Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનો કાલે સ્વસ્તિક વિધિના માંગલ્યથી શુભારંભ

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મ. સા.ના પરમ શરણમાં ૧૮ દિવસ શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિના ઉપક્રમે આયોજિત ૯ મુમુક્ષુઓના : કાર્યક્રમોમાં દેશ-પરદેશના હજારો ભાવિકો લાઈવના માધ્યમે જોડાઈને સંયમની અનુમોદના કરશે

રાજકોટઃ અગાધ સંસારસાગરથી અનેક-અનેક આત્માઓને ઊગારીને સંયમના અમૂલ્ય દાન આપવાનો પરમ ઉપકાર કરી રહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ શરણમાં સત્યને પામીને સંયમ અંગિકાર કરવા તત્પર બનેલાં નવ-નવ આત્માઓના આત્મયાત્રા દીક્ષા મહોત્સવનું આયોજન શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિના ઉપક્રમે પ્રભુ નેમનાથની ભૂમિ-ગરવા ગિરનારની ધરા પર કરવામાં આવ્યું છે.

સમગ્ર સંસારનો ત્યાગ કરીને પ્રભુ પંથે પ્રયાણ કરી રહેલાં મુમુક્ષુ શ્રી ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રી શ્રેયમબેન ખંધાર, મુમુક્ષુ શ્રી એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ શ્રી નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ શ્રી અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ શ્રી આયુષીબેન મહેતા, મુમુક્ષુ શ્રી નિધિબેન મડીયા, મુમુક્ષુ શ્રી મિશ્વાબેન ગોડા તેમ જ મુમુક્ષુ શ્રી દીયાબેન કામદારના શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના અઢાર દિવસ સુધી ચાલનારા અનેકવિધ પ્રેરણાત્મક કાર્યક્રમોમાં દેશ-પરદેશના હજારો-હજારો ભાવિકો લાઈવના માધ્યમે જોડાઈને સંયમની અનુમોદના કરશે.

આ મહોત્સવ અંતર્ગત કાલે તા. ૨૮ ગુરુવાર સવારે ૮.૩૦ કલાકે શુકનવંતા 'સ્વસ્તિક વિધિ'ના માંગલ્ય કાર્યક્રમમાં પરમ ગુરુદેવના શ્રીમુખેથી પ્રગટ થતાં દિવ્ય મંત્રોચ્ચાર અને સંયમ ધર્મના જયનાદ સાથે દીક્ષાર્થીઓના માતા-પિતા દ્વારા શ્વેત વસ્ત્ર પર સ્વસ્તિકના શુભ પ્રતિકનું કંકુવર્ણું ચિત્રાંકન કરીને દીક્ષાર્થીઓના સંયમ જીવનની મંગલ શુભેચ્છા અર્પણ કરવામાં આવશે. સાથે જ, આ અવસરે નેમ રાજુલની આકારથી નિરાકારની યાત્રાનું દર્શન એક અનોખી પ્રસ્તુતિ દ્વારા દર્શવામાં આવશે.

તા.૨૯ શુક્રવારે, જૈન સમાજમાં પહેલીવાર સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી નિરંતર બાર કલાક સુધીની “Non Stop સાંજી'માં દેશ-વિદેશના ૧૦૦ થી વધારે શ્રી મહિલામંડળો દ્વારા ગીત-સંગીતના માધ્યમે સંયમની અનુમોદના કરવામાં આવશે. તા.૩૦ શનિવાર સવારે ૮.૩૦ કલાકે ઉપકારી એવા જિનશાસન પ્રત્યે અહોભાવની અભિવ્યકિત સ્વરૂપે 'વંદે શાસનમ'નો અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તા.૩૧ રવિવાર સવારે ૮.૩૦ કલાકે અંતર દ્રષ્ટિને ઉજાગર કરતાં અને સત્યના દર્શન કરાવતાં કાર્યક્રમો સાથે “Eye opener friendship”- નામક એક પ્રસ્તુતિ દર્શાવીને સહુને પ્રેરિત કરવામાં આવશે.

મહોત્સવના આ દિવસો દરમ્યાન તા. ૧, ૨, ૩, ૫, ૬, ૮, ૯ અને ૧૧ ફેબ્રુઆરીના દિને સવારે ૮.૩૦ કલાકે “The Final Full Stop” કાર્યક્રમ અંતર્ગત એક પછી એક નવ-નવ મુમુક્ષુઓની સંસારથી સંયમ સુધીની જીવનયાત્રાની હૃદયસ્પર્શી પ્રસ્તુતિ સાથે તેમના જીવનમાં એક modern life style માંથી મુનિ life style અપનાવા પાછળનું કયું પરિબળ કામ કરી ગયું એની રસપ્રદ પ્રસ્તુતિ દર્શાવામાં આવશે.

વિશેષમાં, તા.૪.૨ ગુરુવાર સવારે ૦૮.૩૦ કલાકે ગુરુ તત્વના ઉપકારો પ્રત્યે ઉપકાર વંદનાવલીની અર્પણતા કરતાં 'ગુરુ ઋણ અદા કેમ કરીએ?' ની સાથે તા. ૬.૨ શનિવાર સવારે ૮.૩૦ કલાકે બાળકો માટે પ્રેરણાત્મક કાર્યક્રમ 'બાલદીક્ષા'નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તા.૭.૨ રવિવાર સવારે ૮:૩૦ કલાકે “I can… its possible” નામક આત્મા અને મન વચ્ચેના યુદ્ઘની પ્રસ્તુતિ એક અનોખા કાર્યક્રમ દ્વારા કરવામાં આવશે.

તા. ૮.૨ સોમવાર સવારે ૧૧ કલાકે તપસમ્રાટ પૂજય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની ૨૩મી પુણ્યસ્મૃતિ અવસર યોજાશે. તા. ૧૦.૨ બુધવાર સવારે ૮.૩૦ કલાકે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની ૩૦મી દીક્ષા જયંતિ અવસરે 'ગિરીવરે ગૂંજે ગુરુવર ગુણોત્સવ'ના કાર્યક્રમ સાથે પરમ 'શ્રાવક દીક્ષા' અવસરનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે.

આ દિવસે “Constitution of saiyam life” કાર્યક્રમ અંતર્ગત સાધુ જીવનની ૧૦ સમાચારી- “10 milestones, 10 smilestones” ની સમજણ આપતી અદ્બૂત પ્રસ્તુતિ પણ કરવામાં આવશે.

મહોત્સવના અંતિમ પડાવ સ્વરૂપ તા. ૧૨.૨ શુક્રવાર સવારે ૮.૩૦ કલાકે સંયમ સ્તંભના આરોપણ સ્વરૂપ દીક્ષાર્થીઓની 'મંડપ મૂહુર્ત' વિધિ તેમજ 'માળા રોપણ વિધિ' બાદ દીક્ષાર્થીઓના સંસાર જીવનના અંતિમ આત્મરક્ષાબંધન સ્વરૂપ 'સ્નેહ ઉત્સવ'નું અનેરું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૩.૨ શનિવાર સવારે ૮.૩૦ કલાકે સંસાર જીવનને અલવિદા કરતાં દીક્ષાર્થીઓનો 'વિદાય ઉત્સવ' તેમજ 'માતા પિતા ઉપકાર ઉત્સવ'ના સંવેદનશીલ દૃશ્યો સર્જાશે અને તા. ૧૪.૨ રવિવાર સવારે ૮.૩૦ કલાકે નવ-નવ આત્માઓના ભવોભવનું કલ્યાણ કરાવી દેનારા શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવમાં દીક્ષાર્થીઓને ગુરુમુખેથી દીક્ષાના કલ્યાણ દાન દેવાશે.

મહોત્સવના દરેક દિવસે સવારના સમયે લોકપ્રિય ગાયકો દ્વારા સાંજીના સૂર રેલાવીને સંયમની અનુમોદના કરવામાં આવશે. નવ આત્માઓના આ ત્યાગ મહોત્સવના અવસરોમાં લાઈવના માધ્યમે જોડાઈને આત્મકલ્યાણની પ્રેરણા પામવા સહુ ધર્મપ્રેમી ભાવિકોને શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિ તરફથી ભાવભીનું આમંત્રણ અપાયું છે.

(12:06 pm IST)