Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રાજકોટ જિલ્લાની ૬૦થી વધુ ગૌશાળાના સંચાલકો ગાયો સાથે કલેકટર કચેરીએ ઉમટી પડયા : પોલીસનો સઘન બંદોબસ્‍ત

કલેકટરને આવેદન : પોલીસે દરવાજા બંધ કરી દિધા : અર્ધો કલાક દેખાવો - રામધૂન બોલાવી

ગાયો સાથે ગૌશાળાના સંચાલકો ધસી આવ્‍યા : રાજય સરકારે ગૌશાળાના નિભાવ માટે પ૦૦ કરોડની સહાયની જોગવાઇ કરવા છતાં એક પણ ગૌશાળાને નાણા નહિ આપતા રોષે ભરાયેલા રાજકોટ જીલ્લાના ગૌશાળાના સંચાલકો ગાયો સાથે રાજકોટ કલેકટર કચેરીએ દોડી આવ્‍યા હતા, અને કચેરીમાં ગાયો છૂટી મૂકી દેવાની યોજના બનાવી હતી, પરંતુ તસ્‍વીરમાં દેખાય છે તેમ પોલીસે જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવતા આ  કારી ફાવી ન હતી, દરવાજા બંધ કરી દેવાયેલ, પરીણામે સંચાલકોએ દેખાવો યોજયા હતા, રામધૂન બોલાવી હતી. તસ્‍વીરમાં ગાયો સાથે ઉમટી પડેલ ગૌશાળાના સંચાલકો નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨૬ : રાજ્‍ય સરકારે ગૌમાતા પોષણ યોજનામાં ૫૦૦ કરોડની સહાયની જોગવાઇ કરવા છતાં આજ સુધી નહિ ચૂકવતા આખરે આજે રાજકોટ જિલ્લાની ૬૦ થી ૭૦ જેટલી ગૌશાળાના ૪૦ થી ૫૦ સંચાલકો નાની મેટાડોર - ટ્રકમાં ગાયો લઇ કલેકટર કચેરીએ સવારે ૧૧ વાગ્‍યાની આસપાસ પહોંચતા ભારે ધમાલ થઇ હતી, આ લોકો ગાયોને અંદર કચેરીમાં ઘુસાડવાની પેરવી કરનાર હોવાની વિગતો બહાર આવી જતા રાજકોટ પોલીસે કલેકટર કચેરીની પાછળની બાજુએ સઘન બંદોબસ્‍ત ગોઠવી દરવાજા બંધ કરી દીધા હતા.
આવી પહોંચેલા ગૌશાળાના સંચાલકો અને પોલીસ વચ્‍ચે શાબ્‍દિક ટપાટપી થઇ હતી. આ પછી ૨૦ થી ૨૫ મીનીટ સંચાલકોએ દેખાવો - ઉગ્ર સૂત્રોચ્‍ચાર કરી રામધુન બોલાવી હતી, વાતાવરણ તંગ બની ગયું હતું, સંચાલકોએ એવો દાવો કરેલ અમે ૮ થી ૧૦ ટ્રકમાં ગાયો લાવ્‍યા છીએ, સામે પોલીસે જણાવેલ કે, નાની મેટાડોર જેવી ગાડીમાં ૨ થી ૩ ગાયો હતી, પોલીસે આવેદન માટે અંદર નહિ જવા દેતા આખરે ૪ થી ૫ લોકોએ ગ્રાઉન્‍ડ ફલોરમાં આવેદન આપી રવાના થયા હતા.
આવેદનમાં જણાવેલ કે, ગુજરાત રાજ્‍યની તમામ ગૌશાળા, પાંજરાપોળ સંચાલકો, ગૌ ભકતો, સંતોની વિનંતી બાદ સરકાર તરફથી ગૌમાતા પોષણ યોજનામાં રૂા. ૫૦૦ કરોડની સહાયની જોગવાઇ કરવા છતાં આજ દિન સુધી કોઇ અમલ કરવામાં આવ્‍યો નથી. ગુજરાતની તમામ ગૌશાળા, પાંજરાપોળની હાલત ઘણી જ દયનીય છે. સંસ્‍થામાં ગૌ વંશનો નિભાવ ઘણો જ મુશ્‍કેલ છે. ના છુટકે ગૌ વંશ સરકારના હવાલે કરવાની ફરજ પડશે. તો આપને વિનંતી કે સરકાર તરફથી યોજનાની અમલવારી તાત્‍કાલિક કરવામાં આવે.

 

(3:05 pm IST)