Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

રાજકોટને હાઇકોર્ટની બેચ આપવા બજેટમાં જોગવાઇ કરોઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ, તા., ૨૭: જસદણના પુર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પુર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે સાંસદસભ્‍યો માટે નવુ સાંસદ ગૃહ, ગુજરાતમાં પ્રધાનમંડળ માટે સ્‍વર્ણીમ સંકુલ, ધારાસભ્‍ય માટે અદ્યતન સદસ્‍ય નિવાસ, અધિકારીઓ માટે સચિવાલયમાં રીનોવેશન કરવા પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ કરીને સુવિધા કરવામાં આવે છે. પગાર તેમજ અન્‍ય સવલતો આપવામાં આવે છે એ જુદી વાત છે જેના હાથમાં તેના મોમા જેવી વાત છે છતા સ્‍વીકાર્યા વગર છુટકો નથી.

ટુંક સમયમાં ગુજરાતમાં બજેટ બેઠક મળવાની તૈયારી ચાલી રહી છે. પોરબંદર કે કચ્‍છના છેવાડાના ગામડામાંથી હાઇકોર્ટના કામકાજ માટે અમદાવાદ હાઇકોર્ટમાં આવવા-જવા માટે અંદાજી ૭૦૦ કે ૮૦૦ કિ.મી.નું અંતર થાય છે અને વારંવાર વર્ષો સુધી મુદતો પડયા કરવાથી સામાન્‍ય અરજદારોને પણ કોર્ટના ધક્કા ખાવા પડે છે. વકીલોનું તેમજ આવવા જવા માટેનું મોટા પ્રમાણમાં ખર્ચ ભોગવવું પડે છે. આવી તકલીફો ભોગવનારા લોકો પણ ગુજરાતના નાગરીકો છે. તેઓની સુગમતા અને સવલતો માટે સૌરાષ્‍ટ્ર વિસ્‍તાર માટે રાજકોટ ખાતે હાઇકોર્ટની સગવડ મળે તે માટે ઘણા સમયથી માંગણી કરવામાં આવે છ.ગુજરાત વિધાનસભાની ર૦રરની ચુંટણી સમયે રાજકોટમાં વકીલોની બેઠકમાં સી.આર.પાટીલે ચુંટણી પછીના વિધાનસભાના બજેટ સત્રમાં આ અંગે જરૂરથી વિચારણા કરવામાં આવશે એવી વાત કરેલી હવે એ વાતની યાદ અપાવીને રાજકોટને હાઇકોર્ટ મળે તે માટે બજેટમાં જોગવાઇ થાય તે જરૂરી છે. સૌરાષ્‍ટ્રના દરેક જીલ્લાના બાર કાઉન્‍સીલના હોદેદારો તથા એડવોકેટોએ તેમજ રાજકીય આગેવાનોએ આ બાબતે લાજ કે શરમ રાખ્‍યા વગર રજુઆત કે માંગણી કરવી જોઇએ તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે.

(3:58 pm IST)