સ્‍ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતે દર્શન કોલેજ ખાતે હતો ત્‍યારે પાર્થ નામના છાત્રએ મારકુટ કર્યાનું કહેતાં કુવાડવા પોલીસને જાણ કરવામાં આવી હતી.

યાજ્ઞિકે જણાવ્‍યું હતું કે છેલ્લા પંદરેક દિવસથી અન્‍ય વિદ્યાર્થી પાર્થ કુવાડીયા મને કારણ વગર હેરાન કરી મારકુટ કરી લે છે અને મોબાઇલ ફોન પડાવી લે છે તેમજ જો હવે કોલેજમાં આવીશ તો મારી નાખીશ તેવી ધમકી આપે છે. આજે પણ સવારે નવેક વાગ્‍યે પોતે કોલેજમાં હતો ત્‍યારે પાર્થએ આવી મારકુટ કરી હતી. પોતે આ મામલે પ્રિન્‍સીપાલને પણ અગાઉ ફરિયાદ કરવા ગયો હતો. કુવાડવા પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(4:10 pm IST)