Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

થાપણદારોના હિતના આવરણ હેઠળ સહકારી બેંકોની સ્વાયતતા હણી લેતો બેંકિંગ સુધારો એટલે કીડનીમાંથી પથરી કાઢવાને બદલે કીડની કાઢી લેવા સમાન

બેંકીંગ નિયમન સુધારા અધિનીયમ શહેરી સહકારી બેંકો માટે ૨૯મી જુનથી અમલમાં, જ્યારે ડિસ્ટ્રીકટ અને રાજ્ય સહકારી બેંકો માટે થોભો અને રાહ જોવાની બેધારી નિતી : બેંકિંગ ધારા મુજબ સહકારી બેંકોમાં ઓછામાં ઓછા પ૦% ડિરેકટર પ્રોફેશ્નલ લાયકાત - અનુભવ ધરાવતા હોવા જોઇએ તેમજ સહકારી કાયદા મુજબ બે મહિલા અને એક એસટી. એસ.સી. ડિરેકટર્સ હોવા જોઇએ : બેંક બંને ધારાનો અમલ કરે : તો જે બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની સંખ્યા સાત કે તેથી ઓછી હોય તે બેંકમાં ૧૦૦% સીટ અનામત થઇ જશે: થાપણદારોના હીતના આવરણ હેઠળ સહકારી બેંકોની સ્વાયતતા હણી લેતો બેંકિંગ સુધારો એટલે કીડનીમાંથી પથરી કાઢવાને બદલે કીડની કાઢી લેવા સમાન

ભારતમાં સહકારી બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો અને ખાનગી બેંકો કાર્યરત છે. પરંતુ ત્રણેય બેંકોનો વહીવટ અને વિચારધારા અલગ–અલગ છે. સહકારી બેંકની વિચારધારા સમાજવાદી, ખાનગી બેંકોની વિચારધારા મુડીવાદી છે. જયારે રાષ્ટ્રીયકૃત બેંકોની વિચારધારા સામ્યવાદી પ્રકારની છે.

બેંકોની અરસ–પરસ તુલના કરીએ તો રાષ્ટ્રીયકૃત બેંકોમાં સરકારની મુડી હોય, રાષ્ટ્રીયકૃત બેંકોના બોર્ડ ઓફ ડિરેકટર્સ સરકાર નિર્મિત હોય છે. જયારે ખાનગી બેંકોની મુડી મુડીપતીઓની હોય તેમનું સંચાલન સૌથી વધુ શેર ધરાવતા મુડીપતીઓ થકી કરવામાં આવે છે, કારણ કે ખાનગી બેંકોની ચુટણીમાં વોટીંગ રાઇટ મુડી આધારીત હોય છે. જયારે કો–ઓપરેટીવ બેંકનો વહીવટ ઘણાબધા શખ્સો/વ્યકિતઓ મળીને મંડળી રચીને કરે છે કે જેઓ મંડળીના શેરધારકો હોય છે સહકારી બેંકોમાં શેર સભ્યોનો હિસ્સો ગમે તેટલી રકમનો હોય પરંતુ તેમનો વોટીંગ રાઇટ શેર હિસ્સાના બદલે માથાદિઠ હોય છે. તે નોંધનીય બાબત છે.

સહકારી બેંકોનું અલગ અસ્તિત્વ :

બેંકીંગ રેગ્યુલેશન એકટમાં સહકારી બેંકો માટે કલમ–પ૬ અલાયદી હતી કારણ કે સહકારી બેંકો ખાનગી અને રાષ્ટ્રીયકૃત બેંકો કરતા અલગ મોભો અને વિચારધારા ધરાવે છે. ખાનગી બેંકોનુ સંચાલન મુડીપતીઓ કરતા હોય તેમનો અંતિમ ઉદે્શ માત્રને માત્ર નફાખોરી કરવાનો હોય છે, જયારે કો–ઓપરેટીવ બેંકો સામાજીક જવાબદારી નિભાવવાને પ્રાધાન્ય આપે છે.

સહકારી બેંકોના સો વરસના ઇતિહાસમાં જુજ/ગણીગાઠી સહકારી બેંકોનો ગેર વહિવટ :

સહકારી બેંકના સો વર્ષના ઇતીહાસમાં જુજ/ગણીગાંઠી  બેંકોના ગેરવહીવટના કારણો ધરી થાપણદારોના હિતના શબ્દને આગળ ધરીને બેંકીંગ રેગ્યુલેશન એકટ સુધારવાને બદલે આવી ગણીગાંઠ કો–ઓપરેટીવ બેંકના મેનેજમેન્ટ ઉપર લગામ લગાવીને નિયમનકારી ધોરણોને સક્ષમ કરવા જોઇતા હતા. જેમ કે કીડનીમાંથી પથરી કાઢવાના બદલે કીડની કાઢી નાખવાનો નિર્ણય કરવો વ્યવહારૂ નથી તે જ રીતે પગમાં કાંટો લાગે તો રસ્તાને ચામડે થી મઢવા કરતા પગમાં પગરખા પહેરવા જોઇતા હતા.

અગાઉ પણ સહકારી બેંકો આર.બી.આઇ. ના નિયમન હેઠળ જ હતી :

સદર સુધારા વિધેયક જોઇએ તો અમુક જોગવાઇઓ બાદ કરતા મોટા ભાગની જોગવાઇઓ સહકારી બેંકોને લાગુ પડતા બી.આર.એકટ હેઠળ અમલમાં છે જ, બી.આર. એકટ હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સહકારી બેંકોનું સુપરવિઝન અને નિયમન કરે જ છે પરંતુ આ સુધારા બાદ રિઝર્વ બેંકને સહકારી બેંકના બોર્ડને સુપરસીડ કરવા, વહિવટદાર નિમવા, ખાસ ઓડિટર નિમવા, ધિરાણને રેગ્યુલેટ કરવા, પૂર્ણના કાલીન/સમયકાલીન ચેરમેન નિમવા, મેનેજીંગ ડિરેકટર નિમવા તેમજ બોર્ડ ઓફ ડિરેકટર્સની નિમણુંક કરવા માટે વિશેષ સત્ત્।ાઓ મળશે તેવી જોગવાઇઓ કરવામાં આવેલ છે.

સુપરસીડ કરવાની સત્તા :

બેંકીંગ રેગ્યુલેશન એકટમાંસને ર૦૦૪ માં સુધારો થયેલ તે અનુસાર મલ્ટિસ્ટેટ કો–ઓપરેટિવ બેંકોને સુપરસીડ કરી શકાશે તેવા પ્રાવધાનો દાખલ કરવામાં આવેલ પરંતુ તે માત્ર મલ્ટી સ્ટેટ કો–ઓપરેટીવ બેંકો માટે હતા તેનો વ્યાપ વધારીને તમામ સહકારી બેંક સુધી લઇ જવામાં આવેલ હોવાથી કોઇપણ સહકારી બેકોને સુપરસીડ કરવાનો હુકમ આર.બી. આઇ. કરી શકશે.

રિઝર્વ બેંક હુકમથી નિયત કરે તે સમય અથવા પાંચ વર્ષ બે પૈકી છે ઓછો સમય હોય તેટલા સમય માટે સહકારી બેંકને સુપરસીડ કરી શકાશે. બેંકને સુપરસીડ કર્યા બાદ બેંકનો વહિવટ રિઝર્વ બેંકે નિમેલ વહિવટદાર કરી શકશે. સુપરસેશનની તારીખથી ચેરમેન, મેનેજીંગ ડિરેકટર સહિત તમામ ડિરેકટર્સની ઓફિસ ખાલી કરાવી શકશે.

રીઝર્વ બેંકને વહિવટદાર નિમવાની સત્તા :

બેંકોને લગત હાલ અમલમાં હોય તેવા કોઇપણ કાનુન હેઠળની તમામ સત્તાઓ, કામગીરીઓ અને ફરજો વહિવટદાર દ્વારા બજાવી શકશે. બોર્ડની પુનઃ રચના ન થાય ત્યા સુધી બેંકની સામાન્ય સભામા ઠરાવો વહિવટદાર પસાર કરી શકશે. વહિવટદાર તેની ફરજો અદા કરવાની મદદ કરવા માટે રિઝર્ર્વ બેંક કાનુન, ધિરાણ, બેકિંગ, પ્રસાશન અથવા નામુ હિસાબોની બાબતના અનુભવ ધરાવતી હોય તેવી ત્રણ કે વધુ વ્યકિતઓની સમિતીની રચના કરી વહિવટદારને વહિવટ કરવામાં મદદરૂપ થશે.

રિઝર્ર્વ બેંક દ્વારા નિર્ધારીત કરવામાં આવે તેવા સમયે અને સ્થળે સમિતીની બેઠક મળશે તેમજ રિઝર્વ બેંક દ્વારા નકિક કરવામાં આવે તેવી કાર્યવાહિ કરી નિયમોનું પાલન કરશે. સુપરસેશનની મુદત પુરી થાય તે પહેલા વહિવટદાર નવા બોર્ડ ઓફ ડિરેકટર્સની ચુટણી કરવા માટે બેંકની સામાન્ય સભા બોલાવશે. કોઇપણ કાનુનમાં કે કોન્ટ્રાકટમાં કે પેટા કાનુનોમાં કોઇપણ બાબતો હોય તે અંગે કોઇપણ વ્યકિત નુકશાની માટે કોઇપણ પ્રકારના વળતળ ની માંગણી કરવા માટે હકકદાર રહેશે.

કોઇ સહકારી બેંક રાજ્યના સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર પાસે રજીસ્ટર્ડ હોય તો તેમના બોર્ડ ઓફ ડિરેટરર્ર્સને સુપરસીડ કરવાના હુકમ કરતા પહેલા સંબંધિત રાજ્ય સરકાર સાથે પરામર્શ કરી સુપરસીડ કરી શકશે. અહી નોંધનીય બાબત એ છે કે સુપરશીડ કરવાની સતા રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા પાસે જ રહેશે. રજીસ્ટ્રાર માત્ર પોતાના સજેશન અને વિચારો આપી શકશે તેને માન્ય રાખવા કે નહી તે રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા નકકી  કરશે.

મુડી માટેની જોગવાઇ :

બેંંકના મુડી ધોરણો મજબુત કરવા ઇકિવટી શેર અથવા પે્રફરન્સ શેર અથવા સ્પેશીયલ શેર કો–ઓપરેટિવ બેંકો પણ ઇસ્યુ કરી શકશે. બેંક પોતાની શેરની કિંમત પ્રિમીયમથી અથવા ફેઇસવેલ્યુથી બહાર પાડે તેવી જોગવાઇઓ હોવાની પૂરતી સંભાવના છે, તેમજ દસ વર્ષ કરતા ઓછા ન હોય તેવા મેચ્યુરીટી ધરાવતા અનસીકયોર્ડ ડિબેન્ચર અથવા બોન્ડઝ અથવા અન્ય સિકયોરીટીઝનું બેંકના કોઇ સભ્યને કે બેંકના કાર્યક્ષેત્રની અંદર વસતી અન્ય કોઇ વ્યકિતને ઇસ્યુ કરી શકશે. 

રિઝર્વ બેંક દ્વારા નકિક કરવામાં આવે તે મુજબની મર્યાદાઓ, નિયંત્રણો કિંમતોને આધિન રહીને બેંક શેર ઇસ્યુ કરી શકશે. કોઇપણ વ્યકિત સહકારી બેંક દ્વારા તેને ઇસ્યુ કરવામાં આવેલ શેરોના સરન્ડર સામે ચૂકવણાની માંગણી કરવાને હકકદાર રહેશે નહીં.

સ્પેશીયલ ઓડીટની નિમણુંક :

શહેરી કો–ઓપરેટિવ બેંકોનું સ્ટેચ્યુટરી ઓડીટ રાજ્ય રજીસ્ટ્રાર તરફથી કરવામાં આવે છે તે યથાવત રહેશે, તેમ છતા રિઝર્વ બેંકને બેંકના થાપણદારોના કે જાહેરહિતમાં વધારાનું ઓડિટ કરવું જરૂરી છે તો યોગ્ય લાયકાત ધરાવતી વ્યકિતની ઓડિટર તરીકે નિમણુંક કરશે અને ઓડિટર રિઝર્વ બેંકે આપેલ સુચનાઓનું પાલન કરી રિઝર્વ બેંકને રિપોર્ર્ટ કરશે. વધારાના ઓડિટરની જવાબદારી અને સત્તા કંપની એકટની કલમ–રર૭ મુજબના પ્રાવધાનોને આધિન હશે.

ઓડીટમાં બેંક પાસેથી માંગવામાં આવેલી માહિતી અને સ્પષ્ટીકરણ સંતોષજનક છે કે નહીં, બેંકના કામકાજ સત્ત્।ાઓની મર્યાદામાં છે કે નહીં, બેંકે રજુ કરેલા પત્રકો ઓડિટના હેતુ માટે પર્યાપ્ત છે કે નહીં, નફા–નુકશાન ખાતું અને બેલેન્સશીટ માં કોઇ ક્ષતિઓ છે કે કેમ, શેર ધારકોના ઘ્યાન ઉપર લાવવા યોગ્ય હોય તેવી અન્ય કોઇ બાબતો સહિતની બાબતો સમાવિષ્ટ કરાશે.

ધિરાણ ઉપરના અંકુશો :

રિઝર્વ બેંકને એવુ જણાશે કે કોઇપણ લોન અથવા ધિરાણ થાપણદારોના હિતના ભોગે આપવામાં આવેલ છે તો રિઝર્વ બેંક લેખિત હુકમ દ્વારા બેંકને વધુ લોન / ધિરાણ આપવાની મનાઇ કરશે અથવા યોગ્ય જણાય તેવા નિયંત્રણો મુકશે અથવા નિયત કરેલ સમયમાં લોન વસુલ કરવાની બેંકને સુચના કરશે.

અધિનીયમની અમલવારી : 

આ સુધારા અધિનિયમ શહેરી કો–ઓપરેટીવ બેંકો માટે ર૯, જુન–ર૦ર૦ ની અસર થી લાગુ થયેલ છે જયારે ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંકો અને સ્ટેટ કો–ઓપરેટીવ બેંકો માટે જુદી જુદી જોગવાઇઓ માટે જુદી જુદી તારીખો નક્કી કરી ગેઝેટ દ્વારા અમલ કરાવાશે.

આ એકટ સુધારા અધિનિયમ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ અથવા જેમના નામ પાછળ બેંક, બેંકર કે બેંકિંગ શબ્દનો ઉપયોગ કરતી ન હોય અને ચેકના અદાકર્તા તરીકે કાર્ય કરતી ન હોય તેવી કોઇ મંડળીને લાગુ થશે નહીં.

આ સુધારા એકટની વિરૂઘ્ધ બેંકો તરફ થી જે કાંઇ ઠરાવ થયેલા હોય અથવા અમલમાં હોય અથવા મંજુર થયેલા હોય તે રદ બાતલ ગણવાના રહેશે.

મેનેજીંગ એજન્ટ :

કોઇપણ સહકારી બેંક મેેનેજીંગ એજન્ટની નિમણંુક કરશે નહી કે એવી અન્ય કોઇપણ વ્યકિતની નિમણુંક કરી શકશે નહી કે જે નાદાર જાહેર થયેલ હોય અથવા નૈતિક ગુના સબબ ગુનેગાર ઠરેલ હોય.

પ્રોફેશ્નલ અનામત :

સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં પ્રોફેશ્નલ વ્યકિતઓ ઓછામાં ઓછા પ૦% હોવા જોઇશે કે જેઓ એકાઉન્ટન્સી, કૃષિ, ગ્રામ્ય અર્થતંત્ર, બેંકીંગ સહકાર, અર્થશાસ્ત્ર, કાનૂન, લઘુઉદ્યોગ, ધિરાણ કે રીઝર્વ બેંકના મતે જે વ્યવહારૂ અને અનુભવી હોય તેવી લાયકાત ધરાવતી વ્યકિતની ડિરેકટર તરીકે નિમણુંક ફરજીયાત કરવાની રહેશે. તે પૈકી ઓછામાં ઓછા ર–ડિરેકટર્સ સહકાર, કૃષિ અને ગ્રામીણ અર્થતંત્ર, લઘુઉદ્યોગની વિશિષ્ટ જાણકારી ધરાવતા હોવા જોઇશે.

ચુટણી કરવાના આદેશો :

રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા ઉપરોકત લાયકાત ધરાવતા બોર્ડ ઓફ ડિરેકટર્સની ચુુટણી કરવાનો આદેશ કરી શકશે. સામાન્ય સભા બોલાવીને હુકમનું પાલન કરવા બંેક બંધાયેલી રહેશે અને તે બે મહિનામા તેની ચંુટણી કરી લેવાની રહેશે.ચુટણી કરવાના હુકમના આદેશને કોઇપણ અદાલતમાં નકારી શકાશે નહી.અન્ય બેંકોમાં ડિરેકટર્સ હોય તેવી કોઇપણ વ્યકિતને બંેક ડિરેકટર્સ તરીકે રાખી શકશે નહીં.

ડિવીડન્ડ માટેની જોગવાઇ : 

ડિવિડન્ડ જાહેર કરવામાં આવે તે પહેલા ર૦% અનામત ભંડોળમાં લઇ જવા જોઇશે. આવા અનામત ભંડોળમાંથી બેંક વિનીયોગ કરે તો તે તારીખ થી ર૯–દિવસની અંદર તે અંગેના સંજોગોનો રીપોર્ટ રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાને કરવો જોઇશે. સહકારી બેંકોના તમામ મુડીકૃત ખર્ચાઓ, અન્ય ખોટ, માંડવાળ કે જોગવાઇ કરવામાં ન આવે ત્યાં સુધી ડિવિડન્ડ ચુકવી શકાશે નહી.

બોર્ડ હોદ્ેદારની નિમણુંક :

ડિરેકટર્સની નિમણુંક, ચેરમેનની નિમણંુક, મેનેજીંગ ડિરેકટરની નિમણંુક, હોલ ટાઇમ ડિરેકટરની નિમણૂક, સી.ઇ.ઓ. ની નિમણંુક, સબંધે સમય મર્યાદા, મહેનતાણુ, પુનઃ નિમણુંક, નિમણુકની સમાપ્તી કે વળતર વિગેરે બાબતો નવા સુધારા અનુસાર કરવાની રહેશે.

મર્જર એમોગ્લેશન :

કોઇપણ સહકારી બેંકને અક્ષમતાના કારણોસર અન્ય કોઇપણ બેંકમાં ભેળવી દેવાની કે કેપીટલ ધોરણોના કારણોસર નાની સહકારી બેંકોનું એકત્રીતકરણ કરી દેવાની સત્ત્।ાઓ સહકારી બેંકોના ભોગે ખાનગી બેંકો માટે લાભદાયી નિવડશે. સહકારી બેંકોને ખાનગી/સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પરિવર્તન કરવાને પ્રોત્સાહન આપવાની નિતી પણ સહકારી બેંકોના અસ્તિત્વ માટે નિરાશાજનક છે.

આ કાયદા હેઠળના અમલમાંથી મુકિત આપી શકાશેઃ

આ સુધારા અધિનીયમની કલમ ૩પએ અન્વયેની બોર્ડ ઓફ ડિરેકટર્સ અને હોદે્દારને લગતી કલમમાંથી શરતી મુકિત આપવાની સતા આર.બી.આઇ. ને છે. પરંતુ હાલ આવી મુકિત અંગે કોઇ ગેઝેટ પસાર કરવામાં આવેલ ન હોય બેંકિંગ રેગ્યુલેશન એકટ કલમ ૧૦,૧૦એ, ૧૦બી અમલમાં આવી ગયેલ છે તે કો–ઓપ. બેંકોના મેનેજમેન્ટ માટે ગંભીર અને નોંધનીય બાબત છે.

બેંકીંગ નિયમન સુધારા અધિનીયમ ગેરબંધારણીય ઠરવાની સંભાવના

બેંકીંગ રેગ્યુલેશન એકટના સુધારાથી સહકારી બેંકોને ખાનગી બેંકોના કેટલાક ધોરણો લાગુ કરવામાં આવ્યા છે તે બંધારણીય રીતે અયોગ્ય હોવા છતાં સંસદમાં મંજુર કરવામાં આવેલ હોવાથી સહકારી ક્ષેત્ર અને નિયમનકારી સત્તાધિશો વચ્ચે કાનુની વિવાદો સર્જાશે કારણ કે બંધારણમાં સહકાર ક્ષેત્રને રાજય વિષયમાં સમાવિષ્ટ કરવામાં આવેલ હોય, બંધારણની કલમ–૧૯ અન્વયે સહકારી મંડળી રચવાનો તેમજ ૪૩–ખ અન્વયે સહકારી મંડળીઓને સ્વાયતતા અને ઉતેજન આપવાની વિગેરે કલમો અસ્તિત્વમાં છે. તેમજ સહકાર બાબતને લગતી કે અસર કરતી કોઇપણ બાબત હોય ત્યારે એ આનુસાંગીક સહકારી કાયદો જે તે રાજ્ય એ સુધારવો જોઇએ. તેમ છતાં પ્રવર્તમાન સહકારી કાયદામાં જે પ્રાવધાનો અસ્તીત્વમાં છે તે પ્રાવધાનોની ઉપરવટ બેંકીંગ રેગ્યુલેશન એકટમાં સુધારા કરવામાં આવ્યા છે તે બાબત પડકારવામાં આવશે તો ગેરબંધારણીય ઠરે તેવી પૂરતી સંભાવના છે.

ડો. પુરૂષોત્તમ પીપરીયા

સી.ઇ.ઓ.

સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન

કો-ઓપરેટિવ બેંકસ ફેડરેશન

મો. ૯૪૨૭૨ ૨૦૫૪૪

(10:44 am IST)