Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ગ્લોબલ સાયકલિંગ સિટીઝ કેમ્પેઇનમાં રાજકોટ જોડાયુ

વિશ્વના ૨૫૦ શહેરોમાં ૨.૫ કરોડ લોકોને સેઇફ સાયકલીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ બનાવવાની નેમ

રાજકોટ તા. ૨૭ : ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રાન્સપોર્ટ એન્ડ ડેવલોપમેન્ટ પોલિસી (આઈ.ટી.ડી.પી.), ન્યુયોર્ક દ્વારા 'ગ્લોબલ સાઈકલિંગ સિટીઝ કેમ્પેઈન'નાં ૨૫ લાઈટહાઉસ સિટીઝમાં રાજકોટને પણ આમંત્રણ આપવામાં આવેલ છે. સને-૨૦૨૫ સુધીમાં ૨.૫ કરોડ લોકોને સેઈફ સાઈકલિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ બનાવવાનાં લક્ષ્યાંક સાથે આ પ્રથમ ૨૫ લાઈટહાઉસ સિટીઝ  (દિશાદર્શક અને માર્ગદર્શક શહેરો) વિશ્વભરના કુલ ૨૫૦ શહેરોને આ મેગા અભિયાનમાં જોડવા માટે પ્રેરિત કરે તેવું આયોજન કરવામાં આવેલ છે. આઈ.ટી.ડી.પી. દ્વારા 'વર્લ્ડ બાઈસિકલ ડે' તા.૩જી જુન, ૨૦૨૧ના રોજ 'ગ્લોબલ સાઈકલિંગ સિટીઝ કેમ્પેઈન' વર્ચ્યુંઅલી લોન્ચ કરવામાં આવેલ. આગામી નવેમ્બર માસમાં યોજાનાર ગ્લોબલ કલાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં આ કેમ્પેઈન સત્તાવારરીતે લોન્ચ કરવામાં આવશે, તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય બનશે કે, ભારત સરકારશ્રી દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ ચલાવાયેલા અભિયાન 'ઇન્ડિયા સાઈકલ ફોર ચેન્જ કેમ્પેઈન' હેઠળ રાજકોટ શહેરે ભારતના ૧૧ શહેરોમાં સ્થાન મેળવ્યું હતું. ઉપરાંત રૂ. ૧ કરોડનો પુરસ્કાર પણ મળ્યો હતો. સાઈકલિંગ ક્ષેત્રે અન્ય શહેરોને પ્રેરણા આપી શકે તેવા રાજકોટના ઉત્સાહને નજર સમક્ષ રાખી આઈ.ટી.ડી.પી.નાં નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલા આ વૈશ્વિક અભિયાનમાં ૨૫ લાઈટહાઉસ શહેરોની પસંદગી કરવામાં આવી રહી છે જેમાં લોકોને સેઈફ સાઈકલિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ બનાવી વિશ્વના અન્ય શહેરોને પણ આ માટે પ્રેરિત કરવામાં આવશે. ૨૫ લાઈટહાઉસ શહેરોને આઈ.ટી.ડી.પી. મારફત ટેકનિકલ સહયોગ પ્રાપ્ત થશે.

આઈટી.ડી.પી. દ્વારા 'ગ્લોબલ સાઈકલિંગ સિટીઝ કેમ્પેઈન' હેઠળ કુલ ૨૫૦ શહેરોને સેઈફ સાઈકલિંગ ક્ષેત્રે ચેમ્પિયન સિટી તરીકે તૈયાર કરવાની સાથે સને-૨૦૫૦ સુધીમાં ૪૦૦ મિલિયન ટન જેટલો કાર્બન વાતાવરણમાં ભળતો અટકાવવાનો ધ્યેય રહેલો છે. વિશ્વભરના આ ૨૫૦ શહેરો અન્ય શહેરો માટે દિશાદર્શક બની રહેશે.

(3:46 pm IST)