Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

હેલ્‍થ વર્કરની પરીક્ષામાં મોબાઇલ લઇને બેઠેલો વિંછીયાનો રવિ વૈશ્‍નવ પકડાયો

નવલનગરના પરિક્ષા કેન્‍દ્રના સ્‍ટાફે તલાશી લેતા પરિક્ષા ખંડમાંથી મોબાઇલ મળ્‍યો : માલવીયાનગર પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી

રાજકોટ,તા. ૨૭ : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મલ્‍ટી પરપઝ હેલ્‍થ વર્કરની વર્ગ-૩ની યોજાયેલી પરિક્ષામાં મવડી નવલનગરમાં આવેલા પરિક્ષા કેન્‍દ્રમાં પરિક્ષામાં મોબાઇલ ફોન લઇને બેઠેલા વિંછીયાના શખ્‍સને પકડી લઇ માલવીયાનગર પોલીસે જાહેરનામાં ભંગની કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મલ્‍ટી પર્પઝ હેલ્‍થ વર્કર વર્ગ -૩ની ગઇ કાલે લેખીત પરીક્ષા યોજાઇ હતી. પરિક્ષામાં પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે પોલીસ બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો હતો. દરમ્‍યાન માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. આનંદભાઇ પરમાર નવલનગર શેરી નં. ૩માં શ્રી અમૃત વિદ્યામંદિર ખાતે પરીક્ષા કેન્‍દ્ર પર પોતાની ફરજ પર હતા. શાળામાં આવતા પરિક્ષાર્થીઓ સુવ્‍યવસ્‍થિત રીતે પરીક્ષા આપી શકે અને કોઇ ગેરરીતી ન સર્જાયતે રીતે વ્‍યવસ્‍થા જાળવવાની તેમજ પોલીસ કમિશ્‍નર દ્વારા અમલવારી કરાવતા હતા દરમ્‍યાન ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના પ્રતિનિધિ ચુનીલાલભાઇ ડોબરીયાએ જણાવેલ કે, પોતે સ્‍કુલમાં ચેકીંગમાં હતા તે દરમ્‍યાન સ્‍કુલના બ્‍લોક નં. ૪માં વ્‍યકિત શંકાસ્‍પદ હાલતમાં જોવા આવે છે. તેમ જણાવતા હેડ કોન્‍સ. આનંદભાઇ ફરજ પરના હોમગાર્ડને સ્‍કુલના ગેઇટ પાસે બેસાડી બોર્ડના પ્રતિનિધી સાથે પ્રથમ માળે ગયા ત્‍યાં રૂમની બારીમાંથી શંકાસ્‍પદ વ્‍યકિતને બતાવેલ જેથી પોતે તેને રૂમમાંથી બહાર બોલાવી તેનું નામ પુછતા તેણે પોતાનું નામ રાજ હિતેષભાઇ વૈશ્‍નવ (ઉવ.૨૮) (રહે. રબારી શેરી વિંછીયા) જણાવ્‍યુ હતું. તેની લોબીમાં અંગ જડતી કરતા તેની પાસેથી કોઇ ચીજવસ્‍તુ મળી આવેલ નહીં જેથી તેને સીસીટીવીમાં હરકત બરાબર ન હોય તેવું સમજાવી જો મોબાઇલ કે કંઇ વસ્‍તુ હોય તો આપી દેવા જણાવતા રાજે રૂમમાં તેની જગયાએ જઇને તુરત જ પાછો આવી પોતાનો મોબાઇલ ફોન બોર્ડના પ્રતિનિધીને સોંપ્‍યો હતો. આ અંગે માલવીયાનગર પોલીસે રાજ વૈશ્‍નવ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી એ.એસ.આઇ વી.જી. બોરીચાએ તપાસ આદરી છે. 

(3:30 pm IST)