Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ટ્રાફિકની જાગૃતિ માટે અને અકસ્માતો નિવારવા રોડ સેફટીની જાણકારી વિદ્યાર્થીઓને આપવા દર પંદર દિવસે સેશન યોજવા કલેકટરની સૂચના

રોડ સેફટી કાઉન્સિલ જિલ્લાકક્ષાની મીટીંગ કલેકટર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં યોજાઇઃ નેશનલ, સ્ટેટ, પંચાયતના હાઇવેના પ્રતિનિધિઓની ઉપસ્થિતી

રાજકોટ :રોડ સેફટી કાઉન્સિલની જિલ્લાકક્ષાની મીટીંગ કલેકટર કચેરી ખાતે કલેકટર અરુણ મહેશ બાબુની  ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટર અરુણ મહેશ બાબુએ રોડ અકસ્માત નિવારવા, ગતિ નિયમન માટે યોગ્ય સ્પીડ બ્રેકર બનાવવા  અંગેનું માર્ગદર્શન અને સુચનાઓ સબંધિત અધિકારીઓને આપી હતી.
 ટ્રાફિક જાગૃતિ માટે અને અકસ્માતો નિવારવા રોડ સેફટીની જાણકારી વિદ્યાર્થીઓને આપવા દર પંદર દિવસે  સેસન યોજવા કલેકટરએ જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી અને ખાનગી સંચાલકોને સૂચના આપી હતી. જેથી બાળકોને રોડ ઉપર કેમ ચાલવું, રોડ કેમ ક્રોસ કરવા, જીબ્રા ક્રોશીંગ, સાઈન બોર્ડની સમજ મળી શકે.
આ મિટિંગમાં બ્લેક સ્પોટ આઇડેન્ટિફિકેશન કરેલ તેમાં સુધારાત્મક પગલાં લેવા, ફેટલ અકસ્માતમાં સંયુક્ત નિરક્ષણ બાબતે નોડલ ઓફિસરની નિમણુક કરવા, સ્પીડ બ્રેકર નિયમોનુસાર બનાવવા, કુવાડવા ભાડલા રોડ રિપેર કરવા, ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, ગાંધીનગરના કમિશનર સુચનાનો અમલવારી કરવા સહિતના એજન્ડાની ચર્ચા વિચારણા થઇ હતી.
  આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીના, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પી.બી લાઠીયા,  સહિતના સંબંધિત અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયતના હાઇવે ઓથોરિટી, નેશનલ હાઇવે ઓથોરીટી, સ્ટેટ હાઇવે ઓથોરોટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.

(8:24 pm IST)