Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

હાર્ડવેરના સામાનના નામે મુંબઇથી એક લાખનો દારૂ મંગાવાયોઃ બી-ડિવીઝન પોલીસે જપ્‍ત કર્યો

હેડકોન્‍સ. મોહસીનખાન મલેક અને કોન્‍સ. હેમેન્‍દ્રભાઇ વાધીયાની બાતમીઃ પીઆઇ એમ. સી. વાળા, પીએઅસાઇ એચ. એમ. જાડેજાની ટીમની કાર્યવાહી : રૈયા ચોકડી પાસે રહેતાં ભરત સિધ્‍ધપુરાની શોધખોળઃ અગાઉ પણ ડીસીબીએ દારૂમાં પકડયો હતો :કુવાડવા રોડ પર આવેલા ગુજરાત ગૂડસ ટ્રાન્‍સપોર્ટ સર્વિસમાં દરોડો

રાજકોટ તા.૨૮: કુવાડવા રોડ ગીતા પેટ્રોલ પંપની સામે આવેલા ગુજરાત ગૂડસ ટ્રાન્‍સપોર્ટ સર્વિસ નામની ટ્રાન્‍સપોર્ટ પેઢીમાં દારૂનો જથ્‍થો ઉતારાયો હોવાની બાતમી પરથી બી-ડિવીઝન પોલીસે દરોડો પાડી અલગ અલગ બ્રાન્‍ડનો ૧,૦૨,૩૦૦નો દારૂ પકડી લીધો છે. હાર્ડવેરના સામાનની આડમાં આ મુંબઇથી મંગાવાયેલા પાર્સલમાં દારૂનો જથ્‍થો હતો. આ દારૂ અગાઉ પણ પકડાઇ ચુકેલા રૈયા ચોકડી પાસે રહેતાં લુહાર શખ્‍સે મંગાવ્‍યાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

દારૂ-જૂગારના કેસ શોધવા બી-ડિવીઝન ડી. સ્‍ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે  હેડકોન્‍સ. મોહસીનખાન એમ. મેલેક, કોન્‍સ. હેમેન્‍દ્રભાઇ વાધીયાને બાતમી મળી હતી કે કુવાડવા રોડ પર આવેલા ગુજરાત ગૂડસ સર્વિસ નામના ટ્રાન્‍સપોર્ટમાં હાર્ડવેરના પાર્સલની આડમાં દારૂનો જથ્‍થો આવ્‍યો છે. આ માહિતીને આધારે ત્‍યાં જઇ તપાસ કરવામાં આવતાં મુંબઇથી એક પાર્સલ આવ્‍યાનું અને તે હાર્ડવેરની ચીજવસ્‍તુનું હોવાનું તથા આ પાર્સલ રૈયા ચોકડી ગંગોત્રી ડેરીવાળી શેરીમાં રહેતાં ભરત રમેશભાઇ સિધ્‍ધપુરાએ મંગાવ્‍યાનું ખુલતાં પોલીસે પાર્સલ ખોલીને જોતાં દારૂનો જથ્‍થો નીકળ્‍યો હતો.

પાર્સલમાંથી ઇમ્‍પિીરીયલ બ્‍લુની બે લિટરની ૧૮ બોટલો, ડીએસપી બ્‍લેકની બે લિટરની ૧૬ બોટલો, મેકડોવેલ્‍સ નંબર વનની ૦૪ બોટલો, એઇટ પીએમ વ્‍હીસ્‍કીની ૧૮૦ એમએલની ૧૪૪ બોટલ-ચપલા, ઓફિસર્સ ચોઇસના ૧૮૦ એમએલના ૪૮ ચપલા, હેવર્ડ ફાઇન વોડકાના ૧૮૦ એમએલના ૭૧ ચપલા મળી કુલ બે લિટરની ૩૮ બોટલો અને ૨૬૩ ચપલા મળી રૂા. ૧,૦૨,૩૦૦નો દારૂ મળતાં કબ્‍જે કરાયો હતો. આરોપી ઘરે મળ્‍યો ન હોઇ શોધખોળ થઇ રહી છે. પોલીસના કહેવા મુજબ ૨૦૨૧માં ડીસીબીએ આ શખ્‍સને દારૂ સાથે પકડયો હતો.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ.આર. ટંડેલની સુચના અને પીઆઇ એમ. સી. વાળાની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. જાડેજા, એએસઆઇ સલિમભાઇ માડમ, હેડકોન્‍સ. કે. કે. નિકોલા, મોહસીનખાન મલેક, પી. ડી. ખાંભરા, કોન્‍સ. હેમેન્‍દ્રભાઇ, વિશ્વજીતસિંહ ઝાલા, નિલેષભાઇ વાવેચા, મિતેશભાઇ આડેસરા, મહેશભાઇ ખાંભલીયા સહિતે આ કામગીરી કરી હતી.

(3:39 pm IST)