Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

તેરા કુછ સામાન, હમારે પાસ પડા હૈ... ગાલિબ

ગાલીબ યાદ આવે એટ્લે ગુલઝાર યાદ આવે જ. એમણે લખ્યું હતું, 'મેરા કુછ સામાન તુમ્હારે પાસ પાડા હૈ' અને આપણે આ ગાલિબને કહી શકીએ એમ છીએ-એની વિદાયના અઢી દાયકા પછી પણ, કે તેરા કુછ સામાન હમારે પાસ પડા હૈ. આમ તો આપકા.. એમ લખવું જોઈએ પણ સખા ભાવે એમને કહી શકાય કે તેરા કુછ સામાન....અને કયો સામાન? એમના જીવનકાળ દરમિયાન જ ૫-૫ વાર છપાયેલો એમનો દીવાન? એમની ગઝલો કે શેર? કે પછી ગઝલની ખુમારીથી ઘણીવાર વિપરીત લાગે એવા એમના પત્રો? ગુલઝારે એમના વિષે લખેલી કવિતા??ઙ્ગ

'હમ કો ગાલિબને યે દુઆ દી થી,

તુમ સલામત રહો હઝાર બરસ

ઙ્ગયે બરસ તો ફકત દીનો મે ગયા'

એવું લખનાર ગુલઝારે આપણને નસીરુદ્દીન શાહને લઈને મિર્ઝા ગાલિબ સિરિયલ પણ આપી. અને 'તેરા બયાં ગાલિબ' નામનું સુંદર આલ્બમ આપ્યું. એમાં ગાલિબના પત્રોનું પઠન સ્વયં ગુલઝારે કર્યું છે અને ગઝલો જગજીતસિંહે ગાઈ છે. ગાલિબનો આ સામાન આપણી પાસે છે.ઙ્ગ

૭૩ વર્ષ એમણે શ્વાસ લીધાં, આપણને ગાલિબના એ શ્વાસ જાણે એમના શેર દ્વારા હજી સાંભળીએ છીએ!! આગરાની ગુલામ હુસેનખાની હવેલીથી શરૂ થયેલી એમની એ સફર દિલ્હીમાં કાસિમજાન શેરીમાં વિરમી ત્યાં સુધી કેટકેટલા મુકામ પર થી પસાર થઈ? ડહાપણ અને સામાજિક પરિવેશના ચશ્મા પહેરીને જોઈએ તો વ્યકિત તરીકે એમની કેટલી ક્ષતિ નજરે પડે? કયારેક એમ થાય કે આવું તે કાઇ હોય? પણ હતું. આખી જિંદગી માણસે નોકરી કર્યા વગર કાઢી, જેને પાયાનું શિક્ષણ ગણીને જીવનનો માપદંડ આપણે માની લીધો છે એવું કઈ મિર્ઝા અસદુલ્લા બેગ ગાલિબે લીધું નહોતું. જ્ઞાનના પાઠ પઢવા નહોતા ગયા ને તો ય કેવી કેવી ગઝલ આપી!! એક એક શેર યાદ કરીએ તો શરીર પર ના રૂવાડાને કહેવું પડે કે બેસી જાઓ શાંતિ થી!!

ઙ્ગહઝારો ખ્વાહીશે ઐસી કે હર ખ્વાહિશ પે દમ નીકલે બહોત નીકલે મેરે અરમાં લેકિન ફિર ભી કમ નિકલે

ઙ્ગદિલ એ નાદાન તુજે હુઆ કયાં હૈ, આખિર ઇસ દર્દ કી દવા કયાં હૈ?ઙ્ગ

કાસીદ કે આતે આતે ખત એક ઔર લીખ રખુમૈ જાનતા હું જો વો લીખેંગે જવાબ મેં

આવા અનેક શેર ગાલિબના સર્જન થકી આ કાયનાતને મળ્યા છે.ઙ્ગ

કર્મ તો એણે જીંદગીભર ના કર્યું, અને ભકિત પણ નહીં. મૂળ અર્થ કે વ્યાખ્યા મુજબનું જ્ઞાન પણ નહીં!! એટ્લે કર્મયોગ,ભકિતયોગ અને જ્ઞાનયોગ વગર એમની સર્જન સફર ચાલી, પણ એણે સફર(સહન)ઘણું કર્યું.ઙ્ગ એમનું જીવન આમ તો વિષાદયોગ માથી પ્રગટેલો ગઝલયોગ જ હતો. ગાલિબની કઈ ગઝલ ગમે? જે સમજાય એ બધી ગમે એવો જવાબ દેવાનું મન થાય. કારણકે એમણે ફારસીમાં પણ અનેક ગઝલ લખી.

ગાલિબે આવા અનેક ચમત્કાર કર્યા છે. પણ એક રચના ઓછી જાણીતી છતા કવિતાના ઘણા ઊંચા શિખરે છે. એ રચનાનું નામ છે 'ચરાગ એ દૈર'- મંદિરનો દીવો. દિલ્હીથી કલકત્તા જવાની યાત્રામાં એ અનેક વાર બીમાર પડ્યા અને ઘણી જગ્યાએ મહિનાઓ,દિવસોનું રોકાણ થયું. લખનૌ પણ રોકાયા અને અલ્લાહબાદ ન ફાવ્યું. બનારસ બહુ ગમી ગયું. અને ત્યાં ૧૦૮ શેરની આ ફારસી કવિતા રચાઇ. ગાલિબે બનારસને હિંદુઓનું કાબા કહ્યું. આપણી ધર્મનગરીને મહાદેવની ભૂમિને લાડ કર્યા છે. માળાના ૧૦૮ મણકા હોય એ સંદર્ભથી આ ચરાગ એ દૈર ના ૧૦૮ શેર છે અને કહેવત છે ને, સુરતનું જમણ,કાશીનું મરણ...ગાલિબ લખે છે,

ઙ્ગજો ઇન્સા જાન દે ઇસ ગુલિસ્તાં મે,ઙ્ગ દુબારા વો આતા નહીં જહાઁ મેં

ખીઝા આયે તો બનઙ્ગ જાતિ હૈ ચંદન,ઙ્ગ બહારે થામતિ હૈ ઇસ ક દામન'

ભરપૂર લખ્યું, જીવ્યા શાન અને શૌકત થી. દિલ્હીની દેખાવડી વ્યકિતઓમાં એમનું સ્થાન હતું. ઓલ્ડટામ, કોસ્ટેલન દારૂની એમની પસંદીદા બ્રાન્ડ હતી. અને એ દારૂમાં ગુલાબજળ મિલાવીને પીતા. પાનનું વ્યસન નહોતું,હુક્કો પીતા. શતરંજ,ચોપાટ,પતંગબાજી એમના શોખ હતા. પણ પત્ની ઉમરાવ બેગમ એમનાથી અપેક્ષિત સુખ કયારે ય ન પામ્યા. ૭-૭ સંતાનના અવસાન જેમણે જોયા હોય એ જ લખે ને

દિલ હી તો હૈ ન સંગો ખીશ્ત દર્દ સે ભર ન આયે કયૂ,ઙ્ગ રોયેંગે હમ હઝાર બાર, કોઈ હમે સતાએ કયૂ

એક તરફ ગઝલગઢનું રજવાડું, સામે સરકારી પેન્શન મેળવવા માટે રઝળપાટ.પ્રખ્યાત થતાં ગયા, અંગત જીવનની ખુશી મળી નહીં. દિલ્હીની ફારસી કોલેજમાં નોકરી મળી, કોલેજના સેક્રેટરી દરવાજે સ્વાગત કરવા ન આવ્યા તો ગાલિબ પરત ફરી ગયા-'નથી કરવી નોકરી'. બે વાર તો જુગાર રમાડવાના આરોપ એસઆર જેલ થઈ. જીંદગીભર ભાડાના મકાનમાં રહ્યા!! પોતે આટલું લખ્યું, પણ જીંદગીભર પુસ્તક ખરીધ્યું નહીં, એ પણ ભાડે લઈને વાંચતાં. સ્વજનો-સંતાનો,સંતાન સમાન ભત્રીજા-ભાણેજોના મૃત્યુના આઘાત સહન કર્યા.ઙ્ગ

ગાલિબની અનેક વાતો એવી જે આપણને જચે નહીં, પણ તો ય ગાલિબ ગમે. ૮-૯ વર્ષ પહેલા રાજકોટ આવેલા લેખક-પત્રકાર સૌરભ શાહની સાથે દિવ્યભાસ્કરના ત્યારના તંત્રી કાના બાંટવા, પત્રકાર-પ્રકાશક નરેશ શાહ અને હું(જવલંત) રેસકોર્સની સામે આઇસ્ક્રીમ ખાવા-શેક પીવા બેઠા હતા. સૌરભભાઈએ ત્યારે ગાલિબના સંદર્ભમાં એક વાત કરી હતી, કે જે વ્યકિતને આપણે ચાહી એમની એબ પણ આપણને ગમે.હા, આટલી મર્યાદા છતા ગાલિબ તો ગાલિબ જ રહે. એની સ્મૃતિઓનો આ સામાન આપણી પાસે સંચવાયેલો છે. ગાલિબના શેરને ગુજરાતીમાં વાંચવા અને સમજવા હોય તો ગાલિબ પ્રેમી કિશન મહેશ્વરી અને નીરજ વ્યાસે એક સુંદર પુસ્તક ગાલિબ જીવન અને કવન પણ આપ્યું છે. ગાલિબ વિષે વાંચીએ તો એમ થાય કે એમનું જીવન પણ એક રસપ્રદ વાર્તા, રોમાંચક નાટક,મીટર વાળી ગઝલ હતું.....ગઝલ –જેના દરેક શેરનો અલગ અર્થ,અલગ સંદર્ભ ને છતા એ એક. ગાલિબનું જીવન પણ અનેક ઉતાર ચડાવ,અનેક રંગ થી ભરપૂર. ને છતા એક.......એટ્લે તો એ કહી શકયા,

બાઝીચા એ અતફાલ હૈ,દુનિયા મેરે આગે,હોતા હૈ શબો રોઝ તમાશા મેરે આગે

 આલેખન

જ્વલંત છાયા

(સોશ્યલ મિડીયામાં પ્રસિધ્ધ

થયેલ હેવાલ સાભાર)

(11:39 am IST)