Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ર૬ વર્ષ પહેલા ખરીદેલી મશીનરી ઉપર બેંક લોન હોવાનું છુપાવી કરેલી ઠગાઇ બાદ વ્યાજ ચડાવી અઢી કરોડની માંગણી !

ખેરડીયા પિતા-પુત્ર અને યોગી તલાટીયા વિરૃધ્ધ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ધાક-ધમકીની ફરીયાદ

રાજકોટ, તા., ૨૮: રાજયભરમાં વ્યાજખોરો વિરૃધ્ધ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ર૬ વર્ષ પહેલા મશીન ખરીદીમાં થયેલી છેતરપીંડી અને તે સોદાના બાકી નાણા ઉપર તગડુ વ્યાજ ચડાવી અઢી કરોડની  રકમ બળજબરીથી પડાવવા આપવામાં આવી રહેલી ધાક ધમકી અંગે અભેસિંહ ખેરડીયા, તેના બે પુત્રો વિમલ ખેરડીયા, દિપક ખેરડીયા અને યોગરાજસિંહ તલાટીયા વિરૃધ્ધ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં લેખીત અરજી કરવામાં આવતા  તપાસ શરૃ કરવામાં આવી છે.

ભુતકાળમાં બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાકટર કિરીટસિંહ ભુપતસિંહ બારડ (રહે.વર્ષા એપાર્ટમેન્ટ, પંચવટી રોડ)  દ્વારા આ બાબતે વિસ્તૃત લેખીત ફરીયાદ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, ૧૯૯૭ની સાલમાં અભેસિંહ અરજણજી ખેરડીયા, વિમલ અભેસિંહ ખેરડીયા, દિપક અભેસિંહ ખેરડીયા સાથે પોકલેન્ડ મશીન (એકસીવેટર) મશીનની ખરીદી કરી હતી જેની અંદાજીત કિંમત રર લાખ હતી. આ પેટે  ૬ લાખ રૃપીયા રોકડા ચુકવ્યા બાદ બાકીના  દોઢ લાખ પણ ચુકવી આપ્યા હતા અને બાકીની રકમ દર મહિને પ૦ હજારના હપ્તા ચુકવવાનો વાયદો થયેલો. આ દરમિયાન વેચનાર ખેરડીયા પિતા-પુત્રોએ મશીનરી ઉપર બેંક લોન ચડત હોવાનું છુપાવ્યું હતું. જેને લઇને બેંકે મશીનરી અમારી પાસેથી સીઝ કરી હતી. આ સોદામાં અમે છેતરપીંડીનો ભોગ બન્યા હતા.  ત્યારથી બાકી રહેલા નાણા ઉપર તગડુ વ્યાજ ચડાવી અમારી પાસે બે કરોડ પ૯ લાખથી વધુ રકમની માંગણી થઇ રહી છે. અવાર નવાર રસ્તામાં રોકી ધમકી આપવામાં આવે છે  અને યોગરાજ વિજયસિંહ તલાટીયા જેને અમે ઓખળતા પણ નથી તેમના દ્વારા ફોન ઉપર ધમકી આપવામાં આવે છે. આરોપીઓ ઉંચી લાગવગ ધરાવતા ઝનુની લોકો હોવાથી અમે સતત ભય હેઠળ જીવીએ છીએ. આરોપીઓએ અમને વેચેલી મશીનરી ફાઇનાન્સ કંપનીએ સીઝ કરી લીધી હોવાથી અમારે કોઇ રકમ ચુકવવાની થતી નથી. આ મામલે યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવા કિરીટસિંહ ભુપતસિંહ બારડ દ્વારા માંગણી કરવામાં આવી છે.

(3:31 pm IST)