Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મોતના મલાજા સમાન શહેરમાં ઠેક ઠેકાણે ખાડાનું સામ્રાજ્ય : તાત્કાલિક ખાડા બુરાવોઃ મહેશ રાજપૂત

મનપાના ઇજનેર અને કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે યુવાનનું કરૃણ મોત : કોંગી નેતાનો આક્ષેપ : રૈયારોડ ન્યુએરા સ્કુલ, ભીસ્તીવાળ, થોરાળા, જી.આઈ.ડી.સી. વગેરે જેવી જગ્યાએ મસ-મોટા ખાડા છે, ક્યાય પણ બેરીકેડિંગ કરવામાં આવેલ નથી : મૃતક હર્ષ ઠક્કરને શ્રધ્ધાંજલિ પાઠવતુ પ્રદેશ કોંગ્રેસ

રાજકોટ, તા. ર૮ : બ્રીજના કામે ખોદવામાં આવેલ ખાડામાં રાજકોટના ૨૫ વર્ષીય યુવાન હર્ષ અશ્વિનભાઈ ઠક્કરનું રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેર અને કોન્ટ્રાકટરની ઘોરબેદરકારીના કારણે નિર્દોષ યુવાનનું ઘટના સ્થળ પર જ કરુણ મોતથયાના આક્ષેપો સાથે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપુતે તમામ જવાબદારો સામે મનુષ્યવધનો ગુન્હો નોંધી કાર્યવાહી કરવા અને પગલા લેવા માંગ કરી હતી. તેમજ ભોગ બનનારના પરિવારજનોને રાજકોટ મહાનગરપાલિકા અને જવાબદાર કોન્ટ્રાકટર બંને વળતર ચુકવે તેવી માંગ કરી હતી.

વધુમાં રાજપૂતે જણાવ્યું હતું, ખાડા નગરી રાજકોટ શહેરમાં રૈયા રોડ ઉપર ન્યુ એરા  શાળા ની સામે આખું બાળક સમાઈ જાય તેવા મસમોટા ખાડા કરવામાં આવેલ છે ત્યાં કોઈ જ બેરીકેડિંગ કરવામાં આવેલ નથી તેમજ ભીસ્તીવાળ, થોરાળા, જી.આઈ.ડી.સી. વગેરે જેવી જગ્યાએ મસ-મોટા ખાડા છે ક્યાય પણ બેરીકેડિંગ કરવામાં આવેલ નથી ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું નિંભર અને નકટુ તંત્ર હજુય કેટલા મોતની રાહ જુવે છે ? મહેશ રાજપુતે જણાવ્યું છે તેમજ સમગ્ર રાજકોટ શહેરમાં કોઈપણ જગ્યાએ જો ખાડા ખુલ્લા જોવા મળે તો મહેશભાઈ રાજપુતને તેઓના મોબાઈલ નં. ૯૮૨૪૪૦૮૦૦૪ ઉપર ફોટા, વોર્ડ નં. અને પૂરું એડ્રેસ જણાવવા અપીલ કરી છે.

(3:29 pm IST)