Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ભૂપત સામે વધુ ૧ કરોડની છેતરપીંડીની ફરિયાદ

મુળ રાજકોટના હાલ મોરબી રહેતાં રમેશભાઇ વિરસોડીયાના અલ્કા પાર્કના ૧ાા કરોડના મકાનને ૧ કરોડ ૮૫ લાખમાં ખરીદી ૮૫ લાખ આપી દસ્તાવેજ કરાવી બાકીના ૧ કરોડ ન ચુકવ્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૭: પોલીસે વ્યાજખોરી, બળજબરીથી પડાવી લેવું, ધાકધમકી સહિતના ગુનાઓમાં ભૂપત વિરમભાઇ બાબૂતર વિરૂધ્ધ શરૂ કરેલી ઝુંબેશમાં વધુ એક ફરિયાદ સામે આવી છે. મોરબી લીલાપર રોડ પર આઇકોન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૩માં રહેતાં રમેશભાઇ ભગવાનજીભાઇ વિરસોડીયા (પટેલ)એ ક્રાઇમ બ્રાંચમાં લેખિત ફરિયાદ આરજી આપી પોતાની સાથે મકાનના સોદામાં ૧ કરોડની છેતરપીંડી થયાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.

રમેશભાઇ વિરસોડીયાએ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે હું હાલ નિવૃત જીવન ગાળુ છું. વર્ષ ૨૦૧૫માં અમે અલ્કા પાર્કમાં મારું મકાન હતું ત્યાં રહેતાં હતાં. તે વખતે હું કુવાડવા રોડ પર ગુરૂદેવ એન્ટરપ્રાઇઝ નામે ફાયનાન્સનું કામ કરતો હતો. ત્યારે મારી ઓળખાણ ભૂપત બાબૂતર સાથે થઇ હતી અને મિત્રતા બંધાઇ હતી. ૨૦૧૨માં મેં જમીન, મકાન અને પ્લોટની ખરીદી કરી હોઇ નુકસાની થતાં મારા પર ૩૦ કરોડનું દેણું થઇ ગયું હતું. મારે રૂપિયાની જરૂર હોઇ ભૂપતને વાત કરતાં તે તેના મિત્ર પાસે લઇ જતાં મિત્રએ રૂ. ૮૦ લાખ બે ટકા વ્યાજે મને આપ્યા હતાં. જેનું સાડા ત્રણ વર્ષ વ્યાજ ચુકવ્યું હતું. તે વખતે દોઢસો ફુટ રીંગ રોડ પર કુલ પંચ પ્લોટ હોઇ તેના ૮૦ લાખ થતાં હોઇ તેના દસ્તાવેજ મેં કરી આપી હિસાબ કલીયર કર્યો હતો.

એ પછી ૨૦૧૫માં વધુ દેણું હોઇ હું મોરબી રહેવા જતો રહ્યો હતો. અલ્કા પાર્કના મારા મકાનની કિંમત ત્યારે ૧ાા કરોડ હતી. તે વેંચવાનું છે તેવી જાણ ભૂપતને થતાં તેણે મને બોલાવેલ. હું, મારા ભત્રીજા, સાળા સહિતના તેની પાસે જતાં ભૂપતે મકાન પોતે ખરીદવા ઇચ્છે છે તેમ કહી ૧ાા કરોડની બજાર કિંમત હોઇ છતાં તેણે ૧ કરોડ ૮૫ લાખમાં સંભાળી સોદો નક્કી કરી રૂ. ૩ લાખ સુંથીના આપ્યા હતાં. ત્યારે મકાન પર ૫૦ લાખની લોન હતી. જે ભૂપતે ભરી હતી. બાકીના ૩૨ લાખ મને રોકડા આપ્યા હતાં. આમ કુલ ૮૫ લાખ મને આપતાં મેં દસ્તાવેજ કરી આપેલો. જે ભૂપતના કોઇ માણસના નામે કરાયો હતો.

એ પછી મારે ભૂપત પાસેથી ૧ કરોડ લેવાના હતાં પણ તેણે આપ્યા નહોતાં. મેં અન્ય લોકો પાસેથી અલગ-અલગ રકમ મળી ૯૪ લાખ લીધા હતાં. આ રકમ ભૂપતે પોતે ચુકવી દીધા છે તેવું મને કહી દીધું હતુ઼. પરંતુ બાદમાં મેં તપાસ કરતાં મારે જેને રકમ ચુકવવાની હતી તે કોઇને ભૂપતે રકમ ચુકવી જ નહિ હોવાનું જાણવા મળ્યું હતું. આમ મારા મકાનનો દસ્તાવેજ કરાવી લઇ એક કરોડ મને નહિ આપી છેતરપીંડી કરી હતી.

ઉપરોકત લેખિત ફરિયાદ રમેશભાઇએ આપતાં ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.

ભૂપતનો એસ.ડી.એસ. ટેસ્ટ કરાવવા કાર્યવાહી

. પેડક રોડ પર રહેતાં હોટેલ સંચાલક ધવલ ભરતભાઇ મિરાણીએ નોંધાવેલી ફરિયાદ અંતર્ગત ભૂપત બાબૂતર સહિતના વિરૂધ્ધ આઇપીસી ૩૨૩, ૩૮૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ દાખલ થયેલા ગુનામાં ભૂપતની ધરપકડ અગાઉ થઇ ચુકી છે અને હાલ તે જેલહવાલે છે. ૭૦ લાખ બળજબરીથી કઢાવી લીધાના આ ગુનામાં વિશેષ પુરાવાઓ પણ મેળવામાં છે. ભૂપતે રૂપિયા કયાં કોને આપ્યા? કોણ કોણ સામેલ છે? સહિતની તપાસ કરવાની હોઇ રિમાન્ડ ના મંજુર થયા હોવાથી હાઇકોર્ટમાં રિવીઝન કરવામાં આવી છે. વિશેષ પુરાવા એકઠા કરવા માટે હવે એસ. ડી. એસ. (સસ્પેકટ ડિટેકશન સિસ્ટમ) ટેસ્ટ કરાવવામાં આવશે.

આરોપીઓ દ્વારા વાર્ષિક કેટલો ઇન્કમટેકસ ભરવામાં આવ્યો તેના બેંક એકાઉન્ટની માહિતી ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ ખોતેથી મેળવવા તજવીજ કરવામાં આવી રહી છે. બાકી રહેલી મિલ્કતો બાબતે પણ માહિતી મેળવવામાં આવશે. ભાગતા ફરતા આરોપીઓ પાસપોર્ટ ધરાવે છે કે કેમ? તે બાબતે અમદાવાદ પાસપોર્ટ ઓફિસ ખાતેથી માહિતી મેળવાશે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રાવલની સુચનાથી એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા વધુ તપાસ કરે છે.

(3:34 pm IST)