Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

રામનાથ મહાદેવ ઘાટની અવદશા : તંત્રએ માત્ર વાતો જ કરી

શ્રાવણ માસે પણ ગંદકીનું જ સામ્રાજ્ય રહે તેવી સ્થિતિ : તંત્રવાહકો કયાં ગાયબ થઇ ગયા ? : થોડા દિવસ અગાઉ ૧૫થી વધુ સંસ્થાઓએ કલેકટરને પણ રજૂઆત કરી હતી

રાજકોટ તા. ૨૭ : શહેરના ગ્રામદેવતા શ્રી રામનાથ મહાદેવ ઘાટના જીર્ણોધ્ધારની વાતો જાણે હવામાં ઉડી ગઇ હોય તેમ હજુ સુધી આ મંદિરના ઘાટની અવદશા યથાવત છે અને હવે પવિત્ર શ્રાવણ માસ શરૂ થવામાં ૧૨ થી ૧૪ દિવસ જ આડા છે ત્યારે આ મંદિર પાસેની ગંદકીના નિકાલ સહિતની વ્યવસ્થા કરવામાં તંત્ર વાહકોને હજુ સુધી નહી સુઝતા શ્રધ્ધાળુઓમાં કચવાટ ફેલાયો છે.

આ અંગે નાગરિકોમાં ઉઠવા પામેલી ફરિયાદ મુજબ આજી નદી કાંઠે બિરાજતા પૌરાણિક ગ્રામ દેવતા શ્રી રામનાથ મહાદેવ મંદિર પાસે નદીના ગંદા પાણી કચરાના ઢગલાની વર્ષો જુની સમસ્યાનો અંત હજુ સુધી નથી આવ્યો.

જો કે સમયાંતરે અહીં રેલીંગવાળો પુલ બનાવાયો પરંતુ ત્યાર બાદ આગળના વિકાસકામોમાં ઠાગા ઠૈયા થવા લાગ્યા. રાજ્યના પ્રવાસન નિગમે મોટી યોજના જાહેર કરી તેની ગ્રાન્ટ ફાળવાઇ પદાધિકારીઓએ સ્થળ મુલાકાતો લઇ ફોટાઓ પડાવ્યા. આ બધુ બે થી ત્રણ વખત થયું છતાં આજે પણ સ્થિતિ યથાવત છે.

ઘાટની આસપાસની ગંદકીની દુર્ગંધથી લોકો ત્રાહીમામ થઇ જાય છે. અધુરા બાંધકામને કારણે પણ ઘાટની દુર્દશા વર્તાઇ રહી છે.

આ બાબતે હજુ થોડા દિવસો અગાઉ જ શહેરની વિવિધ ૧૫ જેટલી સામાજિક - ધાર્મિક સંસ્થાઓ દ્વારા જિલ્લા કલેકટરને સામુહિક આવેદન પત્ર પાઠવી અને ભગવાન 'શ્રી રામનાથ મહાદેવ' ઘાટ આસપાસ સ્વચ્છતા સહિતના આયોજનો કરવા ઉગ્ર માંગ ઉઠાવી આ મુદ્દે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

આમ, છતાં હજુ સુધી તંત્ર વાહકોના પેટનું પાણી હલ્યું નથી. હવે પવિત્ર શ્રાવણ માસને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે ગ્રામદેવતા શ્રી રામનાથ મહાદેવના ભકતો આ મંદિર આસપાસ સ્વચ્છતા અને પવિત્રતાનું વાતાવરણ ઇચ્છે છે.  આમ, હવે રામનાથ મહાદેવ ઘાટનો ઉધ્ધાર હકીકતમાં સાકાર થાય તે જરૂરી છે.

(3:22 pm IST)