Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

આત્મવિશ્વાસ હોય તો આકાંક્ષાઓ ફળે : આદિત્ય

'અકિલા'ના જયોતિષ કોલમના લેખક કુમારભાઇ ગાંધીના પુત્રની સી.એ.માં ઝળહળતી સિધ્ધી

રાજકોટ તા. ૨૭ : સી.એ.ના પરિણામો જાહેર થતા ઝળહળતી સિધ્ધી હાંસલ કરનાર આદીત્ય ગાંધીએ 'અકિલા' સાથે પોતાની ખુશી શેર કરતા જણાવ્યુ છે કે 'અકિલા' મારા માટે પોતીકુ છે. કેમ કે મારા પપ્પા કુમારભાઇ ગાંધી 'અકિલા' ની જયોતિષ કોલમ વર્ષોથી લખતા હોય તેમના મેટર લેવા દેવા જવા માટે અવાર નવાર 'અકિલા'એ જવું પડતુ. પરંતુ આજે સી.એ.ની ડીગ્રી હાંસલ કરતા આશીર્વાદ લેવા માટે 'અકિલા'એ જવાની ઘડી મારા માટે અનહદ ખુશી આપનારી હતી. 'અકિલા'ના મોભી શ્રી કિરીટકાકા, શ્રી અજીતકાકા અને શ્રી નિમિષભાઇના મેં આશીર્વાદ મેળવ્યા હતા.સી.એ.ના પરિણામો જાહેર થતા સારા માર્કસ સાથે રાજકોટના આદિત્ય ગાંધીએ સી.એ.ની ડીગ્રી હાંસલ કરી છે. આદિત્યએ બેન્કની નોકરી કરતા કરતા સી.એ. થવાનો નિરધાર કર્યો હતો. સી.એ. થવુ એ તેનો લક્ષ્ય હતો. મનની ઇચ્છા પૂર્ણ કરવા મન બનાવ્યુ. ખુબ ચિવટપૂર્વક તૈયારીઓ શરૂ કરી અને જુલાઇ ૨૦૨૧ માં પરીક્ષા આપી હતી. તે કહે છે કે સફળતા માટે લક્ષ્ય નકિક કરો અને તેના માટે મંડી પડો. આત્મવિશ્વાસ હોય તો આકાંક્ષાઓ અચુક ફળે છે. સોશ્યલ મીડિયાનો ઉપયોગ સમજદારી સાથે કરવો જોઇએ. શકય હોય તો પરીક્ષાના નજીકના દિવસોમાં તો આ બધુ સદંતર બંધ કરી દેવુ જોઇએ.

તે કહે છે કે માં સરસ્વતીને હું રોજ પ્રાર્થના કરતો. સી.એ.નું પરિણામ આવતા અને ધાર્યા માર્કસ મળતા હું ખુબ ખુશ છુ. મારા માતા પિતાના આશિર્વાદ અને ભાઇ બહેનોની શુભેચ્છાથી હું મારી કારકીર્દીની કેડી કંડારી શકયો છુ. તેમ આદિત્ય ગાંધીએ જણાવ્યુ હતુ. તેની આ સીધ્ધી બદલ ઠેરઠેરથી મો.૯૬૨૪૮ ૪૩૦૪૩ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(3:45 pm IST)