Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

વાયુસેનમાં જોડાવાનું સપનું સાકાર કરતો રાજકોટનો કૃપાલ કણસાગરા

રમત ગમતમાં અનેક મેડલો મેળવ્યા છે : મિત્ર હર્ષ મકવાણા સાથે વડોદરાની ભરતીમાં નશીબ અજમાવ્યુ બન્નેનો સીતારો ચમકી ગયો : નલિયામાં તાલીમ પૂર્ણ કર્યા પછી એરમેન તરીકે પોષ્ટીંગ મેળવશે

રાજકોટ તા. ૨૭ : નાનપણથી સપનું સેવ્યુ કે મારે વાયુ સેનામાં જોડાવુ છે. પછી તેને સાકાર કરવા ખુબ મહેનત કરી અને ખરેખર આ સપનું હવે સાચુ પાડી બતાવ્યુ છે રાજકોટના કૃપાલ પ્રકાશભાઇ કણસાગરાએ.

વાયુસેનની ભરતીમાં પાર ઉતરી એરમેન તરીકે પોષ્ટીંગ મેળવવા જઇ રહેલ કૃપાલે જણાવેલ કે મને સેનામાં વાયુ ક્ષેત્રે કામ કરવાની ખુબ ઇચ્છા હતી. મારા પપ્પા પ્રકાશભાઇનો અને મમ્મીનો પણ ખુબ સપોર્ટ હતો. કાકી નિરાલીબેન તરફથી માર્ગદર્શન મળતુ રહ્યુ અને બીબીએ એકસ્ટર્નલ અભ્યાસ કરવાની સાથે સાથે મે વાયુ સેનાની ભરતીમાં નશીબ અજમાવ્યુ હતુ.

હું અને મિત્ર હર્ષ મકવાણા બન્ને બરોડા ભરતીમાં ગયા હતા. જયાં મેરીટમાં આવી ગયા બાદ અમુક ટેસ્ટ પાસ કરતાની સાથે જ અમને મુંબઇ બોલાવવામાં આવ્યા. જયાં પણ જરૂરી પરીક્ષણોમાં પાર ઉતરતા અમો બન્ને મિત્રોને નલિયા છ મહીનાની તાલીમનો કોલ લેટર મળી ગયો છે. તાલીમ પૂર્ણ કર્યે અમને એરમેન તરીકે પોષ્ટીંગ અપાશે.

આમ કઠોર પરીશ્રમનું મીઠુ ફળ ચાખવા મળતા ખુબ ખુશી અનુભવીએ છીએ. મને રમત ગમત ક્ષેત્રે પણ પહેલેથી ખુબ રસ હતો. ક્રિકેટ, વોલીબોલ તેમજ ગુજરાતી ગરબામાં મને અનેક મેડલો મળ્યા છે.

૨૧ વર્ષની વયે વાયુસેનામાં કદમ માંડવા જઇ રહેલ કૃપાલ પ્રકાશભાઇ કણસાગરા (મો.૮૪૬૦૬ ૮૭૬૦૬)ને આ ઝળહળતી સિધ્ધી બદલ ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(2:51 pm IST)