Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ડીવાયએસપી ઝાલાનું રાજયના પોલીસ વડા દ્વારા સન્‍માન

ગોંડલ ખાતેના કાર્યકાળ દરમિયાન ગુજસીટોક, લેન્‍ડ ગ્રેબીંગ, મની લેન્‍ડીંગ સહીત લો એન્‍ડ ઓર્ડર : જાળવવા કરેલી વિશિષ્‍ઠ કામગીરીની નોંધ લેવાઇ : ૨૦૧૯માં રાષ્‍ટ્રપતિચંદ્રકથી નવાજવામાં આવેલા

રાજકોટ, તા., ર૮: મોરબી ડીવાયએસપી  તરીકે ફરજ બજાવતા પી.એ.ઝાલાને ગોંડલના કાર્યકાળ દરમિયાન તેમણે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે કરેલી વિશિષ્‍ટ કામગીરી બદલ રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા ગઇકાલે યોજાયેલા  કાર્યક્રમમાં સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા.

 શ્રી પી.એ.ઝાલા  ર૦ર૧માં ગોંડલ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા હતા તે દરમિયાન જેલમાં બેઠા-બેઠા ગેંગ ચલાવતા નિખીલ દોંગાની સામે ઉઠેલી ગંભીર ફરીયાદોને ધ્‍યાને લઇ ગુજસીટોક હેઠળ ગુન્‍હો દાખલ કરવામાં આવ્‍યો હતો. આ ગુન્‍હો પણ પી.એ.ઝાલા દ્વારા દાખલ કરવામાં આવ્‍યો હતો અને તલસ્‍પર્શી તપાસના અંતે પુરાવાઓની સાંકળ રચી આખી ગેંગ સામે પગલા લેવામાં આવ્‍યા હતા. રાજયભરમાં આ કામગીરીને વખાણવામાં આવી હતી. આ ઉપરાંત લેન્‍ડ ગ્રેબીંગ અને મની લેન્‍ડીંગની બદી ડામવા માટે કડક હાથે કામગીરી કરી ગુન્‍હાઓ નોંધવામાં આવ્‍યા હતા. ગોંડલમાં તે સમયે કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણીમાં શ્રી ઝાલા દ્વારા કરવામાં આવેલી વિશિષ્‍ટ કામગીરીની નોંધ રાજયના પોલીસ વડા દ્વારા લેવામાં આવી હતી.

પોલીસ વડા દ્વારા તમામ રેન્‍કમાં દર વર્ષે મહત્‍વની કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને ‘ડીજીપી કમેન્‍ડેસન ડીસ્‍ક' એનાયત કરી સન્‍માનવામાં આવે છે. આ અંતર્ગત ડીવાયએસ રેન્‍કમાં ગઇકાલે પી.એ.ઝાલાને તેમની મહત્‍વની કામગીરી બદલ સન્‍માનવામાં આવ્‍યા હતા. તેમણે અગાઉ કરેલી કાયદો વ્‍યવસ્‍થા જાળવવા માટેની કામગીરીની નોંધ છેક રાષ્‍ટ્રપતિ કાર્યાલય દ્વારા લેવામાં આવી હતી અને આ બદલ તેમને રાષ્‍ટ્રપતિચંદ્રક ર૦૧૯માં એનાયત કરવામાં આવ્‍યો હતો. આમ ડીવાયએસપી ઝાલા સમગ્ર પોલીસ બેડામાં શ્રેષ્‍ઠ કામગીરી માટે જાણીતા છે. તેમના ઉપર ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે.

(3:59 pm IST)