Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

BRTS-સીટી બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ ૩.૨૦ લાખનો દંડ

સીટી બસના ૧૨ કંડકટરો સસ્‍પેન્‍ડ : છેલ્લા અઠવાડીયામાં ૩.૬૨ લાખ મુસાફરોએ લાભ લીધોઃ પાંચ મુસાફરો ટિકિટ વિના ઝડપાયા

રાજકોટ,તા.૨૮: મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડે તા. ૨૦ થી ૨૬ જુન સુધીમાં  કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૬ રૂટ પર ૯૧ સિટી બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે . પરંતુ સિટી બસ અને બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતી બદલ રૂા. ૩.૨૦ લાખની  પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૧૨ કન્‍ડક્‍ટરો ફરજ મુક્‍ત કર્યા છે.

આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા. ૨૦ થી ૨૬ જુન  સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV - રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૨૦/૦૬/૨૦૨૨ થી તા.૨૬/૦૬/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો જાહેર કરાઇ છે.

સિટી બસ (RMTS) સેવા અંતર્ગત રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૬ રૂટ પર ૯૧ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. સિટી બસ સેવા (RMTS)માં તા.૨૦/૦૬/૨૦૨૨ થી તા.૨૬/૦૬/૨૦૨૨ દરમિયાન કુલ અંદાજીત ૧,૧૩,૫૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૯૭,૧૫૩ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.

સિટી બસના બસ સ્‍ટોપ તથા પીક અપ સ્‍ટોપનું જરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતું તેના પર ટાઇમ ટેબલ અધ્‍યતન કરવાનું કાર્ય ચાલુ છે.

સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૮,૮૨૫ કિ.મી. ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા. ૩,૦૮,૮૭૫ ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે. સિટી બસ સેવામાં ફેર કલેક્‍શન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂા. ૧૧,૧૦૦ ની પેનલ્‍ટી આપવામાં આવેલી છે. સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ ૧૦ કંડક્‍ટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ તથા ૨ કંડક્‍ટરને કાયમી ધોરણે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે. ઉપરાંત  ચેકીંગ દરમિયાન કુલ ૦૫(પાંચ) મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂા. ૫૫૦ નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

બી.આર.ટી.એસ. બસ સેવા રાજકોટ રાજપથ લી દ્વારા શહેરીજનોને BRTS રૂટ પર કુલ ૧૮ BRTS બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. બી.આર.ટી.એસ. બસ સેવામાં તા.૨૦ થી તા.૨૬ દરમિયાન કુલ અંદાજીત ૨૯,૨૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૬૫,૧૧૯ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્‍સ-મેન તથા સિક્‍યુરીટી પુરા પાડતી એજન્‍સી શ્રી રાજ સિક્‍યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂા. ૯૧૩ ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.

(3:13 pm IST)