Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

રાજકોટમાં અખબારો - દૂધની સાથે મતદાનનો સંદેશ

મતદાર જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્રનું આયોજન : મતદાનની અપીલ કરતી કોલર ટયુન વગાડાશે

રાજકોટ તા. ૨૬ : ચૂંટણી એ લોકશાહીનો અવસર છે અને મતદાન એ દરેક નાગરિકનો અધિકાર છે. નાગરિકો ચૂંટણી ‘અવસર'માં મતદાન કરે તે માટે ચૂંટણીતંત્ર દ્વારા જાગૃતિ પ્રયાસો ચાલી રહ્યા છે. રાજયના ઈન્‍ક્‍લુઝન અને એક્‍સેસિબિલિટીના સ્‍પેશિયલ ઓબ્‍ઝર્વરશ્રી અક્ષય રાઉતની અધ્‍યક્ષતામાં, મુખ્‍ય ચૂંટણી અધિકારીશ્રી પી. ભારતીની ઉપસ્‍થિતિમાં આજે રાજયમાં ચાલતી SVEEP (સિસ્‍ટમેટિક વોટર્સ એજયુકેશન એન્‍ડ ઈલેક્‍ટોરલ પાર્ટિસિપેશન) પ્રવૃત્તિઓ અંગે વીડિયો કોન્‍ફરન્‍સ યોજવામાં આવી હતી.

જેમાં રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લામાં ચાલતી SVEEP પ્રવૃત્તિ અંગે વિસ્‍તૃત વિગતો રજૂ કરી હતી કે, મતદારોને જાગૃત કરવા ‘અવસર રથ'ના માધ્‍યમથી પ્રયાસો કરવામાં આવ્‍યા છે. જયાં મતદાન ઓછું છે તેવા વિસ્‍તારોમાં લોકોમાં જાગૃતિ આવે અને લોકો મતદાન માટે પ્રેરિત થાય તે માટે વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદાન માટે પ્રેરિત કરતા જાગૃતિ સંદેશાના પેમ્‍ફલેટ છપાવીને અખબારોના માધ્‍યમથી ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે.

રાજકોટ ડેરી અને દૂધ વિતરકો સાથે મળીને દૂધની સાથે ઘરે ઘરે મતદાન જાગૃતિના પેમ્‍ફલેટ પણ પહોંચાડવા આવશે. પોસ્‍ટ વિભાગના સહયોગથી પોસ્‍ટલ કવર પર ‘અચૂક કરો મતદાન' એવા સંદેશ સાથે સ્‍ટીકર લગાવીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત મહિલાઓને મતદાન માટે જાગૃત કરવા ગેસ સિલિન્‍ડર પર મતદાન જાગૃતિ સ્‍ટીકર લગાવવામાં આવ્‍યા છે.

બુઝુર્ગ મતદારોનું મતદાન વધારવા દરેક વૃદ્ધાશ્રમનો સંપર્ક કરાઈ રહ્યો છે. થર્ડ જેન્‍ડર નાગરિકોને પણ જાગૃતિ અભિયાનમાં જોડવામાં આવ્‍યા છે અને તેઓ મતદાન માટે પ્રેરિત કરતા વીડિયો સંદેશના જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. આ વીડિયો કોન્‍ફરન્‍સમાં અધિક ચૂંટણી અધિકારીશ્રી એસ. જે. ખાચર, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એસ. કૈલા, ચૂંટણી શાખાનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

(10:51 am IST)