Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ગંજીવાડામાં લગ્નપ્રસંગમાં ડિસ્‍કો કરતી વખતે ઝઘડો થયા બાદ છરીઓ ઉડીઃ બે ભાઇને ઇજા

વિપુલ અને તેનો ભાઇ મહેશ સોલંકી સારવારમાં: વિપુલને સાગર બાવળીયા સાથે ચારેક વર્ષથી મનદુઃખ ચાલે છેઃ મિત્ર મયુરની બહેનના લગ્નમાં ભેગા થયા ને વાત વણસીઃ બંને સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૮: શહેરના ગંજીવાડામાં સાંજે લગ્નપ્રસંગમાં ડિસ્‍કો કરતી વખતે એક યુવાન સાથે જુના મનદુઃખને લીધે બીજા યુવાનને માથાકુટ થતાં લાફા મારી લીધા હતાં. બાદમાં વાત વણસી જતાં રાત્રીના ફરીથી આ યુવાન અને તેના ભાઇ પર છરીથી હુમલો કરવામાં આવતાં અને ઇંટોના ઘા થતાં બંનેને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ ગંજીવાડા-૬૨માં રહેતો અને કારખાનામાં કામ કરતો વિપુલ મહેશભાઇ સોલંકી (ઉ.વ.૨૫) સાંજે પોતાના મિત્ર મયુરભાઇની બહેનના લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્‍યાં બધા ડિસ્‍કો કરતાં હતાં ત્‍યારે વિપુલને જેની સાથે ચારેક વર્ષથી મનદુઃખ ચાલે છે તે સાગર બાવળીયા પણ ત્‍યાં હાજર હોઇ તેણે ડિસ્‍કો કરતી વખતે વિપુલ સાથે માથાકુટ કરી બે ત્રણ લાફા મારી લેતાં તે ડિસ્‍કો પડતો મુકી બહાર નીકળી ગયો હતો. એ પછી રાત્રીના બારેક વાગ્‍યે વિપુલ અને તેનો ભાઇ મહેશ અશોકભાઇ સોલંકી (ઉ.૩૧) ચોકમાં લાઇટ રિપેરીંગ કરતાં હતાં ત્‍યારે સાગર, વિશાલ, રણછોડ અને અજાણ્‍યાએ આવી પહોંચી છરીથી હુમલો કરતાં બંને ભાઇઓને માથામાં, હાથમાં ઇજાઓ થઇ હતી.

હુમલાખોરોએ ઇંટોના પણ આડેધડ ઘા કર્યાનું વિપુલે જણાવ્‍યું હતું. બંને ભાઇઓને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. વિપુલે વધુમાં કહ્યું હતું કે સાગર બાવળીયા મારા ભાઇ મહેશનો જુનો મિત્ર છે. મારી સાથે તેને ચારેક વર્ષથી મનદુઃખ ચાલે છે. લગ્નમાં ભેગા થઇ જતાં માથાકુટ વકરી હતી.

 

(11:34 am IST)