Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ખાનગી વાહનો પર પોલીસ-MLA-સરકારી હોદ્દા દર્શાવતા લખાણો ગેરકાયદે

વાહન વ્‍યવહાર કમિશ્નર કચેરી દ્વારા આવા લખાણો દુર કરવા, પગલા લેવા હુકમ

રાજકોટ, તા., ર૭:  ખાનગી વાહનો ઉપર પોલીસ, એમએલએ,  સરકારી હોદ્દાઓ દર્શાવતા લખાણો ગુજરાત મોટર વ્‍હીકલના નિયમો વિરૂધ્‍ધ હોવાનું અને કેન્‍દ્રીય મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ની કલમ ૧૭૭ હેઠળ દંડને પાત્ર હોવાથી આવા લખાણો દુર કરવા અને વાહન માલીકો સામે  પગલા લેવા વાહન વ્‍યવહાર કમિશ્નરની કચેરી દ્વારા હુકમ કરવામાં આવ્‍યો છે.

પોલીસ મહાનિરીક્ષક, સ્‍ટેટ ટ્રાફીક બ્રાન્‍ચ, ગાંધીનગરને સંબોધી કરવામાં આવેલા એક પરિપત્રમાં જણાવાયું છે કે રાજયમાં મોટી સંખ્‍યામાં ખાનગી વાહનોની નંબર પ્‍લેટ ઉપર સરકારી વાહનોની જેમ લાલ કલરની પટ્ટી રાખી વિવિધ હોદ્દાના લખાણો લખવામાં આવે છે. જેથી ખાનગી વાહન પણ સરકારી વાહન હોવાનો ભ્રમ ઉભો થાય છે.  પોલીસ, એમએલએ અને જુદા જુદા સરકારી હોદ્દા દર્શાવતા બોર્ડ ખાનગી વાહનો ઉપર  લગાવાયેલા જોવા મળે છે. તા.રપ-પ-ર૦રરના યોજાયેલી જાહેર હિસાબ સમીતીમાં આ બાબતે ચિંતા વ્‍યકત કરી પગલા લેવા જણાવાયું હતું. વાહનોમાં આ પ્રકારનું અનઅધિકૃત લખાણ પ્રદર્શીત કરવું તે ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ના નિયમ ૧રપ હેઠળ જોગવાઇ વિરૂધ્‍ધનું છે. તેમજ કેન્‍દ્રીય મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ની કલમ ૧૭૭  હેઠળ દંડને પાત્ર છે. માટે રાજયમાં આવા અનઅધિકૃત લખાણ વાળા વાહનોનું ચેકીંગ કરી આવા લખાણો દુર કરવા અને કાયદેસરના પગલા લેવા જરૂરી કાર્યવાહી કરવા વાહન વ્‍યવહાર કમિશ્નર ગાંધીનગર દ્વારા પરિપત્ર કરવામાં આવ્‍યો છે.

(4:28 pm IST)